'કૂખ'-"સાવ નવો વિષય. આ વિષયને કેન્દ્રમાં રાખી કદાચ ગુજરાતી ભાષામાં આ પ્રથમ લઘુનવલ હશે."
(પ્રસ્તાવના, લેખક)
'સરોગેટ મધરનો કન્સેપ્ટ' અને 'બાળકને દત્તક લેવાને બદલે સ્પર્મબેંકમાંથી' હાઇ પ્રોફેશનવાળી વ્યક્તિનું બ્રેઇન(અને પર્સનાલિટી) જોઇ સ્પર્મ ખરીદી 'કૂખ ભાડે લઇ' અન્ય સ્ત્રીનાં 'પેટમાં બાળક પકાવીને' લઇ આવવાના વલણથી હવે સૌ પરિચિત છે. આ બાબતને કેન્દ્રમાં રાખી માનવસંબંધો અને સંવેદનો રજૂ કરતાં કરતાં આ લઘુનવલ રચાઇ છે.
વિજ્ઞાનની આ શોધથી માનવસંબંધોમાં જે કટોકટી સર્જાય, કુટુંબ જીવન અને વ્યક્તિજીવનમાં ઉથલપાથલ થાય તેવો ભૂંકપ આવે એને કલાત્મક રીતે ચિત્રિત કરવાની આ કથામાં કોશિશ કરવામાં આવી છે.
પણ લેખકે આવી તાજી કથાવસ્તુને ચીલાચાલુ પ્રણયપ્રંસગોમાં ગૂંથી દીધી છે. કથાનાયક પ્રકાશ કોલેજમાં અંજુનો ખાસ મિત્ર(બોયફ્રેન્ડ) હતો ને એ ત્રણ વરસ બંનેના જીવનનાં યાદગાર વરસો રહ્યાં છે. પછી સગાઇ તૂટતાં ગાંધીનગરમાં એકલો રહે છે અને ઓફિસમાં પાંચ વરસ મોટી, બે છોકરાંની મા એવી સહકર્મચારી સ્મિતા સાથે લાગણીનો માળો ગૂંથી રહ્યો છે.
મા બનવું અને સંતાન પામ્યાનો અહેસાસ થવો એ બે બાબતને સ્ત્રીના દ્રષ્ટિબિંદુથી જ નહી, સ્ત્રીના અનુભવબિંદુથી પણ જો જોઇ શકાઇ હોત તો માતૃત્વનો ભાવ એના શિખરે પહોંચતાં જે વાત્સલ્યરસનો અનુભવ કરાવે એવો અનુભવ આ કથા કરાવી શકત.
બીજી બાજુ એનઆરઆઇને પરણાવવાની લહાયમાં અંજુને બે બાળકોના પિતા સાથે પરણાવી દેવામાં આવેલી ને પરદેશ પહોંચેલી અંજુએ એ સંબંધ સ્વીકારવાને બદલે અન્ય પુરૂષ સાથે જીવવાનું પસંદ કરેલું જેમાં એને નિષ્ફળતા મળેલી. ચાલીસેકની ઉંમરે દત્તક તો દત્તક સંતાન લેવા અંજુ દેશમાં આવે છે ને પ્રકાશની મદદ ઇચ્છે છે ત્યાંથી કથા શરૂ થાય છે. પ્રકાશ તેનો કામચલાઉ પતિ થવાની ઝંઝટમાંથી બચવા અંજુને 'સરોગેટ મધર'નો ઉપાય સૂચવે છે જેથી ઇચ્છિત ગુણોવાળું - સુંદર બાળક મેળવી શકાય.
બે સ્ત્રીઓ જા.ખ.ના પ્રત્યુત્તરમાં 'સેરોગેટ'મા થવા તૈયાર થાય છે અને એમાંથી એક પતિ-પત્નીને મળવાનું, તેમની સમસ્યાઓ, મૂંઝવણ, લાગણીઓ રજૂ કરવાનું બને છે. બીજી સ્ત્રી કે તેના પતિને મળવાનું પ્રકાશ-અંજુ શા માટે ટાળે છે(કારણ કે આ તો ભાવ-તાલ,સોદાબાજી છે તો બધા ઘરાકને મળવું જોઇએ) તે વાચકને સમજાતું નથી. કદાચ લેખકના 'આયોજન'માં એ પ્રસંગો નહી હોય.
'પોતાનું ફિગર ન બગડે, શરીરને કષ્ટ, પ્રસવની પીડા વગર જ.....માત્ર પૈસા આપીને મા બની શકાય'.(પા. 58 - પોતાના જ સ્ત્રીબીજથી) પણ "પ્રસવની પીડા અનુભવ્યા વિના સંતાન પામ્યાનો અહેસાસ ન થાય"(પા. 125) "મા બનવું" અને સંતાન પામ્યાનો અહેસાસ થવો એ બે બાબતને સ્ત્રીના દ્રષ્ટિબિંદુથી જ નહી, સ્ત્રીના અનુભવબિંદુથી પણ જો જોઇ શકાઇ હોત તો માતૃત્વનો ભાવ એના શિખરે પહોંચતાં જે વાત્સલ્યરસનો અનુભવ કરાવે એવો અનુભવ આ કથા કરાવી શકત, પણ વાત્સલ્ય(માતૃત્વ) માટેના એ ઝુરાપાનું-તલસાટનું પાત્રો-પ્રસંગો-સંવાદોમાં સાવ અછડતું આલેખન થઇ શક્યું છે અને વારેવારે કેન્દ્રમાં આવી જાય છે સ્ત્રી-પુરૂષ સંબંધ.
જમનાબા, વંદના, ખુદ સ્મિતા, અંજુ એ બધાં પાત્રો બરાબર ખૂલ્યાં હોત તો કદાચ નીના ગુપ્તા કે હેમા માલીનીએ જે સંવેદ્યું-અનુભવ્યું હશે તે તેની સમગ્રતામાં તીવ્રરૂપે આકાર બદ્ધ થઇ શક્યું હોત.
કથાની શરૂઆત અને અંત પ્રકાશથી થાય છે, નહીં કે અંજુથી અને સ્ત્રી-પુરૂષ સંબંધના કેન્દ્રમાં શૃંગાર જ રહે. એટલે બન્યું એવું કે અંજુની તીવ્ર લાગણીઓ ક્યાંક ક્યાંક સીધી આવી પણ સળંગ એ પ્રકાશની આંખે દેખાઇ એ રીતે આવી. "સ્ત્રીને સમજવામાં એક જન્મારો ઓછો પડે"(પા. 129, અગાઉ પણ છે.) એવું પ્રકાશને થાય છે તે બાબત લેખકને તો લાગુ નથી પડતી ને? સ્ત્રીને સમજીને કથા લખાય ત્યારે આવું બને પણ સ્ત્રી તરીકે જ જિંદગીને અનુભવી-સંવેદીને કથા લખાય તે માતૃત્વ-વાત્સલ્યના એવરેસ્ટ સુધી પહોંચી શકાત. જમનાબા, વંદના, ખુદ સ્મિતા, અંજુ એ બધાં પાત્રો બરાબર ખૂલ્યાં હોત તો કદાચ નીના ગુપ્તા કે હેમા માલીનીએ જે સંવેદ્યું-અનુભવ્યું હશે તે તેની સમગ્રતામાં તીવ્રરૂપે આકાર બદ્ધ થઇ શક્યું હોત.
બાકી ગોઠવણ અને આયોજનની રીતે 'સેરોગેટ' 'સ્પર્મ' અને 'કુખ' ઉપર 'પ્રકાશ' પાડનારી આ રસિક લઘુનવલ જરૂર બને છે પ્રથમ તો ખરી જ. એના લેખક શ્રી રાઘવજી માઘડને એટલા પૂરતા ધન્યવાદ!
YV / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: