જેમ સપ્તલોક, સપ્તપાતાળ તેમ સપ્તનરકની વાતો સૌએ સાંભળી હોય છે. નરકની બીક બતાવી ધીકતી કમાણીનો કર્મકાંડ અને પૂજાપાઠનો ધંધો એ જુદી વાત છે અને નરકની એક સમજ એ વળી અલગ વાત છે.
ભયંકર, ઘોર, યાતનાપૂર્ણ, કુત્સિત એવાં વિશેષણ નરકને લગાડાય છે. નરકનો મૂળ અર્થ છે 'નૃણાતિ ક્લેશં પ્રાપયતિ ઇતિ' જે ક્લેશની પ્રાપ્તિ કરાવે તે નરક. જે કિલન્ન કરે, ખિન્ન કરે, વ્યથા-વેદના પહોંચાડે, દુઃખી કરે તે ક્લેશ. આવો ક્લેશ જ્યારે જીવાત્મા અનુભવે છે ત્યારે તે નરકમાં છે એમ કહેવાય. આવો ક્લેશ તો જીવતેજીવ પણ અનુભવાય. સતત જીવ બળ્યા કરે, અદેખાઇની આગમાં બળ્યા કરવાનું થાય, ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયા કરતો હોય, કામાગ્નિ કેડો મૂકતો ન હોય, જઠરાગ્નિ શાંત થતો ન હોય, ચિતાસમાન ચિંતા સતત ભસ્મીભૂત કર્યા કરતી હોય-કેટકેટલા અગ્નિ છે આ સંસારમાં જ! અને એ કારણે જીવ સતત તરફડિયાં મારતો હોય. જીવતે જીવ નરક ભોગવવાનું છે, મર્યા પછીની વાત જ ક્યાં છે?
જીવાત્માના ગળામાં આવી અનેક યાતનાઓ અને પીડાઓનો ફાંસલો નાખીને જિંદગી આખી આપણે પોતે જ યમદૂત બનીને અનેક આરોપો, પાપો અને પરિણામે ભોગવવા પડતા ક્લેશોના કાંટાળા માર્ગ ઉપર આપણને ઘસડી જતા હોઇએ છીએ. આ યાતનાઓના ફાંસલા માટેનાં દોરડાં આપણે ખુદે જ વણ્યાં છે. આપણી ઇચ્છાઓ, આપણી મહેચ્છાઓ, આપણી આશાઓ અને અપેક્ષાઓનાં દોરડાં ફાંસલો બનીને આપણને પરાધીન બનાવીને, લાચાર અને મજબૂર બનાવીને બળબળતી રેતી પર ચલાવ્યા કરે છે. આ દોરડાંને તૃષ્ણા અને વાસના વળ ઉપર વળ ચડાવ્યા કરે છે.
નિયમ અને કાયદા-કાનૂનનું આ જગત છે. કુદરતે જ ઘડેલા નિયમો અને કાયદા-કાનૂન આપણે પાળીએ નહી તો નરક અહીં જ ભોગવવાનું છે. શાસ્ત્રોએ કહ્યું છે કે નરકનો અનુભવ જીવાત્મા કરે છે.
જે હાથમાં નથી આવતું. જે ઝાંઝવાના જળ સમાન છે એ ભૌતિક સુખ માટે સતત લાલાયિત અને હજુ વધુ, હજુ વધુ એમ સતત તૃષાતુર રાખનાર તે તૃષ્ણા. એ આપણને જંપવા નથી દેતી, શાંતિથી શ્વાસ સુદ્ધાં લેવા દેતી નથી અને બળબળતી રેતી ઉપર આગળને આગળ ભવિષ્ય તરફ દોડાવ્યા કરે છે. જે કશું આપણી પાસે છે તે રખે ને જતું રહેશે એમ માની એને વધુમાં વધુ ભોગવી લેવાની એષણા તે વાસના.
આપણે જાણીએ છીએ કે રાગ-દ્વેષ, મોહ-માયા, નિંદા-સ્તુતિ, મારું-તારું વગેરેથી ઉપર ઊઠી જઇ શકીએ ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે અને અહીંનું અહીં નરક ભોગવ્યા કરવાનું છે પણ આપણી સ્થિતિ દુર્યોધન જેવી છે. જાણીએ છીએ કે શું કરવું જોઇએ પણ તે તરફ પ્રવૃત્તિ-ગતિ થતી નથી. જાણીએ છીએ કે શું ન કરવું જોઇએ પણ તેમાંથી નિવૃત્ત થવાતું નથી.
નિયમ અને કાયદા-કાનૂનનું આ જગત છે. કુદરતે જ ઘડેલા નિયમો અને કાયદા-કાનૂન આપણે પાળીએ નહી તો નરક અહીં જ ભોગવવાનું છે. શાસ્ત્રોએ કહ્યું છે કે નરકનો અનુભવ જીવાત્મા કરે છે અને શ્રીકૃષ્ણએ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં 'ગહના કર્મણો ગતિઃ' કહીને હાથ ઊંચા કરી દીધા છે.
જેવું વાવો એવું લણો, કરો તેવું પામો, પોતાના જ અહંકારના, સ્વાર્થના, પૂર્વગ્રહો અને પરિગ્રહોના પ્રવાહમાં પોતે દિશાહીન બનીને મતિભ્રાંત અથવા શૂન્યમતિ બનીને નરક તરફ તણાતો જાય છે એનું ભાન-સાન જો પોતાને જ ન હોય તો કોણ બચાવી શકે?
YV / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: