Home» Opinion» Society & Tradition» Yogendra vyas article about breaking news

'બ્રેકિંગ ન્યૂઝ'ની લ્હાયમાં...

Yogendra Vyas | August 16, 2013, 04:25 PM IST

અમદાવાદ :

8 મે 2013ના બુધવારે અમદાવાદનાં બે જાણીતાં અખબારમાં સમાચારે ધડાકો કર્યો. મથાળું હતું. "વિદ્યાર્થીઓને ફ્રોક ઊંચુ કરીને કલાસમાં ફરવાની સજા અપાય છે." પછી પેટામથાળામાં બીજાં બે વાક્ય આ પ્રમાણે હતાં. 'સીએન વિદ્યાલયના વાલીઓ દ્વારા સંગીત શિક્ષક સામે ટ્રસ્ટીઓને રજૂઆત. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને બેંચ પર સજાના ભાગરૂપે સુવડાવી દેતા હોવાનો આક્ષેપ.'

આવા ધડાકાથી ભડાકા અને ભડકો બે ય થાય ને સાથે હોબાળો થાય એટલે સનસનાટીભર્યા સમાચાર આપનાર રિપોર્ટર અને અખબારનું કામ થાય. ‘કોણ પહેલું?’ની હોડમાં સમાચારમાં કેટલું તથ્ય(સત્ય) છે તેની ચકાસણી કરવાની કોને નવરાશ છે? અને બહુ ઓછા વાચકોને ખબર હોય જ કે પ્રાથમિક શાળાની વાત કરી છે તે સીએન વિદ્યાલયમાં બેંચો નથી, માત્ર ઢાળિયાં જ છે. સંગીતવર્ગમાં તો નથી જ નથી. પછી બેંચ પર સુવડાવવાની વાત કેવી?

પણ ધડાકા, ભડાકા અને હોબાળાએ એક નાનકડા કુટુંબની જે દુર્દશા કરી હોય તેની કોને પડી હોય? રિપોર્ટર મહાશયનો બીજે જ દિવસે બીજા જ ભડાકા-ધડાકાની શોધમાં, કહોને કે લગભગ શિકારની શોધમાં નીકળી પડેલા હિંસક પશુની જેમ નીકળી પડ્યા હોય અને અખબાર તો બીજે દિવસે પસ્તી થઇ ગયું હોય.
 

એક હોંશિયાર વિદ્યાર્થીની એની તર્કપૂર્ણ દલીલોનો મારો ચલાવતી હતી ત્યાં સામાન્ય રીતે શાંત રહેતા પ્રોફેસરનો મિજાજ છટક્યો. 'ક્યારની બક બક કરે છે પણ શાંતિથી સાંભળતી નથી.' કહી એક ડાબા હાથની લપડાક લગાવી દીધી.

પણ આ પસ્તીએ એક આખા કુટુંબની જિંદગી કેટલી સસ્તી કરી નાખી હોય એની કોને પડી હોય છે? બે એક વરસ પહેલાં જ પરણેલા સંગીતશિક્ષકનાં પત્નીના ગળેથી બે દિવસથી કોળિયો તો શું, પાણીનો ઘૂંટડો ય ઊતરી શકતો ન હોય એવું અવિરત રૂદન ચાલતું હોય. દીકરીનું દુઃખ જોઇ મમ્મીની આંખ પણ સતત વહેતી હોય. ઘવાયેલા સંગીતશિક્ષકને એ બેનાં આંસુમાં ડૂબી મરવાનું મન થતું હોય તેવે વખતે સંસ્કારપ્રેમી આજીવન શિક્ષક એવા સસરાજી ખૂણામાં બોલાવી, 'ખરેખર આવું થયેલું? તે આવું કરેલું? એમ અદ્ધર જીવે પૂછી રહ્યાં હોય. ક્યારેય નહીં, ક્યારેક તમાચો મારી દઉં, પેલો સ્પષ્ટતા કરતો હોય. સાથી શિક્ષકો, આચાર્યશ્રી અને કેટલાંક વાલીઓ સુદ્ધાં, 'તમે તો આવું કરી શકો જ નહીં એની અમને ખાતરી છે' એવું આશ્વાસન ધરપત આપતા હોય છતાં ટ્રસ્ટીઓ આરોપીના પાંજરામાં ઊભા રાખી ખુલાસાઓ પૂછતા હોય ત્યાર આ કલાકારજીવ બિચારો, 'નહીં સ્વજન કોઇ.....' એ કાવ્યપંક્તિઓ યાદ કરતો હોય, કોને પડી છે?

બરાબર પચીસેક વરસ પહેલાં આવો જ કિસ્સો બનેલો, પાત્રો જુદાં અને થોડાં વધુ પણ ખરાં.

'88-89'નું વરસ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનનાં એમ. એનાં થોડા વિદ્યાર્થીઓ એક પ્રોફેસરની કેબિનમાં કશીક તીખી-ગરમ ચર્ચામાં પડેલાં. એક હોંશિયાર વિદ્યાર્થીની એની તર્કપૂર્ણ દલીલોનો મારો ચલાવતી હતી ત્યાં સામાન્ય રીતે શાંત રહેતા પ્રોફેસરનો મિજાજ છટક્યો. 'ક્યારની બક બક કરે છે પણ શાંતિથી સાંભળતી નથી.' કહી એક ડાબા હાથની લપડાક લગાવી દીધી.

એકદમ સન્નાટો છવાઇ ગયો. ભૂતકાળમાં પણ જી.એસ.(જનરલ સેક્રેટરી-સામાન્ય મંત્રી) સહિત બે-એક વિદ્યાર્થીઓએ આ પ્રોફેસરના હાથની લપડાક ખાધેલી. ભાગ્યે ગુસ્સે થનારા આ પ્રોફેસર જ્યારે ગુસ્સે થાય ત્યારે બધો વિવેક ગુમાવી બેસે છે તેનું તેમને પોતાને પણ ભાન. તેમને તરત સમજાયું કે ભારે ભૂલ કરી. શું કરવું? શું બોલવું? એનો વિચાર કરે એ પહેલાં બધાં વિદ્યાર્થીઓ ચૂપચાપ બહાર નીકળી ગયેલાં.

આગની જેમ આખા ભાષા સાહિત્ય ભવનમાં આ સમાચાર ફેલાઇ ગયા. બે-ત્રણ હિતેચ્છુ અધ્યાપક મિત્રો મળવા આવ્યા. કહે, 'માફી માંગી લો, અમે મધ્યસ્થી થવા તૈયાર છીએ.'
 

ઓફિસમાંથી એના ઘરનું સરનામું લઇ એને ઘેર જવાનો વિકલ્પ ખૂલ્લો હતો. “પણ એ કેવું લાગે?” પ્રોફેસરને વિચાર આવ્યો. એનો ફોન નંબર મેળવી, ફોન ઉપર પણ વાત કરી શકાય એમ હતી પણ એમ કરવાનુંય પ્રોફેસરને વાજબી ન લાગ્યું. “કાલે વાત”. એમ મનોમન નક્કી કરી પ્રોફેસર ઘેર જવા નીકળ્યા.

પ્રોફેસરને હજુ કળ વળી ન હતી. એ એમ જ શાંત મૂંગા મૂંગા બેસી રહ્યા. જે કરો તે જલદી કરજો. પછી આવી વાતનું વતેસર થતાં વાર નથી લાગતી.' એક અનુભવી અધ્યાપકમિત્રે સમજાવ્યું. 'છોકરીની જાત. કદાચ છેડતી કર્યાનો આરોપ પણ મૂકે ને એની બે-પાંચ બેનપણીઓ સાક્ષી આપે તો તમારી ત્રીસ વર્ષની કારકિર્દી અને પ્રતિષ્ઠા પર પાણી ફરી વળવાનું. 'અન્ય એક અધ્યાપકે ચેતવણી ઉચ્ચારી. "એવું તો એ ન કરે." બહુ વિશ્વાસપૂર્વક પ્રોફેસરે કહ્યું. “કોણ ક્યાર શું કરશે, કશું કહેવાય નહીં. જલદી માફી માગે લો.” ચેતવણીકારે વળી ચેતવ્યાં.

પણ જલદીથી નિર્ણય લઇ શકે તો એ પ્રોફેસર શેના? અડધા કલાકે કળ વળતાં નિશ્ચય કર્યો કે “માફી માગી જ લેવી જોઇએ. ગમે તેટલો ગુસ્સો આવે પણ આવું તો ના જ કરાય.”

નિર્ણય થતાં જ પોતે કેબિનમાંથી બહાર નીકળ્યાં. વર્ગો તો લગભગ ખાલી થઇ ગયેલા એટલે ગ્રંથાલયમાં તપાસ કરી. ગ્રંથાલયમાં પણ બે-પાંચ રડ્યાંખડ્યાં વિદ્યાર્થીઓ, પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ વિદ્યાર્થીની તો ઘેર જવા નીકળી ગઇ.

હવે? ઓફિસમાંથી એના ઘરનું સરનામું લઇ એને ઘેર જવાનો વિકલ્પ ખૂલ્લો હતો. “પણ એ કેવું લાગે?” પ્રોફેસરને વિચાર આવ્યો. એનો ફોન નંબર મેળવી, ફોન ઉપર પણ વાત કરી શકાય એમ હતી પણ એમ કરવાનુંય પ્રોફેસરને વાજબી ન લાગ્યું. “કાલે વાત”. એમ મનોમન નક્કી કરી પ્રોફેસર ઘેર જવા નીકળ્યા.
 

બીજે દિવસે અગિયારને ટકોરે પ્રોફેસર પોતાની કેબિનમાં પ્રવેશ્યા ત્યારે પેલી વિદ્યાર્થીની તેના મોટાભાઇ સાથે તેમની વાટ જોઇને બેઠી હતી. પ્રવેશતાં જ, “ગુડમોર્નિંગ સર”, કહી બન્ને ઊભાં થયાં.

રસ્તામાં એમના એક અન્ય પ્રોફેસર સાથી સાથે હતા. તેમને  પણ આ કિસ્સા વશે જાણ થઇ ગઇ હતી. “પછી તમે માફી માગી લીધી ને?” સાથી અધ્યાપકે પૂછ્યું.

"એ તો ઘેર જવા નીકળી ચૂકી હતી." પ્રોફેસરે જવાબ આપ્યો.

"એટલે તમે વાત કાલ ઉપર ઠેલી?" સાથી અધ્યાપકને નવાઇ લાગી.

“બીજું શું થઇ શકે?” પ્રોફેસરે જવાબ આપ્યો.

“ઘણું થઇ શકે. કાલે છાપામાં આ સમાચાર આવી શકે. કાલે કુલપતિ તમને ખુલાસો આપવા બોલાવી શકે. તમારા ઉપર પોલિસ-કેસ થઇ શકે.” સાથી અધ્યાપકે ઘણી શક્યતાઓ ખૂલ્લી કરી બતાવી.

“જે હરિ કરશે તે મમ હિતનું.” એ નિશ્ચય છતાં પ્રોફેસરની રાત કંઇ પૂરતી શાંતિમાં ન વીતી શકી.

બીજે દિવસે અગિયારને ટકોરે પ્રોફેસર પોતાની કેબિનમાં પ્રવેશ્યા ત્યારે પેલી વિદ્યાર્થીની તેના મોટાભાઇ સાથે તેમની વાટ જોઇને બેઠી હતી. પ્રવેશતાં જ, “ગુડમોર્નિંગ સર”, કહી બન્ને ઊભાં થયાં. પ્રોફેસર પોતાની ખુરશીમાં બેસે ત્યાં તો પેલી વિદ્યાર્થીનીએ ઊભા ઊભાં જ કહ્યું, "સર આઇ એમ વેરી સોરી, ગઇકાલે મેં ખોટી ખોટી દલીલો કરીને તમને ગુસ્સે કર્યાં."

પ્રોફેસર એની સામે જોઇ રહ્યાં. થોડી વારે એનો મોટોભાઇ બોલ્યો, “અમે તો ગઇકાલે રાત્રે જ તમારી માફી માગવા તમારે ઘેર આવવાનાં હતા. પણ પપ્પા કહે, ઘેર જઇ પ્રોફેસરને શા માટ ડિસ્ટર્બ કરવા? એટલે અત્યારે આવ્યાં.”

વાચકોને 2013ના બનેલા અને છાપામાં ચમકેલા સમાચાર સાથે આ કિસ્સાને સરખાવવા વિનંતી છે. પેલા પ્રોફેસર તે ડો. યોગેન્દ્ર વ્યાસ-આ લખનાર પોતે અને વિદ્યાર્થીની તે આજનાં ડો. પિંકીબેન પંડ્યા, અમદાવાદની મોટી કોલેજોમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ અને જાણીતાં લેખિકા.

પચ્ચીસ વરસમાં શિક્ષક-વિદ્યાર્થીના, શિક્ષક-વાલીના સંબંધો બદલાઇ ગયા? સંસ્કાર, ખાનદાની, આદર-માન  બધું અદ્રશ્ય થઇ ગયું? કે પછી 'બ્રેકિંગ ન્યુઝ'ની લ્હાયમાં બધું ભસ્મિભૂત થઇ ગયું?

YV / KP

Yogendra Vyas

Yogendra Vyas

ડો. યોગેન્દ્ર વ્યાસ, પૂર્વ-ડિરેક્ટર, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી,

 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડો.યોગેન્દ્ર વ્યાસ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લાં ચાલીસ વર્ષથી વિવિધ પાઠ્ય પુસ્તકોના સંપાદક, પરામર્શક અને વિષય સલાહકાર તથા બોર્ડના સભ્ય તરીકે કાર્યરત છે. ડો.યોગેન્દ્ર વ્યાસ દ્વારા પચાસથી વધુ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે, અને તેઓના છ જેટલાં પુસ્તકોને 'ગુજર� More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.93 %
નાં. હારી જશે. 20.44 %
કહીં ન શકાય. 0.64 %