
આમ તો 16 તારીખ સુધી રાહ જોઈએ તો કંઈ ખોટું નથી. 16 મેના રોજ પરિણામો આવી જશે અને બપોર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પણ આપણને સૌને ભારે ઉતાવળ હોય છે. ડિસેમ્બર 2012માં નરેન્દ્ર મોદી ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે જીત્યા ત્યારથી જ હવે કેન્દ્રમાં શું થશે તે જાણવાની સૌને ઉતાવળ હતી. અત્યારે પણ શું બોસ, શું લાગે છે - એવું બધા પૂછતા રહે છે.
દેશભરમાં ઊંચું મતદાન થઈ રહ્યું છે. આ પણ એક સારી નિશાની છે. લોકો ઉદાસીન છે અને કોઈને કશી પડી નથી તેની જગ્યાએ નવી પેઢી, યુવાનો મતદાનમાં રસ લઈ રહ્યા છે તે સારી નિશાની છે. ચૂંટણીમાં પણ ગ્લેમર ઉમેરાયું છે તે સારી વાત છે. ઘણા બધા રાજ્યોમાં 70 ટકાથી વધારે મતદાન થયું છે. પશ્ચિમબંગમાં તો 80 ટકાથી વધારે મતદાન ગયા વખતે પણ થયું હતું અને આ વખતે પણ થયું હતું.
આપણે એમ કહી શકીએ કે 80 ટકા સુધી મતદાન થવા લાગે તો પછી ફરજિયાત મતદાનનો નિયમ કરવાની જરૂર નહીં રહે. એ પણ એક જુદો એક્સ્ટ્રીમ છે. કશું પણ ફરજિયાત કરીએ એટલે તેનું રિએક્શન આવે. આપણા સમાજમાં ઉદાસીનતાને ચલાવી લેવાય છે. કુટુંબમાં અને વિશાળ પરિવારમાં પણ એક બે સભ્યો જરા ઉદાસીન હોય છે. તેમને ચલાવી લેવાય છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે તેઓ મોડા આવે, એક બાજુ બેસી રહે, જમીને તરત જતા રહે, પણ ચાલે... તેનું ખોટું ના લગાડવાનું હોય.
તે જ રીતે 15-18 ટકા લોકો ઉદાસીન રહે, મતદાન કરવા ના આવે અને દેશ ચાલતો હોય તેમ ચાલવા દે તો ચાલે. તેથી ગુજરાતમાં પણ સારું 62 ટકા જેટલું મતદાન થયું તે સારું જ કહેવાય. ફાઈનલ આંકડા અત્યારે જાહેર થયા છે તે 62.33 ટકા છે. દોઢેક વધારે થયું હોત તો ગયા વખતનો, 1967નો 63.77 ટકાનો રેકર્ડ તૂટી જાત. ડિસેમ્બર, 2012માં આપણે વિધાનસભાનો અગાઉનો 64 ટકાનો રેકર્ડ તોડી નાખીને 72 ટકાનો કરેલો. ઠીક છે, 72 ટકા થયા હોત તો સારું હોત, 70નો આંકડો દેખાયો હોત તો પણ સારું હતું, પરંતુ થોડું ઓછું થયું છે મતદાન, તે ખરેખર ઓછું નથી. છેલ્લી ત્રણ ચૂંટણીમાં 47, 45 અને 48 ટકા એવી રીતે જ મતદાન થયું હતું. તેથી 62 ટકા સારું જ કહેવાય. 15 ટકા જેટલો વધારો સારો જ કહેવાય.
હવે મતદાનના ટકાવારીના આંકડા પ્રમાણે ગતણરીઓ માંડવામાં આવશે. અગાઉ આ બાબત બહુ નિશ્ચિત હતી કે વધારે મતદાન થાય તે શહેરનું હોય, શહેરના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગનું હોય. શહેરી મધ્યમ વર્ગ ભાજપનો ટેકેદાર હોય એટલે ભાજપને ફાયદો થાય.
પરંતુ હવે ગણતરી એટલી સહેલી નથી. યુવાનો કંઈક જુદી જ રીતે મતદાન કરે છે. મહિલાઓ પણ અનોખી રીતે મતદાન કરતી હોય છે. તેથી વધેલી ટકાવારીમાં આ બે વર્ગ વધ્યા છે તેને સમજવા પડે. વિધાનસભામાં રેકર્ડબ્રેક 72 ટકા મતદાન થયું તે પછી પણ ભાજપના મતોની ટકાવારી બે ટકા ઘટી અને બે બેઠકો પણ ઘટી ગઈ હતી. તે વખતે પરિસ્થિતિ જુદી હતી. કેશુભાઈ પટેલના કારણે કાલ્પનિક ભય ભાજપને નુકસાનીનો ઊભો થયો હતો. તેવું કશું થયું નહીં. બીજું દક્ષિણ ગુજરાતમાં ભાજપનો નવો ટેકેદાર વર્ગ ઊભો થયો હતો તેમણે જંગી મતદાન કર્યું. 80 ટકા કરતા વધારે મતદાન દક્ષિણ ગુજરાતની ઘણી બેઠકોમાં થયું હતું.
તે આંકડાં સાથે આ વખતના આંકડાં સરખાવવા જેવા છે. આ વખતે પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે મતદાન થયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં મધ્યમ. દક્ષિણમાં નવો નવો ઊભો થયેલો ભાજપનો ટેકેદાર હજીય થનગની રહ્યો છે. બીજું દક્ષિણ ગુજરાતમાં ગરમી ઓછી હતી. આ ગરમીનું કારણ પણ અવગણી શકાય નહીં, પણ ઓવરઓલ આખા રાજ્યના આંકડા એક બીજા સામે રાખીને જોઈએ ત્યારે ખ્યાલ આવી જાય છે કે દક્ષિણ ગુજરાતમાં ગયા વખતે ગરમી સિવાયના જે કારણોસર વધારે મતદાન થયું હતું તે આ વખતે પણ થયું છે.
સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું છે. રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં 60 અને 62 ટકા મતદાન થયું તેમાં પણ ગરમી સિવાયના કારણો ગણાવી શકાય તેમ છે. જેમ કે રાજકોટની આબરૂ સમાન બેઠક ગયા વખતે કોંગ્રેસે પડાવી લીધી તે આ વખતે પણ જાળવી રાખવા માટે કોંગ્રેસે અને ખાસ કરીને કુંવરજી બાવળિયાએ મહેનત કરી હશે. તેની સામે ભાજપે પણ આ તો આબરૂવાળી બેઠક છે એમ ગણીને સામું વધારે મતદાન કર્યું હશે. કોળી અને પટેલ વચ્ચે આ વખતે સૌરાષ્ટ્રમાં ટક્કર છે. રાજકોટમાં પણ એ જ કોળી અને પટેલ વચ્ચેની સ્પર્ધા 62 ટકા મતદાનમાં જોઈ શકાય છે. કચ્છમાં અને જૂનાગઢમાં વિધાનસભાની બબ્બે પેટાચૂંટણીઓ પણ હતી. વિધાનસભામાં થોડું વધારે જ મતદાન થાય.
સમગ્ર રીતે સૌરાષ્ટ્ર અને કચ્છના આંકડા જોઈએ તો ભાજપ અને નરેન્દ્ર મોદી વિશે અહીંના મતદારોને જે અવઢવ છે તે પણ છતી થાય છે. વિધાનસભાની ગત ચૂંટણી વખતે પણ ભાજપને 8 બેઠકોનું નુકસાન સૌરાષ્ટ્રમાં જ થયું હતું. સૌરાષ્ટ્રના લોકોના મન પર ભાજપ અને મોદીનો જાદુ છવાયેલો નથી. બહુ નક્કર વાસ્તવિકતાના આધારે સૌરાષ્ટ્રના લોકો ભાજપ અને મોદીને ટેકો આપે છે. સૌરાષ્ટ્ર લોકો જલદી ભરમાઈ જાય તેવા નથી. ભાજપ માટે અવઢવ હોય એટલે કોંગ્રેસને ફાયદો કરાવી દેવો તેવું પણ સૌરાષ્ટ્રના લોકો વિચારે નહીં.
ભાજપ અને નરેન્દ્ર મોદી 2017માં સૌરાષ્ટ્ર જીતવા પર ધ્યાન આપવાના છે. તમારે લખવું હોય તો લખી રાખો. આગામી ચૂંટણી ભાજપ અહીંથી જ જીતવાનો છે. 2002માં મધ્ય ગુજરાતમાં સપાટો બોલાવ્યો હતો. 2007માં ઉત્તર ગુજરાત કામ આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં સિંચાઈના પાણી વધારે વહ્યા તેનો ફાયદો થયો હતો. 2012માં દક્ષિણ ગુજરાત વહારે આવ્યું હતું. સુરતનો વેપારી વર્ગ, બિનગુજરાતી વર્ગ અને આદિવાસીઓ, જેમને ગરીબ કલ્યાણ મેળામાં કવરો પણ મળ્યા હતા અને વસ્તુઓ પણ વળી હતી, તે બધાએ ભાજપને સામુહિક પસંદગી આપી હતી. હવે સૌરાષ્ટ્રને જીતવાનું બાકી છે અને તે માટેની તૈયારી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના પાણીથી ભરી દેવાના છે. તે માટેની પાણીની પાઈપલાઈન નખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાણીપાણી થઈ જવાનું છે. નપાણીયા વિસ્તારમાં પાણી એટલે અમૃત. 115 ડેમ સાઈટ પર વિશાલ 115 સભા થાય એટલે સૌરાષ્ટ્રના મનમાં ભાજપ અને નરેન્દ્ર મોદી માટે જે અવઢવ છે તે પણ દૂર થઈ જશે અને ભાજપ માટે મતોની રેલ આવશે. તમારે લખવું હોય તો લખી રાખો... યાદ કરશો મને.
DP
Reader's Feedback: