
વેકેશનમાં અમદાવાદના લોકો સુરત જાય છે, સુરતના લોકો મુંબઇ જાય છે અને મુંબઇના લોકો અમદાવાદ જાય છે. એટલે એ ત્રણે શહેરોની કુલ વસ્તીમાં ખાસ ફરક પડતો નથી, પણ ટ્રેનોમાં વસ્તી વધી જાય છે. વેકેશન શબ્દ ‘ટુ વેકેટ’ એટલે કે ખાલી કરવું પરથી આવ્યો છે પરંતુ ટ્રેનમાં અને પ્લેટફોર્મ પર આનાથી વિપરિત જ પરિસ્થિતિ જોવા મળે છે.
સફર મેં ધૂપ તો હોગી જો ચલ શકો તો ચલો
મુઝે ગિરાકે તુમ આગે નિકલ શકો તો ચલો
આ શેર નિદા ફાઝલીએ ટ્રેનમાં ચઢતી વખતે જ લખ્યો હશે એવું ધારી શકાય. મુસાફરી માટે વપરાતો સફર આમ અંગ્રેજી શબ્દ નથી પણ વેકેશનમાં સફર કરો અને suffer ન કરો એવું ન બને.
અમારા એક વકીલમિત્રએ સામાન ઊંચકવા માટે કૂલી સાથે ભાવતાલ કર્યો. કૂલીએ કૂલ થઈ કહ્યું ‘બસો રુપિયા!’ વકીલસાહેબે આદતવશ હોટ થઈ દલીલ કરી, ‘એટલા તો હું દિવસમાંય નથી કમાતો’. કૂલીએ જવાબ આપ્યો, ‘વકીલાત કરતો હતો ત્યારે હુંય નહોતો કમાતો. એટલે તો કાળો કોટ ઉતારી લાલ પહેર્યો.’ વકીલસાહેબ જેવા અપમાનના ભોગ ન બનવું પડે એટલા માટે મારો સામાન તો હું જાતે જ ઊંચકું છું. એકવાર સામાન ઊંચકીને હું આગળ આગળ જતો હતો ત્યારે પાછળ મારી પત્નીને એક બહેને પૂછ્યું, ‘કૂલી કેટલામાં કર્યો?’ આ સાંભળ્યું ત્યારથી મેં નક્કી કર્યું હવે કોઈ દિવસ લાલ ટીશર્ટ પહેરી રેલવેસ્ટેશન ન જવું.
એકવાર ટ્રેન ખૂબ મોડી પડી એટલે સ્ટેશન માસ્ટર સાથે ઝઘડવા ગયો, ‘જો ટ્રેન ટાઇમસર આવવાની જ ન હોય તો ટાઇમ ટેબલનો ઉપયોગ શું?’ એમ કહી હમણાં જ ખરીદેલું ટાઇમટેબલ એમના ટેબલ પર ફેંક્યું. એણે કહ્યું ‘તમને કેવી રીતે ખબર પડી કે ટ્રેન ટાઇમસર નથી?’ મેં કહ્યું, ‘ટાઇમટેબલ જોઈને ખબર પડી!’ એણે કહ્યું, ‘બસ ત્યારે, એ જ ટાઇમટેબલનો ઉપયોગ!’
મારું દિશાભાન આમ તો સારું છે પણ સ્ટેશન પર જાઉં છું ત્યારે મારો આઈક્યૂ ઘટી જાય છે. સુરતના સ્ટેશને મુંબઈથી આવતી ટ્રેનની રાહ જોતીવેળા હું હંમેશાં અમદાવાદ તરફ નજર નાખતો હોઉં છું. પાછળથી સીસોટી વાગે છે ત્યારે જ હકીકતનો ખ્યાલ આવતાં ‘આજુબાજુ કોઈ જોઈ તો નથી ગયું ને?’ એની ભોંઠપ છુપાવવા ઝડપથી ટ્રેનમાં ચડી જવા માંગતો હોઉં છું, ત્યારે જ વળી કોઈ મદદે આવે છે, ‘ભાઈ, ગૂડ્સ ટ્રેન છે આ તો! એમાં ક્યાં ચઢો છો?’
મહિલાઓ પ્રત્યે મને કુદરતી ખેંચાણ છે એનો પુરાવો પણ મને કાયમ રેલવે સ્ટેશન પર જ મળે છે. ટ્રેનમાં યુદ્ધના ધોરણે ચડી જવા માટે તત્પર હું જ્યાં ઊભો હોઉં છું ત્યાં હંમેશા લેડીઝ ડબ્બો જ આવે છે. કદીક ડબ્બાની અંદર વધુ ધ્યાન ખેંચાવાથી ડબ્બા પરનું લખાણ વાંચવાનું ભૂલી જઈ અંદર પ્રવેશી જાઉં છું. ત્યાં ડબ્બામાં પ્રવેશતાં જ ‘માત્ર પુરુષો જ ગાળો બોલે’ એવી મારી ગેરમાન્યતાનું ખંડન થાય છે. અને એ નવા સત્યનો પ્રકાશ લાધ્યા બાદ એ ડબ્બામાંથી ભારે હૈયે અને ઉતરેલા ચહેરે ઉતરું છું.
ધક્કામુક્કીમાં, ડબ્બામાં ચઢતીવેળા આગળ ચઢી ચૂકેલાની મને ડબ્બામાં પ્રવેશ આપવાની અનિચ્છા અને પાછળવાળાની ડબ્બામાં કોઈપણ ભોગે ચડવાની ઈચ્છા વચ્ચેથી ખસી કે ચસી શકવાની મારી અસમર્થતાને કારણે, ટ્રેન ઉપડે ત્યાં સુધીમાં મને ખ્યાલ આવી જાય છે કે ડબ્બામાં સાંગોપાંગ ચઢવામાં હું સમર્થ નીવડ્યો છું. નરસિંહ મહેતા આર્ષદૃષ્ટા હતા. એમણે આ જ ઘટના માટે લખ્યું હતું. ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા.’ ટ્રેનમાં ચઢ્યા પછી હાશ અનુભવી પાણી પીવાનો વિચાર કરું તે પહેલા જ વોટરબેગનું વજન હળવું લાગવા માંડે છે અને પેન્ટમાં ભીનાશનો અનુભવ થાય છે. હવે કેટલાને કહેતો ફરું કે તમે ધારો છો એવી કોઈ દુર્ઘટના ઘટી નથી, માત્ર વોટરબેગનું ઢાંકણ ખૂલી ગયું છે! અંગેઅંગ ભીંસાય એવી ગીર્દીમાંય મારું છોભીલું મુખ જોઇ સહપ્રવાસીઓમાં એ ભીનાશ અંગેની અનુચિત ધારણા અને અફવા ફેલાવા માંડે છે અને ધીમેધીમે મારી આજુબાજુ થોડી મોકળાશ ઊભી થાય છે.
વેકેશનમાં જ્યારે પણ રેલવેસ્ટેશન જવાનું થાય છે ત્યારે જતી અને આવતી ટ્રેનોની ભીડભાડ જોઈને ‘આ બધા ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના?’ એવા તાત્ત્વિક વિચારોથી મનના સ્ટેશનમાં ખાલીપો વ્યાપી જાય છે. જન્મ નામના સ્ટેશને માનવી ચડે છે અને મૃત્યુ નામના સ્ટેશને ઉતરે છે. ટ્રેન તો જન્મજન્માંતરો સુધી ચાલતી જ રહે છે. જેને પોતાની માની હતી તે, ન ટ્રેન આપણી, ન સીટ આપણી! આપણે તો બસ ‘સફર’ કરીએ!
મનમાં ફરે છે જાણે ભમરડા પ્રવાસમાં
ખિસ્સાને કંઇ પડે છે ઉઝરડા પ્રવાસમાં
પેટ્રોલના બચાવ્યા, કરી ટ્રેનમાં સફર
બાળક ખરીદે બમણાં રમકડાં પ્રવાસમાં
શાંતિથી થાય યાત્રા, સ્મરું છું ગણેશને (પણ)
ના જપ વળે, ન થાય જો ઝઘડા પ્રવાસમાં
દુબળા જે હોય સરકી જતા ભીડ વચ્ચેથી
નબળા પડે છે, હોય જે તગડા પ્રવાસમાં
હેંડલ તૂટે, ને છત્રી ભૂલું, પેન્ટ ફાટતું
ચોકસાઇથી કરું છું છબરડા પ્રવાસમાં
આ દુઃખની વચ્ચે માત્ર દિલાસો છે એટલો
જોવા મળે છે ચહેરા રૂપકડા પ્રવાસમાં
ઉપર ચડાવી યૌવનાની બેગ ભારેખમ
કહી ‘થેંકયૂ કાકા’ પાડે ઉઝરડા પ્રવાસમાં
RM/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: