
કહેને કો જશ્ને બહારા હૈ, ર મનમાની બસ તુમ તક, જશ્ને ઇષ્ક, એક દિન તેરી બાહો મેં...અર્ઝિયા સારી...જેવા સૂરીલા ગીતો ગાનારા જાવેદ અલી આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. મખમલી અવાજના માલિક જાવેદ પર ખુદાની રહેમત બેશુમાર વરસી છે. બ્લૂ જીન્સ અને લાઇનિંગ વાળા શર્ટ સાથે સ્પોર્ટસ શૂઝમાં એકદમ કૂલ લાગતા જાવેદે મન મૂકીને જીજીએન સાથે ઘણી બધી વાતો વહેંચી હતી.
મ્યુઝિક એક સચોટ થેરપી મનાય છે તો મ્યુઝિક થેરપી કેટલી કારગત છે એ વિશે તમારું શું માનવું છે?
હું ચોક્કસપણે માનું છું કે મ્યુઝિક થેરપી ખૂબ અસરકારક છે કોઈ પણ વ્યક્તિનો મૂડ ખરાબ હોય કે વ્યક્તિ તાણ અનુભવતી હોય ત્યારે તેને મ્યુઝિક દ્વારા રિલેક્સેશન મળે છે. મ્યુઝિક એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ ગણગણી શકે છે અને માણી શકે છે. હું પોતે પણ જ્યારે થાકેલો હોઉં કે ફ્રેશ થવા માગતો હોઉં ત્યારે સૂફી ટચ ધરાવતું મ્યુઝિક પંસદ કરું છું. મ્યુઝિક આત્મા, શરીર અને મગજને આરામ આપે છે.
કલાના ક્ષેત્રને પહેલા કામ તરીકે સ્વીકારાતું નહોતું તો અત્યારના માહોલમાં તમને કેવો તફાવત જોવા મળ્યો છે? તમને લાગે છે કે અત્યારના સમયમાં મ્યુઝિકના ક્ષેત્રમાં કરિયર વિકસાવવી એ સન્માનીય બન્યું છે?
હા તમારી વાત એકદમ સાચી છે પહેલા એવું નહોતું કે પ્લેબેક સિંગિંગ કરિયર તરીકે પસંદ કરવામાં આવતું હોય. પરંતુ હવે સંગીતના સીમાડા વિસ્તર્યા છે. લોકો પ્લે બેક સિંગરને, મ્યુઝિક ડિરેક્ટરને માનની રીતે જોતા થયા છે હું તો કહીશ કે આર્ટનું કોઈ પણ ક્ષેત્ર હવે લોકોમાં સ્વીકારાતું થયું છે.
આપે ગુજરાતના ખૂબ જાણીતા અને સન્માનીય સંગીતકાર ગૌરાંગ વ્યાસ સાથે પણ કામ કર્યુ છે તો તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
મારો ગૌરાંગભાઈ સાથેનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. તેઓ ગુજરાતી મ્યુઝિકમાં ખૂબ સુંદર સર્જન કરી જાણે છે. હું તેમની સાથે એક ગઝલનું આલબમ પણ કરવાનો છું. જેમાં નવા વર્ષને લગતા ગીતે અને અન્ય તહેવારને લગતા ગીતો અને ગઝલ હશે. આ ઉપરાંત ઋષિ વકીલ સાથે પણ કામ કર્યુ છે જેમાં સૂફી ટચનું તારો રંગ...સોંગ મને ખૂબ ગમે છે.
ભવિષ્યમાં ગુજરાતી ગીતો માટે પ્લે બેક કરવાનું કોઈ આયોજન ખરું?
હા ચોક્કસ, ગુજરાતી ગઝલો ગાવાની મને ગમશે અને એ માટેનું કામ પણ ચાલી રહ્યું છે.
જાવેદને પોતાના સિવાય ક્યા કયા સિંગરના ગીતો સાંભળવા ગમે છે?
ટુ બી ફ્રેન્ક મારા ગાયેલા ગીતો હું એક કે બે વાર માંડ સાભળું છું. પરંતુ મને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં, બરકત અલી ખાં, લતાજીના ગીતો સાંભળવા ખૂબ ગમે છે. આ ઉપરાંત સોનું નિગમ, કે. કે. જેવા અત્યારના ઘણા બધા સિંગર્સને સાંભળવાની મને મજા પડે છે.
જાવેદ અલીના ઘણા બધા પ્રશંસકો છે પરંતુ જાવેદઅલી કોના ફેન છે?
હું ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનો મોટો ફેન છું
એક ગાયક માટે અવાજ સૌથી મોટી અસ્ક્યામત હોય છે તમે અવાજને સાચવવા અને ફિટ રહેવા શું કરો છો?
હા, હું હંમેશાં એ જ ઇચ્છતો હોઉં છું કે મારો અવાજ સલામત રહે. કોન્સર્ટ માટે સતત ટ્રાવેલિંગ કરવાનું રહેતું હોય છે એટલે હું તળેલું, તીખું, વધારે તેલવાળું ક્યારેય ખાતો નથી. જો કે ક્યાંય પણ જઉં તો ત્યાનું લોકલ ફૂડ હું ચોક્કસ ટેસ્ટ કરવા ઇચ્છતો હોઉં છું. હું શક્ય તેટલા તમામ પ્રયત્ન કરું છું કે હું જમવામાં નિંયત્રણ રાખું.
MP/RP
Reader's Feedback: