
પેલું સફેદ કમળ નરેન્દ્ર મોદીએ દેખાડ દેખાડ કર્યું તેનો મામલો તો ધાર્યા પ્રમાણે પતી ગયો. કોંગ્રેસને દરેક વાતમાં ભારે ઉતાવળ. વિચાર્યા વિના અને તપાસ કર્યા વિના ફરિયાદો કરવાની અને પછી... વાત જવા દો. ફરિયાદ કરતા પહેલાં એટલું તો ચેક કરી લેવું જોઈએને કે 100 મીટરની હદ તૂટી છે કે નથી. તદ્દન સિમ્પલ વાત હતી.
ફરિયાદ કરવાને બદલે હળવો કટાક્ષ એ કરવાની જરૂર હતી કે બાળક રમકડા સાથે રમે તેમ નરેન્દ્ર મોદી કમળ સાથે રમી રહ્યા હતા. હળવો કટાક્ષ, મજાક અને થોડી મસ્તી ચૂંટણીના પ્રચારમાં ચાલે. એક બીજા પર વ્યંગ થાય તો ડિબેટમાં રંગ આવે. તેના બદલે આપણા આ નેતાઓ દરેક વાતમાં વિવાદ અને કડવાશ લાવ્યા કરે છે. નરેન્દ્ર મોદીએ સિમ્પલ વાત કરી હતી કે બેટી તો બેટી હૈ, પ્રિંયકા પોતાની માતા માટે અને ભાઈ માટે તેમના મતવિસ્તારમાં પ્રચાર કરે તે બરાબર છે. મોદીએ કહ્યું કે મને તેનો કોઈ વિરોધ નથી અને તેનું ખોટું પણ લગાડતો નથી. તેમાં બેટીની બાબતમાં નાહકનો વિવાદ કર્યો. આપણી સંસ્કૃત્તિમાં દીકરી વહાલનો દરિયો છે. દીકરા પર આપણે આકરા થતા હોઈએ છીએ, પણ દીકરી આગળ કડપ ચાલતો નથી.
એવી જ રીતે દોસ્તી વાતની વાત ન્યારી છે. દોસ્તી અનોખા પ્રકારનો સંબંધ છે. દોસ્તી પ્રેમ કરતાં પણ ઉમદા સંબંધ છે, કેમ કે પ્રેમમાં પણ પરસ્પરના સુખનો સ્વાર્થ છે. દોસ્તીમાં કશો જ સ્વાર્થ હોતો નથી. દોસ્તો એક બીજાને મદદ કર્યા વિના પણ દોસ્ત હોય છે. પ્રેમમાં ફના થઈ જવાનું હોય છે, દોસ્તીમાં ફના થવાની જરૂર નથી પડતી. ફક્ત એક બીજાના દિલની વાત કરી શકાય અને હૈયું હળવું કરી શકાય તેટલું જ દોસ્તીમાં કાફી છે. દોસ્ત વહારે આવે તે બોનસ છે. દોસ્તીમાં મદદની અપેક્ષા નથી હોતી. દોસ્ત સામેથી મદદ કરે તે જુદી વાત છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહમદ પટેલ પણ મારા સારા દોસ્ત હતા. અમે ઘણી વાર મળતા. હું તેમના ઘરે જમી આવ્યો છું. જોકે અહમદ પટેલે ઇનકાર કર્યો અને કહ્યું કે તેઓ ક્યારેય સારા દોસ્ત નહોતા. અહમદ પટેલ હવે મારો ફોન ઉપાડતા નથી તેવો અફસોસ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો. અહમદ પટેલે ઇનકાર કર્યો છે એટલે તેમની વચ્ચે દોસ્તી હતી ખરી કે કેમ તે વિશે હવે આપણે કશું કહી શકીએ નહીં, પરંતુ દોસ્તી હોય તો પણ આજના માહોલમાં, વર્તમાન સ્થિતિમાં અહમદ પટેલ નરેન્દ્ર મોદીનો ફોન ઉપાડી શકે નહીં. નરેન્દ્ર મોદીએ આ વાત સમજવી જોઈએ.
તે જ રીતે અહમદ પટેલ વર્તમાન સ્થિતિમાં અને માહોલમાં એક જમાનામાં પોતાને નરેન્દ્ર મોદી સાથે દોસ્તી હતું તેવું કબૂલ કરવું મુશ્કેલ છે. તેમને એવી ફરજ પાડવા કોશિશ પણ થવી જોઈએ નહીં. જૂના સમયની દોસ્તીને હાલની સ્થિતમાં ત્રાજવે તોળવી જોઈએ નહીં. નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ એક જમાનામાં સાથીઓ હતા, દોસ્તો હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા પછી વિધાનસભા ગૃહમાં ત્રણેય મળ્યા ત્યારે ત્રણેય જુદ જુદા ચોકામાંથી આવેલા હતા. ત્રણેય જણાએ એક બીજાનું અભિવાદન કર્યું હતું.
હાલમાં જ વિચિત્ર અને ઢંગધડા વિનાના, મધ્યયુગીય કાયદાને કારણે નરેન્દ્ર મોદીને અયોગ્ય રીતે પત્નીનું નામ લખવાની ફરજ પડી ત્યારે પણ કોંગ્રેસ કુદી પડી હતી અને સમજ્યા વિના ટીકા કરવા લાગી હતી. તે વખતે પણ બાપુએ કહ્યું હતું કે આવી અંગત બાબતમાં ટીકા કરવી જોઈએ નહીં. બાપુ એટલે બાપુ. બાપુની જોક કરી શકાય અને છતા સાચી વાત કહેવાની હિંમત પણ એક બાપુ જ કરી શકે.
આપણે ત્યાં વ્યક્તિ સંસાર છોડીને, પત્ની અને બાળકોને છોડીને બાવો થઈ જાય અને પછી બાપુ થાય તેનું માહાત્મ્ય છે. તે કંઈ ટીકા કરવાનો માર્ગ નથી. આ તો કાંટાળો માર્ગ છે. આમ આદમી આ વાત સમજે છે. કોઠા સૂઝ ધરાવતો માણસ સંબંધોના તાણાવાણાને વધારે સારી રીતે સમજી શકે છે. આપણે ભણેલા ગણેલા અને મધ્યમ વર્ગના માનવીઓ દંભીઓ અને કોમનસેન્સનો અભાવ ધરાવનારા છીએ. સંતાન ના થતું હોય ત્યારે બીજા લગ્ન લેવાય અને બીજી પત્ની સાથે રહે. અમસ્થા જ બીજી બીજી યુવતી ગમી જાય અને બીજા લગ્ન કરી લે અને બે પત્નીઓ સાથે રહે. પતિ નકામો નીવડે ત્યારે કુટુંબ પત્ની સાથે રહે, સાસુસસરા પત્નીનો સાથ આપે અને પોતાના દિકરાને કાઢે. નાની ઉંમરે વિધવા થાય ત્યારે સાસરિયા જ તેને સારી જગ્યાએ થાળે પાડે. પત્ની ભક્તિભાવવાળી હોય ત્યારે પતિ તેની મર્યાદા જાળવે અને જીવનભર સાચવે. પત્નીને સંન્યાસ લેવો હોય તો લેવા દે. પત્ની પાવરફુલ હોય ત્યારે સમગ્ર કુટુંબનો વહીવટ ચલાવે. બધા જ અગત્યના નિર્ણયો તેના દ્વારા જ લેવાય. આવું માન્યામાં ના આવે તેવું સમાજમાં બનતું રહે છે અને તેને સહજતાથી સમાજ સ્વીકારતો રહે છે. આપણે ભણેલાગણેલા લોકો દંભી છીએ અને સમજતા નથી. સમજ્યા વિના આપણે ટીકા કરતા રહીએ છીએ.
દિગ્વિજયસિંહના સંબંધો જાહેર થઈ ગયા ત્યારે સામા પક્ષોવાળાએ પણ એવું જ કર્યું. તેમાંથી પણ ટીકા થઈ કે પત્ની કી ચિતા કો તો શાંત હોને દેતે. અલ્યાઓ, શું સમજ્યા વિના એક બીજાની ટીકા કરો છો. તમારા કરતાં લોકો વધારે સમજું અને વહેવારું છે. તમે નેતાઓ એક બીજાની ટીકાઓ કરો છો ત્યારે લોકમાં વરવા લાગો છો.
ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષોએ સ્પર્ધા કરવાની છે. એક બીજાની દુશ્મનાવટ નથી કરવાની. દર વખતે નેતાઓ બફાટ કરતા જ હોય છે, પણ આ વખતે કૈંક વધારે પ્રમાણે બફાટ થઈ રહ્યો છે. એક બીજા માટે બહુ ગંદી ભાષા વાપરવામાં આવી રહી છે. નેતાઓનું સ્તર તેના કારણે દેખાઈ આવે છે. વ્યંગ અને વિનોદ અને કટાક્ષના બદલે ગાળાગાળી અને હલકી શબ્દાવલીનો ઉપયોગ થઈ રહ્યો છે. બેટી અને દોસ્તી જેવા સંબંધોને પણ વિના કારણે વિવાદમાં ઢસડવામાં આવી રહ્યા છે.
હવે એક મોટો તબક્કો બાકી રહ્યો છે ત્યારે બીજી પણ કેટલીક ઘટનાઓ ધ્યાન ખેંચી રહી છે. આચારસંહિતાની ભંગની ફરિયાદ સિરિયસ બનશે તેવું લાગતું હતું. સ્નૂપગેટમાં 16 તારીખ પહેલાં ન્યાયાધીશની પસંદગી કરીને પંચને કાર્યરત કરી દેવાની કોશિશ થવાની છે તેવા પણ સમાચાર છે. તે પણ સિરિયલ બનશે તેમ લાગે છે. ગુજરાતમાં તપાસનો વીટો વાળી દેવા પંચ નીમાયું છે તેમણે ફટાફટ કામગીરી પતાવી દીધી છે અને તેમાં ક્લિનચીટ આપી દેવાશે તેની સૌને ખબર છે.
આ ક્લિનચીટ પણ જબરું ચાલ્યું છે. બધામાં ક્લિન ચીટ આપી દેવાની. આચારસંહિતામાં પણ ક્રાઈમ બ્રાન્ચના એવા અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી કે જેમને દરેક વાતમાં ક્લિનચીટ આપી દેવાની આવડત છે. તેમણે ઘણા બધા કેસોમાં ક્લિનચીટ આપી દીધાના રેકર્ડ છે. ગુજરાતના એન્કાઉન્ટર વીર અમલદારોને હાલમાં જામીન મળવા લાગ્યા છે. તેઓ પણ ક્લિનચીટની આશામાં બેઠા હશે. આસારામને રાજસ્થાનમાં હાલમાં શાંતિ છે, કેમ કે ત્યાં ભાજપની સરકાર આવી છે એટલે નિરાંત છે. તેમને અને તેના વ્યભિચારી બેટાને પણ ક્લિનચીટની રાહ હશે. વિપક્ષે પણ બહુ ચિંતા કરવા જેવી નહીં હોય, કેમ કે કનીમોડી અને રાજા અને વાડ્રાને પણ ક્લિનચીટ આપી દેવાના રસ્તાઓ શોધી કાઢવામાં આવશે. બોખિરિયા અને સોલંકી સામેના કેસમાં પણ ક્લિનચીટ કરવાની છે ભઈ, અહીં તારું મારું સહિયારું ચાલવાનું છે. મતદારો પણ વારાફરતી જુદા પક્ષોને જીતાડીને ક્લિનચીટ આપ્યા કરે છે ત્યારે આપણે શું કરીએ. અલ્યા આપણે શું કરીએ એટલે... આપણે પણ મતદાર છીએ. આપણા માટે પણ ક્લિનચીટ લઈ લો. આ લીધી દસ બાર...
DP
Reader's Feedback: