
આસામમાં ફરી એક વાર હિંસા થઈ છે. બોડો ઉગ્રવાદીઓએ હુમલો કર્યો તેમાં 30 જેટલા લોકોના મોત થયા છે. આ હિંસાને ચૂંટણી સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. પોતાની તરફેણમાં મતદાન ના કર્યું હોવાની શંકાના આધારે હિંસા થઈ છે. આ ચિંતાજનક છે, કેમ કે ચૂંટણી સાથે હિંસા એ દેશની લોકશાહી માટે હાનિકારક છે. ચૂંટણી શાંતિમય રીતે થાય તે માટે લાંબા સમયગાળામાં અને 9 તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું છે. તેથી હિંસાની કોઈ મોટી ઘટના વિના અત્યાર સુધી ચૂંટણી થઈ છે.
હવે બે તબક્કા બાકી છે ત્યારે પણ શાંતિપૂર્ણ રીતે જ મતદાન થશે તેવી આશા છે. નક્સલવાદી વિસ્તારોમાં થોડી હિંસા થઈ હતી. આમ છતાં મતદાન ચાલતું રહ્યું હતું. આસામમાં મતદાન થઈ ગયું તે પછી હિંસા થઈ છે. ગુજરાતમાં પોરબંદરમાં પણ ચાર મતદાન મથકો પર આજે શનિવારે ફરી મતદાન યોજાઈ રહ્યું છે. આ બૂથો પર ગરબડના આરોપો પછી ફરી એક મતદાન થયું છે. પોરબંદર તોફાની તત્ત્વો માટે બદનામ રહ્યું છે. પોરબંદરના સીમાડે એક જમાનામાં એવા બોર્ડ લગાવાયા હતા કે અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. પોરબંદરમાં આ વખતે પણ જે બે ઉમેદવારો ઊભા છે તેમાં બેમાંથી એકેયના વખાણ કરવા જેવા નથી.
પોરબંદરમાં સૌથી ઓછું મતદાન થયું છે. પોરબંદરમાં લોકોને ઉત્સાહથી બહાર નીકળીને મતદાન કરવાનું મન થાય તેવા ઉમેદવારો મળ્યા નથી. આમ છતાં શાંતિથી ચૂંટણી થઈ છે. ચાર મતદાન મથકો પર ફરીથી મતદાન કરવું પડ્યું છે. તે પણ ના કરવું પડ્યું હોત તો વધારે સારું હોત. બીજું નોટા બટન આપવામાં આવ્યું છે, પણ તેનો કોઈ મતલબ રહેતો નથી. બંને પક્ષ તરફથી નકામા ઉમેદવાર મૂકવામાં આવે ત્યારે પસંદગીનો અવકાશ નથી. નોટા બટન દબાવી દેવાથી પરિણામમાં ફેર પડવાનો નથી.
આ બધી સમસ્યાઓ હજી પણ યથાવત છે. આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો રહે છે અને તેમાં ઠપકો આપીને વાત પૂરી કરી દેવાય છે. ભય થોડો ઓછો થયો છે, પણ લોભ અને લાલચ આપવાનું હજી પણ ચાલતું રહ્યું છે. પ્રચારનો મારો ચલાવવામાં હોંશિયાર હોય તે ફાવે છે. સારા ઉમેદવારો પાછળ રહી જાય છે. ભાવનગરમાં ડોક્ટર કનુભાઈ કળસરિયા ઊભા રહ્યા છે, પણ તેઓ પ્રચારનો મારો ચલાવી શકે તેમ નથી. ભાવનગરમાંથી હંમેશા લડતા અરુણ મહેતા આ વખતે દાહોદ ચૂંટણી લડવા ગયા છે. દાયકાથી અરુણ મહેતા જેવા સિદ્ધાંતવાદીઓ ચૂંટણી લડતા આવ્યા છે, પણ તેમને સફળતા મળતી નથી. ડોક્ટર કળસરિયા પણ વચ્ચે ભાજપમાં જોડાઈ ગયા હતા. જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂને પણ ભાજપમાં જોડાઈ જવું પડ્યું હતું, કેમ કે અપક્ષ તરીકે જીતીને કશું સિદ્ધ કરી શકાતું નથી.
આ બધી વ્યવસ્થાઓમાં હજી ઘણા સુધારા કરવાની જરૂર છે. લોકતાંત્રિક પ્રક્રિયામાં ઘણો સુધારો થયો છે, છતાં કેટલીક સમસ્યાઓ યથાવત છે તે આસામ જેવી ઘટનાને કારણે યાદ આવી જાય છે.
ઊંચા મતદાનના કારણે શું થશે તેની ચર્ચાઓ થવા લાગી છે. જામનગરમાં વિક્રમ માડમે કહ્યું કે પોતે લગભગ 20,000 મતોથી હારશે. વડોદરામાં 70 ટકા જેટલું મતદાન થયું છે એટલે ત્યાં નરેન્દ્ર મોદી વિક્રમી લીડની નજીક પહોંચી જશે તેવી ગણતરીઓ પણ થવા લાગી છે. જીજીએનની ડાયરીમાં જ મહિના પહેલા જણાવાયું હતું કે વડોદરામાં 70 ટકાથી વધારે મતદાન થાય અને તેમાં ભાજપને 60 ટકા કરતા વધારે મતદાન મળે તો વિક્રમ થઈ શકે છે. મહેસાણામાં આપના ઉમેદવારે કેટલા મતોનું નુકસાન કર્યું હશે તે પણ જોવાનું રહેશે. અમરેલીમાં પણ પ્રમાણમાં ઓછું મતદાન છે અને આપના નેતા 35,000થી વધારે મતો લઈ જવાનો અંદાજ છે. આ અંદાજ પ્રમાણે કોંગ્રેસને નુકસાન થશે એટલે ભાજપ ફાવી જશે.
હાલમાં ચૂંટણીના સમાચારો એટલા છવાયેલા છે કે બીજા સમચારો બધુ ધ્યાનમાં નથી ચડતા. વેરાવળનું એક જહાજ ઓસ્ટ્રેલિયન નેવીએ પકડ્યું. તેમાંથી હજાર કિલો હેરોઈન પકડાયું. પાકિસ્તાનમાંથી ભરીને હેરોઈન આફ્રિકા લઈ જવાતું હતું તેમ મનાય છે. જોકે જહાજના માલિકનું કહેવું છે કે તેમણે તો ભાડે આપેલું હતું. સલાયાના ખલાસીઓ જહાજનું સંચાલન કરી રહ્યા હતા.
પૂનમ પાંડે મીરા રોડમાં નામ પૂરતા કપડાં પહેરીને રસ્તા પર નખરાં કરી રહી હતી. તેથી પોલીસે તેને પકડી હતી. જોકે બાદમાં તેને ચેતવણી આપીને છોડી દેવાઈ હતી. પોલીસને રાહત થઈ હશે કે પૂનમ પાંડે નામ પૂરતા પણ કપડાં તો પહેર્યા છે. પૂનમ તો કપડાં ના પહેરવામાં માને છે.
મુંબઈની ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે રાખી સાવંત પણ પબ્લિસિટીમાંથી ગાયબ થઈ ગઈ છે. પણ પ્રિતી ઝીન્ટા જેવી પરદા પરથી ગાયબ થઈ ગયેલી અભિનેત્રીઓ હજીય નરેન્દ્ર મોદીનું નામ લઈને પ્રસિદ્ધિમાં રહેવા કોશિશ કરે છે. બિચારીઓ.
અફઘાનિસ્તાનમાં પણ હાલમાં જ ચૂંટણી પૂરી થઈ છે. અફઘાનિસ્તાનમાં શાંતિથી ચૂંટણી થઈ હતી તે સમાચાર છે. જોકે હજી સુધી તેનું પરિણામ સ્પષ્ટ થયું નથી, કેમ કે તેમાં રાઉન્ડ પ્રમાણે ચૂંટણીઓ થવાની છે. જલદી ના સમજાય તેવી સિસ્ટમ છે. પ્રથમ રાઉન્ડમાં કોઈ નેતાને 50 ટકા મતો મળ્યા નથી. તેથી હવે બીજા રાઉન્ડની તૈયારી ચાલી રહી છે. ભારતના પરિણામો પછી એક દિવસે 17 મેના રોજ ફાઈનલ પરિણામો આવશે તેમ માનવામાં આવે છે. જોકે ભારતમાં 17 તારીખે એવો માહોલ હશે કે બીજો કોઈ ખબરોને સ્થાન નહીં હોય.
DP
Reader's Feedback: