
ડો. રઈશ મનીઆર એક માતબર ગઝલકાર, નાટ્યકાર અને હાસ્યકાર તરીકે જાણીતા છે. એમણે સત્તર જેટલા પુસ્તકો લખ્યા છે. મુશાયરાઓમાં કવિ તરીકે અને વક્તા કે સંચાલક તરીકે એમને સાંભળવા એ લહાવો છે. ગુલઝાર, જાવેદ અખ્તર, કૈફી આઝમી સાહિર લુધિયાન્વી જેવા ઉર્દુ કવિઓને એમણે ગુજરાતી ભાષામાં ઉતાર્યા છે. શાયરશિરોમણી મરીઝ વિશેના એમના પુસ્તક પરથી સફળ નાટક ‘મરીઝ’ અવતર્યું છે. “કેવી રીતે જઈશ”ના ગીતો માટે એમણે એવોર્ડ મેળવ્યો છે, ફિલ્મ ‘રામલીલા’માં પણ એમનું એક નાનકડું બેકગ્રાઉંડ સોંગ છે. એમનું હાસ્ય તાજગીભર્યું અને માર્મિક હોય છે. સરળ અને સબળ ગુજરાતી ભાષામાં લખાયેલા આ હાસ્યલેખો દ્વારા જીજીએનની લેખકપંક્તિની તેઓ શોભા બની રહેશે.