
તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં ખબર પડી છે કે કે આખા વિશ્વમાં આખા એક વર્ષમાં ખાલી સમજીને ફેંકી દેવાયેલી ટુથપેસ્ટમાં ખરેખર તો કુલ દસ કરોડ કિલો જેટલી પેસ્ટ બચેલી હોય છે, અર્થાત આટલી ટુથપેસ્ટનો બગાડ થાય છે. એટલી ફેંકી દેવાયેલી ટુથપેસ્ટમાંથી એક આખો તાજમહાલ ઊભો થઈ શકે, જો ટુથપેસ્ટનો તાજમહાલ બની શકે તો.
તમને થશે કે આવો અદભૂત સર્વે કેટલી મહેનત અને કેટલો ખર્ચ કરી, કોણે કર્યો અને કયા પ્રદેશમાં કર્યો? એનો જવાબ એ છે કે આ સર્વે મારા ભેજાના પ્રદેશમાં થયો. વગર મહેનત અને વગર ખર્ચે થયો અને આ રિસર્ચ મેં જ નવરાશની પળોમાં કર્યો છે એવું કહી જાતે મારા પોતાના વખાણ કરવા માંગતો નથી. છતાં આ નહીં થયેલો સર્વે સાચો જ છે એને ખાતરી કરવા તમે કોઈ સફાઈ કર્મચારીને પૂછીને પહેલા હિસ્સાની અને કોઈ એંજીનીયર કે આર્કિટેક્ટને પૂછી બીજા હિસ્સાની સત્યતાની ખાતરી કરી શકો છો.
નિર્ધન થયેલ વ્યક્તિને જેમ એના મિત્રો ત્યજી દે છે તેમ લગભગ ખાલી થવા આવેલી ટુથપેસ્ટને મારી પત્ની નોંધારી છોડી દઈ નવી ટુથપેસ્ટ ઉઘાડી શરૂ કરી દે છે. એ જેને ખાલી સમજે છે એવી ટુથપેસ્ટને જોતાં જ મને એની અંદર બચેલી પેસ્ટ પોકારી પોકારીને કહે છે, ‘મને ફેંકી ન દેશો!’ શરૂઆતમાં પાંચેક દિવસ તો અંગૂઠાથી દબાવવાથી જ થોડી પેસ્ટ નીકળી આવે છે. ત્યારબાદ પાંચેક દિવસ સાણસીનો પ્રયોગ કરવાથી કામ ચાલે છે. પરંતુ ત્યારબાદ સાણસીનો વધુ દિવસ પ્રયોગ કરવાથી ટ્યુબમાંથી પેસ્ટ છૂટી પડતી નથી પરંતુ સાણસીમાંથી સ્ક્રૂ છૂટો પડી જાય છે. જ્ઞાનીઓ જાણે છે કે આ સમયે પક્કડની મદદ લઈ બીજા પાંચેક દિવસ ચલાવી શકાય. ત્યારબાદ પક્કડનો વધુ પડતો પ્રયોગ કરવાથી પેસ્ટમાં એલ્યુમિન્યમનો સ્વાદ આવતો હોવાથી આ પ્રયોગ પડતો મૂકવાનો સમય આવી ગયો છે એમ અનુભવી સમજી જાય છે. ત્યારબાદ કાતરનો પ્રયોગ કરી યોગ્ય સ્થળેથી ટ્યૂબને કાપવાથી બીજા પાંચેક દિવસ આરામથી ખેંચી શકાય. વિવિધ એંગલથી, વિવિધ સાધનોથી ટ્યૂબને અંદરબહારથી દબાવી ખોતરી એમાંથી પેસ્ટનો છેલ્લો કણ કાઢતાં બીજા દસેક દિવસ ઘન કે અર્ધઘન સ્વરૂપની પેસ્ટ મેળવી શકાય. ત્યારબાદ પેસ્ટની ખાલી લાગતી ટ્યૂબમાં પાણી રેડવાથી જે સફેદ પ્રવાહી પ્રાપ્ત થયા છે તે લગભગ બીજા પાંચેક દિવસ પેસ્ટ જેવું જ કામ અસરકારક રીતે આપી શકે છે. જો કે આ પ્રયોગ વધુ ચલાવવામાં પાણીથી જ બ્રશ કરતાં હોઈએ એવો અનુભવ છેલ્લે છેલ્લે થાય છે. વળી બ્રશ કરવા યોગ્ય પેસ્ટ એકત્રિત કરવામાં જ સમય વ્યતીત થઈ જવાથી બ્રશ કરવાનો સમય બચતો નથી. તેથી આ સમયે હવે એ ટ્યૂબને ત્યાજ્ય ગણી ભારે હૈયે એના અંતિમ સંસ્કાર કરી નવી, ખાલી થવા આવેલી ટૂથપેસ્ટ હાથ પર લેવાનો સમય થયો છે એમ જાણવું. પત્નીએ ખાલી ગણી ફેંકવા ધારેલી એક ટ્યૂબ પર આવા પ્રયોગો હું લગભગ એકાદ મહિના સુધી ચલાવું છું પછી પત્નીને આ સત્યથી અવગત કરાવું છું ત્યારે એ મારી આ કળાના વખાણ કરી એની પૂરી થવા આવેલી ટુથપેસ્ટ મને હાથમાં પકડાવે છે અને એનાથી બીજો મહિનો ખેંચી કાઢવા લલકારે છે.
આ કારણસર ખાલી થયેલી માનવામાં આવતી ટુથપેસ્ટના વિષયમાં લગભગ પી એચ ડી કરી શકાય એટલી જ્ઞાનસમ્રુદ્ધિ મેં પ્રાપ્ત કરી છે. આખું વરસ મારી પત્ની બારેક જેટલી નવી ટુથપેસ્ટ વાપરી જાય છે. મગજને ચોક્ખું રાખવા માટે જેટલી મહેનત કરવી જોઈએ એટલી મહેનત દાંતને ચોક્ખાં રાખવા માટે કરે છે. જ્યારે હું આખું વરસ એ બાર ટુથપેસ્ટના અવશેષોથી કામ ચલાવી મહાબચત કરું છું. જો કે એમ કરવામાં વરસમાં એકાદ બે સાણસી અને એકાદ બે પક્કડ તૂટી જાય છે એ ગણી શકાય એવું અને પૂરતી કાળજીના અભાવે એકાદ બે દાંત સડી કે પડી જાય છે તે ન ગણી શકાય એવું નુકસાન છે પરંતુ જગતનો ઉસૂલ છે કે નવી ભોંય ભાંગનારે ભોગ તો આપવો જ પડે.
ધીરેધીરે મારી દશા એવી થઈ છે કે હવે નવીનકોર સભર, જૂની હિરોઈનો જેવી ભરીભાદરી ટૂથપેસ્ટની ટ્યૂબ મને બિલકુલ આકર્ષતી નથી અને માત્ર ઝીરો ફિગર ટૂથપેસ્ટને જોઈને જ મારી બ્રશ કરવાની ઈચ્છા જાગ્રત થાય છે. ખરેખર તો હું બ્રશ કરું છું એ દાંત સાફ રાખવાના હેતુથી પ્રેરાઈને નહીં પરંતુ ખાલી ગણાતી પેસ્ટમાંથી પેસ્ટ કાઢી બતાવવાના પડકારથી લોભાઈને જ ! એ પેસ્ટની મીઠાશ પાછળ છુપાયેલું કડવું સત્ય છે. કેમ કે સાચું કહું તો બ્રશ કરવાથી ખરેખર દાંતને ફાયદો થાય કે પેસ્ટ બનાવનારી કંપનીને ફાયદો થાય તે હજુ હું નક્કી કરી શક્યો નથી.
ગાય, બકરી કે કૂતરાના સુંદર દાંત જોઈને ઘણીવાર હેમાબહેનનો સર્વગુણસમ્પન્ન ચિરંજીવી હેમિશ એના મમ્મીને પૂછે છે કે મમ્મી આ પ્રાણીઓની જેમ આપણે પણ બ્રશ ન કરીએ તો! હેમાબહેન એને સમજાવે છે કે આપણને બ્રશ કરવા મળે છે એટલે આપણે નસીબદાર છીએ. આ પ્રાણીઓ તો બિચારા કમનસીબ છે. એટલે હેમિશ પોતાના શેરીના કાળિયા કૂતરાની કમનસીબી દૂર કરવાના ઉમદા ઈરાદાથી એને બ્રશ કરાવવા ગયો. ખબર નહીં કૂતરાને પેસ્ટમાં હાડકાંના પાવડરની ગંધ આવી તેથી કે પછી બ્રશનો આકાર હાડકાં જેવો હતો તેથી કાળિયો કૂતરો બ્રશને પેસ્ટ સમેત આખેઆખું ગળી જવાના પ્રયાસમાં હેમિશની આંગળી કરડી બેઠો. કૂતરા તરફથી પાંચ દાંતની નિશાની, મમ્મી તરફથી પાંચ તમાચા અને ડોક્ટર તરફથી પાંચ ઈંજેક્શન ખાઈને હેમિશને ભાન થયું કે ગાય-કૂતરાના દાંત વગર પેસ્ટે મજબૂત રહે છે અને ડેંટીસ્ટની ખર્ચાળ ટ્રીટમેંટ પછી પણ પપ્પા મમ્મીની બનાવેલી જે રોટલી ચાવી નથી શકતા તે ગાય અને કૂતરા સરળતાથી ચાવી અને પચાવી જાય છે. છતાં દાંતને બ્રશ કરવાની ક્રિયાની નિરર્થકતાના આટલા જડબેસલાક પુરાવા પછી પણ મમ્મીનું દિલ પીગળવાનું નથી અને મને રોજ બ્રશ કરતાં મોઢે ફીણ આવી જાય તો ય બ્રશ કરવું જ પડશે.
એટલે જ હેમિશે એક દિવસ મને કહ્યું કે દુનિયાના બધાં જ માણસો જો બ્રશ કરવાની નિરર્થક ક્રિયા છોડી દે તો દરવરસે બચેલી પેસ્ટમાંથી એક આખી ચીનની દીવાલ બનાવી શકાય.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: