બ્રહ્માના કાનમાંથી પુલસ્ત્ય જન્મ્યા. કર્દમ પ્રજાપતિની કન્યા હવિર્ભૂવા સાથે તે પરણ્યા. તેમને બે પુત્રો અગસ્ત્ય અને વિશ્રવા. અગસ્ત્ય અને લોપામુદ્રાની કથા જાણીતી છે.
વિશ્રવાને બે પત્નીઓ-કૈકસી અને ઇડવિડા. એમાં પહેલીની કૂખે રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયો અને બીજીની કૂખે જન્મ્યા કુબેર ભંડારી. આમ રાવણ અને કુબેરના પિતા એક જ પણ માતા અલગ અલગ.
આમ પુલસ્ત્ય રાક્ષસો અને યક્ષોના પિતામહ છે. રાક્ષસોના આ જન્મદાતાએ રાક્ષસીભાવ કઇ રીતે દૂર થાય તેનો સચોટ ઉપાય અથવા રસ્તો પણ બતાવ્યો છે. 'વામનપુરાણ'માં એમણે કહેલા 'સારસ્વત વિષ્ણુસ્તોત્ર'ની મદદથી એક રાક્ષસને મુક્તિ મળી હતી તેવી કથા છે. આ સ્તોત્રનો મૂળ મર્મ એ છે કે 'સ્વ'માંથી બહાર નીકળી 'સર્વ'ને જોવાની, 'સર્વ'રૂપે જ સ્વનો અનુભવ કરવાની દ્રષ્ટિ ઉઘડે તો આ જન્મમાં જ, આ દેહે જ મુક્તિનો અનુભવ થાય છે. મનુષ્યો કે પશુ-પંખીઓમાં જ નહીં પણ જીવજંતુઓ, વૃક્ષો, નદી, ઝરણાં એમ સર્વત્ર સર્વવ્યાપી પરમતત્વનો અનુભવ થાય એ જ મોક્ષ છે. પુલસ્ત્ય ઋષિ કહે છે, "સર્વત્ર ગતિ કરનાર, સર્વ જીવો રૂપે રહેલા, સર્વના આધાર અને નિયંત્રક એવા સર્વનિવાસી પરબ્રહ્મને હું શરણે જઉં છું." આવી સ્થિતિએ પહોંચતા જ સંકુચિત સ્વમાંથી મુક્તિ મળે છે અને વ્યાપક વિશાળતામાં તદ્દરૂપ થવાય છે.
રજોગુણ અને તમોગુણ વિનાશ નોંતરવા માટે પૂરતા છે. પણ સત્વગુણ એ વિનાશમાંથી બચાવી શકે. રજોગુણ તમને મહત્વકાંક્ષી બનાવે, સાહસિક અને પરાક્રમી બનાવી શકે પણ એ જો સત્વગુણના નિયંત્રણમાં અથવાકહ્યામાં ન રહે તો એણે મેળવેલી સંપત્તિ, સમૃદ્ધિ વગેરે માત્રને માત્ર અસંતોષ અને અશાંતિ જ નોતરે.
વિરોધાભાસ તો એ છે કે આવા મહાન ઋષિના પૌત્રો તરીકે રાવણ, કુંભકર્ણ, વિભીષણ અને કુબેર જન્મ્યા. રાવણ એટલે સૌને રડાવનારો, ડરાવનારો. પોતાના સાહસ, પરાક્રમ અને બળનો ઉપયોગ તેણે લોકોને ડરાવવામાં અને રડાવવામાં કર્યો તેથી તે રાક્ષસ ગણાયો. અતિ વિદ્વાન હોવા છતાં તેનું પાંડિત્ય તેના અહંકાર ને કારણે નિરર્થક થયું. તપોબળ, બાહુબળ અને વિદ્યાબળમાં એણે સર્વોચ્ચ શિખરો સર કર્યા છતાં પોતાના સિવાય સૌને તુચ્છ ગણવાનો-મગતરાની તોલે સમજવાનો અહંકાર તેના વિનાશનું કારણ બન્યો. શાસ્ત્ર આપણને સૌને સમજાવવા માગે છે કે ચેતજો, આપણા સૌમાં આવો એક અહંકારી રાવણ બેઠેલો છે. એ રજોગુણને કારણે ત્યાં બેઠો છે.
એ જ રીતે આપણામાં રહેલા તમોગુણને કારણે કુંભકર્ણ પણ આપણી અંદર જ વસે છે. અને સત્વગુણરૂપે ન્યાયબુદ્ધિના પ્રતિનિધિ સમો વિભીષણ પણ આપણી અંદર વસે છે. પણ સત્વગુણની વાત નથી સમજાતી રજોગુણને કે નથી ગળે ઊતરતી તમોગુણને. માણસ માત્રમાં રહેલા રાક્ષસ કે રાક્ષસી સ્વભાવ સાથે આ ત્રિગુણાત્મક પ્રકૃત્તિ સંકળાયેલી અથવા જોડાયેલી છે. ગીતાકાર પણ સત્વ, રજસ અને તમસની વાત કરે છે. રજોગુણ અને તમોગુણ વિનાશ નોંતરવા માટે પૂરતા છે. પણ સત્વગુણ એ વિનાશમાંથી બચાવી શકે. રજોગુણ તમને મહત્વકાંક્ષી બનાવે, સાહસિક અને પરાક્રમી બનાવી શકે પણ એ જો સત્વગુણના નિયંત્રણમાં અથવાકહ્યામાં ન રહે તો એણે મેળવેલી સંપત્તિ, સમૃદ્ધિ વગેરે માત્રને માત્ર અસંતોષ અને અશાંતિ જ નોતરે અને અંતે શોક, યાતના અને વિનાશને રસ્તે જ આગળ લઇ જાય. શાસ્ત્રકાર પુલસ્ત્ય અને એના કુટુંબની કથામાંથી આ સમજાવવા માગે છે.
રાજસી ભોગવૈભવ કે રાજસી ઐશ્વર્ય આસુરીવૃત્તિને જન્મ આપે છે. આસુરીવૃત્તિ અહંકાર, દર્પ, કામ, ક્રોધ વગેરેને જન્મ આપે છે જ્યારે દિવ્ય ઐશ્વર્ય વ્યક્તિને ઊર્ધ્વ ગતિ પ્રાપ્ત કરાવે છે પસંદગી અપની અપની.
YV / KP
Reader's Feedback: