પ્રો.યશપાલના ‘રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા’ના પ્રકાશન ( 2005) પછી પ્રાથમિકથી માંડી સ્નાતક-અનુસ્નાતક કક્ષા સુધીની આપણી શિક્ષણ-પરીક્ષણ પદ્ધતિમાં અમૂલ ફેરફારો થયાં. વિધાર્થીઓ ગોખણપટ્ટીથી દૂર રહે, વિષયોને સમજે, જુદી જુદી આવડતો ( Skills ) કેળવે, મેળવેલી માહિતી, સમજણ –આવડતનો ઉપયોગ કરીને જ્ઞાનનું સર્જન કરે- આટલી મુખ્ય બાબતોને કેન્દ્રમાં રાખીને શિક્ષણ મૂલ્યાંકનની પદ્ધતિઓની નવેસરથી રચના કરવામાં આવી.
આ માટે વાસ્તવ જગત-જીવનના અનુભવ સાથે શિક્ષણને સાંકળવાનું અથવા વર્ગખંડના અભ્યાસનો અનુબંધ સાધવાનો ઉપક્રમ યોજાયો. વિવિધ પ્રવૃતિઓમાં વિધાર્થીઓને જોતરીને, એ પ્રવૃતિઓમાંથી મળતા અનુભવોનું અવલોકન કરે, એમાંથી કૂતુહલ પેદા થતાં પશ્રો પૂછે અને એને વિશે વિચારતાં-ચર્ચા કરતાં થાય એવી પદ્ધતિ ગોઠવાઈ છે. વાર્તાક્થન, નાટકનું મંચન, ગીતો ગાવાં, માટીકામ, ચિત્રકામ, કાગળકામ વગેરે જેવી ભાવાત્મક-સર્જનાત્મક પ્રવૃતિઓની મદદથી વિધાર્થીઓ વધુ અને વધુ જાતે શીખતાં થાય એવો ઉપક્રમ ગોઠવાયો છે. આ દ્રારા વિધાર્થીની એકાગ્રતાની, સ્મૃતિની, વર્ગીકરણ –પૃથક્કરણની, સંયોજન-સંકલનની, અંદાજની,તારણની વગેરે શક્તિઓ કેળવાતાં તેની સમજની,વિચારની, તર્કની શક્તિઓ પણ કેળવાય.
આ અભિગમમાં પ્રવૃતિઓ દ્રારા જ્ઞાન સુધી પહોંચવાનો ઉપક્રમ હોવાથી ધોરણ એકથી પાંચ સુધી કોઈ પ્રકારની ઔપચારિક પરીક્ષા અથવા મૂલ્યાંકન રાખ્યું નથી. શિક્ષકો સાધન-સામગ્રી-વાતાવરણ પૂરાં પાડે, બાળકો જાતે અથવા સહપાઠીઓની મદદથી શિક્ષકના માર્ગદર્શનથી શીખતાં જાય, બાળકો શીખતાં જાય એ દરમિયાન શિક્ષક દરેક વિધાર્થીનું અવલોકન કરી, તે દરેક વિધાર્થી કેટલી આવડત-સમજ કેળવતો જાય છે તેની નોંધ રાખે એ જ એનું મૂલ્યાંકન.
ધોરણ છથી આઠમાં પાઠ્યપુસ્તકોમાં બે પ્રકારના સ્વાધ્યાયો છે. એક બહુવિકલ્પ પ્રશ્નો ( MCQ) ચાર વિકલ્પોમાંથી એક સાચો હોય તે વિધાર્થીએ શોધી કાઢવાનું હોય. વિધાર્થીઓ વિષયને સમજ્યાં હોય એટલે સાચો વિકલ્પ તરત સમજાય. એટલે એમાં યાદશક્તિ કરતાં સમજ-વિચાર-તર્ક વધુ મદદે આવે. અન્ય સ્વાધ્યાયોમાં પુછાતા પ્રશ્નો પણ તર્ક, સમજ, વિચારની શક્તિને ચકાસે તેવા હોય તેથી માત્ર માહિતી યાદ રાખવાની કડાકૂટમાંથી, ગોખણપટ્ટીમાંથી વિધાર્થી બચી જાય.
ધોરણ નવથી બારના અભ્યાસક્રમને અને મૂલ્યાંકન પદ્ધતિને ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એક્ઝામિનેશન’ના(CBSE ) અભ્યાસક્રમ –મૂલ્યાંકન સાથે સાંકળવામાં આવ્યાં છે. ત્યાં સતત મૂલ્યાંકન અથવા રચનાત્મક મૂલ્યાંકનનો આધાર શિક્ષકના અવલોકનની ચીવટ ઉપર રહેવાનો માનવામાં આવે છે. એવી અઠવાડિક અથવા પાક્ષિક પરીક્ષાઓનો બોજ વિધાર્થી ઉપર પડવાનો સંભવ નથી છતાં શિક્ષકો સભાન ન રહે અને નિષ્ઠાપૂર્વક કામ ન કરે તો સતત મૂલ્યાંકન (FA) એ સતત પરીક્ષામાં ફેરવાઈ જવાનો ભય અને સંભવ છે જ. આ સતત મૂલ્યાંકનમાં શિક્ષકે વિધાર્થીની પ્રગતિની જે નોંધ રાખી હોય તેને આધારે વાર્ષિક પરિક્ષા (SA અથવા અંતિમ પરીક્ષા ) માં ત્રીસ ગુણ આપો આપ મળી જાય. બાકીના સિત્તેર ગુણમાંથી અડધા MCQને ( બહુવિકલ્પ પ્રશ્નો પર માત્ર ટીક કરવા જેવા પ્રશ્નોને ) અને બાકીના અડઘા વિધાર્થીની સમજ,વિચાર, તર્કની શક્તિ ચકાસતા વર્ણનાત્મક પ્રશ્નોને ફાળવાયા છે. જોકે શિક્ષકો માહિતલક્ષી પ્રશ્નો જ પૂછવા ટેવાયા હોવાથી હજુ વિધાર્થીનો ગોખણપટ્ટીનો રાજમાર્ગ ખુલ્લો રહ્યો છે.
સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર પદ્ધતિ આવતાં પ્રયોગશાળાઓ અને ગ્રંથાલયોનો ઉપયોગ વધશે એવી અપેક્ષા હતી. શિક્ષકો સીધા વર્ગશિક્ષણ કરતાં માર્ગદર્શનને વધારે મહત્વ આપશે એવી ધારણા હતી. વિધાર્થઈ લેક્ચરો, નોટ્સ અન ગાઈડ્સ ( માર્ગદર્શિકાઓ) ના કરતાં જાતે તૈયારી કરવી પડે તેવા પ્રયોગો, પ્રોજેક્ટસ, ગ્રંથોના સીધા વાંચનને મહત્વ આપશે તેવી આશા હતી. પણ અડધો પડધો અભ્યાસક્રમ ભણીને, મહત્વના ( આઈએમપી) પ્રશ્નોના ઉતરો ગાઈડોમાંથી ગોખીને, કશું સમજ્યાં-વિચાર્યા વિના ઉતારા કરેલી નોટોને આધારે પાસ થવા ટેવાયેલાં આપણાં વિધાર્થીઓનાં ટોળાં સેમેસ્ટર સિસ્ટમનો જ જોરશોરથી વિરોધ કરી રહ્યાં છે તે કરૂણતા છે.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: