Home» Shabda Shrushti» Book Introduction» Yogendra vyas book review about liludi dharti

લીલુડી ધરતી: નારી સમસ્યાની વાસ્તવિક રજૂઆત

Yogendra Vyas | April 18, 2013, 02:22 PM IST

અમદાવાદ :

પુરુષપ્રધાન સમાજમાં નારીને અસહાય રીતે સહન કરવા પડતાં અન્યાયના મૂળમાં તેની શરીરરચના છે એમ મનાય છે. શરીરરચનાની આ વિશેષતા મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિમાં પણ માદા ધરાવતી હોય છે. ત્યાં પણ ચિમ્પાન્ઝી અને કેટલાંક પશુઓમાં માદાની શરીરરચના શોષણ, દમન અને અત્યાચારનું કારણ બને છે એમ અવલોકવામાં આવ્યું છે, તો આ 'પશુવૃત્તિ'ના ઊર્ધ્વીકરણ માટે યુગોથી માનવજાત મથી છે એનું શું?

નવલકથા 'લીલુડી ધરતી' (1957)માં સ્વ. ચુનીલાલ મડિયાએ આ સમસ્યાને કલાત્મક અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે.

ચીલાચાલુ ઢબે શાંતિથી જીવતાં ગુંદાસર ગામમાં હાદા પટેલના પુત્ર પરબતનાં મૃત્યુ સમયે બે પિતરાઇ ભાઇ ગોબર અને માંડણ વચ્ચે વેરઝેરનાં બી વવાયાં ત્યાંથી કથા આરંભાય છે. સંતુની છેડતી અને રૂપા રબારણનાં ખૂનની તપાસ માટે એજન્સીની છૂપી પોલીસનું આગમન, જેરામ મિસ્ત્રી અને રઘા ગોર વચ્ચેની તકરાર અને માંડણે વેરઝેર છતાં જાનને જોખમે ગોબરનો જીવ બચાવ્યો એ પ્રસંગો કથાને આગળ વધારે છે.
 

ખેતીવાડી ઉપર નભતાં પટેલ કુટુંબો, ખેતમજૂરો આદિ શ્રમિકો, યજમાનવૃત્તિવાળા ગોર, સોની, વેપારી, ધીરધાર કરનાર, માદક દ્રવ્યોનો ધંધો કરનારાઓ, મુખી, પસાયતો, પગી, હજામ, ઘાંચી, દરબાર, ભાયાતો, ભૂવા, સાધુબાવા વગેરે અઢારે વરણની સૃષ્ટિ આ કથામાં ખડી થઈ છે.

માંડણની પત્નીનો આપઘાત અને પોતે સગર્ભા હોવાનો પતિ પાસે સંતુએ કરેલો એકરાર, ગિધા લવાણાનું ખૂન, દારૂના નશામાં ધૂત માંડણે ગોબરની કરેલી હત્યા અને સંતુને માથે વ્યભિચારિણી હોવાનું આળ મુકાયું તેમાં સમજુબા, જીવો ખવાસ, ઓઘડ ભૂવો, ઘુઘરિયાળો બાવો, ભવાનદા મુખી વગેરેએ ભજવેલી સક્રિય ભૂમિકા વાચકને કથાપ્રવાહમાં આગળ ખેંચી જાય છે.

સંતુને નિષ્કલંક પુરવાર કરવામાં ગુંડા ગણાતા ડાંડ રઘા ગોરે આશ્ચર્યજનક રીતે ભજવેલી વિધાયક ભૂમિકા અને અમથી સુથારણનું ગામમાં ઘણા સમય પછી છુપાવેશે આગમન થતાં જ રઘાએ કરેલો આપઘાત કથાને રહસ્યના રંગોથી રંગે છે. મરેલું બાળક જન્મતાં પાગલ બની ગયેલી સંતુની બાળક માટેની ઘેલછા અને અંતે સતીમાના થાનકે જતાં એને સાંપડેલી શાંતિ અને તે જ સમયે નાટ્યાત્મક રીતે હાદા પટેલના મોટા પુત્રનું ગામમાં પાછા આવવું ત્યાં કથાનો સુખદ અંત આવે છે.
 

માણસે સમૂહજીવનનો, ખાસ તો લગ્ન-સંસ્થાનો અને તેના નીતિ-નિયમોનો સ્વીકાર કર્યા પછી કુંતી હોય કે દ્રોપદી, સીતા હોય કે શકુન્તલા અથવા આ નવલકથાની નાયિકા સંતુ-સમસ્યાઓનો સામનો તો સ્ત્રીએ જ કરવાનો આવ્યો.

ખેતીવાડી ઉપર નભતાં પટેલ કુટુંબો, ખેતમજૂરો આદિ શ્રમિકો, યજમાનવૃત્તિવાળા ગોર, સોની, વેપારી, ધીરધાર કરનાર, માદક દ્રવ્યોનો ધંધો કરનારાઓ, મુખી, પસાયતો, પગી, હજામ, ઘાંચી, દરબાર, ભાયાતો, ભૂવા, સાધુબાવા વગેરે અઢારે વરણની સૃષ્ટિ આ કથામાં ખડી થઈ છે. એ સૃષ્ટિના પરંપરાગત વ્યવસાય, રૂઢિ-રિવાજ, ઉત્સવો, બાધા-માનતા, અફવા, નિંદારસ, પરપીડનવૃત્તિ બધાનું નિરૂપણ લેખકની સૂક્ષ્મ અવલોકનશક્તિ અને કલાત્મક સંયોજનશક્તિની સાથે તાકાતવાન ભાષાભિવ્યક્તિને છતા કરે છે.

'ઠકરાણાની આંખમાં તગતગતા તારોડિયા જેવું આંસુ તગતગતું હતું.' 'ખારેક જેવી આંખોને ખૂણે સાચા મોતી જેવું બિંદુ,' 'છડેલી દાળ જેવી ગોરી', 'અબનૂસની લાકડા જેવી શ્યામવર્ણી છોકરી', 'બે કાંઠે ઘૂઘવતી ઓઝત (નદી) પેંલોઠી નવોઢા જેવી મદમસ્ત,' 'વીજળીના શીરોટા જેવો ઝબકી જતો વિચાર', જેવી ઉપમાઓ એમના કવિત્વ-ભાષાશક્તિનાં ઉદાહરણો છે.

"આ કથામાં કોઇ પાત્ર નિર્ભેળ ખલ કે નિર્ભેળ દુષ્ટ નથી. જિંદગીની શેતરંજ ઉપર પોતાની ચાલ એ પાત્રોના હાથમાં નથી. સંજોગોના હાથમાં છે.'-એ વાતને ચરિતાર્થ કરતી આ કથામાં 'માનવીના ચિત્તમાં ચાલતો આસુરી અને દૈવી વૃત્તિ વચ્ચેનો ગજગ્રાહ તેને ક્યારે કઇ દિશામાં ખેંચી જશે એ સમજવું સહેલું નથી' એ વાત પણ સ્પષ્ટ થઈ છે. પણ આ વાત જ સ્ત્રી માટે સૌથી વધુ ખતરનાક અને અન્યાયકર્તા છે. માણસે સમૂહજીવનનો, ખાસ તો લગ્ન-સંસ્થાનો અને તેના નીતિ-નિયમોનો સ્વીકાર કર્યા પછી કુંતી હોય કે દ્રોપદી, સીતા હોય કે શકુન્તલા અથવા આ નવલકથાની નાયિકા સંતુ-સમસ્યાઓનો સામનો તો સ્ત્રીએ જ કરવાનો આવ્યો. અગ્રિપરીક્ષામાંથી પસાર એણે જ થવાનું રહ્યું. ગ્રામીણસમાજ હોય કે શહેરીસમાજ લોકાપવાદનો સામનો સ્ત્રીએ જ કરવાનો. આ નવલકથાકારે એ સમસ્યાનું સમાધાન આપ્યું નથી, એણે તો એની કલાત્મક રજૂઆત કરીને સર્જકધર્મ નિભાવ્યો છે.

YV / KP

Yogendra Vyas

Yogendra Vyas

ડો. યોગેન્દ્ર વ્યાસ, પૂર્વ-ડિરેક્ટર, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી,

 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડો.યોગેન્દ્ર વ્યાસ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લાં ચાલીસ વર્ષથી વિવિધ પાઠ્ય પુસ્તકોના સંપાદક, પરામર્શક અને વિષય સલાહકાર તથા બોર્ડના સભ્ય તરીકે કાર્યરત છે. ડો.યોગેન્દ્ર વ્યાસ દ્વારા પચાસથી વધુ પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે, અને તેઓના છ જેટલાં પુસ્તકોને 'ગુજર� More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.26 %
નાં. હારી જશે. 19.10 %
કહીં ન શકાય. 0.64 %