(ફાઈલ તસવીર)
અમદાવાદ :ગુજરાતની એસ.ટી. બસમાં હવે મહિલા કન્ડક્ટર્સ જોવા મળે તો નવાઈ ના પામશો. કેમ કે રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના ભાગરૂપે એસ ટી. નિગમમાં 100 કરતાં વધારે મહિલા કન્ડક્ટર્સની ભરતી કરી છે. 23 એપ્રિલ મંગળવારના રોજ ગાંધીનગર ખાતેના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલા કન્ડક્ટર્સને નિમણૂકપત્રો આપવામાં આવશે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે એસ.ટી. બસોમાં અત્યારસુધી પુરુષ કન્ડક્ટર્સનો ઈજારો હતો. પરંતુ મુખ્યમંત્રી મોદીએ મહિલાઓને એસ.ટી. બસમાં રોજગારી મળે તે હેતુથી નિગમને મહિલા કન્ડક્ટર્સની ભરતી કરવા જણાવ્યું હતું. જે અનુસાર મહિલા કન્ડક્ટર્સની ભરતી થઈ ગઈ છે. અને હવે મોદીના હસ્તે જ તેમને નિમણૂકપત્રો અપાશે.
સૂત્રોએ કહ્યું કે 23મીએ ગાંધીનગર એસ.ટી. બસ ડેપો ખાતે સવારે 10 વાગે આયોજિત કાર્યક્રમમાં નિમણૂકપત્રો આપવામાં આવશે. આ પ્રસંગે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ચાલતી એસ.ટી. બસમાં હવે મનોરંજન સેવા પૂરી પાડવામાં આવશે. નોંધનીય છે કે એસ.ટી. નિગમ દ્વારા ખાનગી કંપનીની મદદથી “વાઈસ” ટીવી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરોને સમાચારની સાથે ગીત-સંગીતનું મનોરંજન આપવામાં આવી રહ્યું છે. હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ચાલતી એસ.ટી. બસમાં પણ આ મનોરંજન સેવા શરૂ કરવામાં આવી રહી છે.
PG / KP
Reader's Feedback: