Home» Opinion» Society & Tradition» Welknownmuseumsofgujarat

ગુજરાતના પ્રખ્યાત મ્યુઝીયમ

Keyur Pathak | February 10, 2012, 04:04 AM IST

અમદાવાદ :

મ્યુઝીયમ એટલે માત્ર જોવાલાયક સ્થળો જ નહીં પરંતુ ઐતિહાસિક દસ્તાવેજોનો બોલતો પુરાવો છે. ૧૦૦-૨૦૦ નહિ, પણ ૨૦૦૦-૫૦૦૦થી પણ વધુ વર્ષો જૂની સભ્યતાઓ, રીતીરીવાજો અને સંસ્કૃતિઓથી પરિચિત કરાવતાં મ્યુઝીયમો એ આપણી અમૂલ્ય વિરાસત છે. જો કે આજની યુવા પેઢીની નજર ચંદ્ર-મંગળ તરફ હોવાથી પ્રાચીન અને પૌરાણિક બાબતોમાં હવે એટલો રસ જોવા મળતો નથી.

 

ગુજરાતમાં મોહેં-જો-દડો જેવી સભ્ય સંસ્કૃતિના જીવતા અવશેષો છે તો બીજી તરફ રાજપુતાના યુગની અનેક કથાઓ અને તેના દસ્તાવેજી પુરાવા આજે પણ વિવિધ મ્યુઝીયમોમાં સચવાયેલા પડ્યા છે. મોગલકાળના શાસન, રાજપુતોનું ખમીર અને દ્રવિડ-આર્ય સંસ્કૃતિની આ અણમોલ ઇમારતોમાં એક લટાર મારીએ તો આપણે પણ કદાચ એ યુગના ટાઈમ-ટ્રાવેલર બની એ યુગમાં પહોચી ગયા હોઈએ એવી અનુભૂતિ થયા વિના રહે નહિ.

 

ગુજરાતમાં સાપુતારાથી લઇ કચ્છ-ભુજ સુધીના ગુજરાતના અનેક શહેરો અનેકવિધ મ્યુઝીયમોમાં ગુજરાતની અસ્મિતા, ગુજરાતે વેઠેલી યાતના, મોગલોનું દમન, રાજપૂતોનો વિગ્રહ, સૈકાઓ જૂની સભ્ય સંસ્કૃતિઓની વિકાસગાથાની કથા કહેતા તામ્રપત્રો, સિક્કાઓ, હથીયારો થી લઇ મહાપુરુષ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહીત અનેક લોક્નાયાકોના જીવન-કવનની ગાથા વર્ણવતા અને આધુનિક પેઢીને પ્રેરકબળ પૂરું પાડતા ચિત્રો અને લેખો સંગ્રહાયેલા છે.

 

આવો, આજે આપણે ગુજરાતના કેટલાંક મ્યુઝીયામોનો પરિચય મેળવી એક ઇતિહાસને ફરી ઉજાગર કરીએ.

 

૧. સાપુતારા મ્યુઝીયમ, સાપુતારા.

 

ગુજરાતના એકમાત્ર ગિરિમથક(હિલ સ્ટેશન) સાપુતારા પર મધ્યમાં જ એક જુના મકાનમાં ઉભું કરાયેલું મ્યુઝીયમ સાપુતારા ને ડાંગ જીલ્લામાં અગાઉના વર્ષોમાં વસતાં આદિવાસી પ્રજાતિઓના જીવન અને રહેણી-કરણીનો બોલતો પુરાવો કહી શકાય. જો કે પ્રવાસીઓને કે બાળકોને આ મ્યુઝીયમ અંગે જાણ નથી અથવા તો રસ નથી. આ મ્યુઝીયમમાં આ આદિવાસી વિસ્તારમાં વસતાં પછાત જાતિની પ્રજાના વાંસમાંથી બનાવેલા દાગીના, વાસણો, સુશોભનની ચીજવસ્તુઓ ઉપરાંત હસ્તકલાથી નિર્મિત વાજિંત્રોનો અદભુત સંગ્રહ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેઓના હથીયારો અને રોજીંદા જીવનની માહિતીનો પણ ખજાનો આ મ્યુઝીયમમાં જોવા મળે છે.

 

૨. લેડી વિલ્સન મ્યુઝીયમ, ધરમપુર.

 

૧૯૨૮માં નિર્માણ પામેલ ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝીયમમાં આદિવાસી કળા-કારીગરીની કૃતિઓ ઉપરાંત પ્રાણીશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રને લગતા અનેક નમૂનાઓ પણ લોકોની જાણકારી માટે મુકવામાં આવ્યા છે. આ મ્યુઝીયમમાં ઔધોગિક વસ્તુઓની પણ પ્રદર્શની કરાઈ છે. ઉપરાંત પછાત જાતિની પ્રજાના વાંસમાંથી બનાવેલા દાગીના, વાસણો, સુશોભનની ચીજવસ્તુઓનો અદભુત સંગ્રહ કરવામાં આવ્યો છે.

 

૩. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝીયમ, સુરત.

 

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં લગભગ ૮,૪૦૦ જેટલી પુરાતન કલાકૃતિઓ છે. આ બધી કલાકૃતિઓ કાષ્ઠકળા, ચિનાઇ માટી, તાંબા અને કાંસા, કાપડ, સિક્કા, ચિત્રો, લઘુચિત્રો, હસ્તપ્રતો અને શિલ્પો વગેરેમાં વિભાજિત થાય છે. અહીં ટેક્સટાઇલ્સથી માંડીને ધાતુકામ, કાચકામ, ચિત્રકામ, પ્રાચીન પુસ્તકો, કાષ્ઠ-કોતરણી, પશુ-પક્ષીઓ, દરિયાઇ નમૂનાઓ જેવા કે છીપકામ, શંખ, પરવાળાના ખડકો ઉપરાંત નૈર્સગિક અકીકના કિંમતી પથ્થરોમાં ચંદ્રની કળા તેમજ ગ્રહણના દર્શન જેવા પણ ઘણા નમૂનાનો સંગ્રહ છે. વિવિધ વસ્તુઓના અલભ્ય નમૂનાઓ આ સંગ્રહસ્થાનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

 

આ મ્યુઝિયમમાં હાલમાં આશરે અગિયાર હજાર જેટલા નમૂના સંગ્રહિત છે. તેમાં ઘણી બધી કલાકૃતિઓ તો ભેટ તરીકે પ્રાપ્ત થયેલી છે. ૧૭મી સદીનો વૈષ્ણવ સંપ્રદાયનો સુંદર રથ, માનવ અને પ્રાણી આકૃતિના ફ્લાવરપોટના નમૂના, શ્રીકૃષ્ણની બાળ લીલાના લઘુચિત્રો, ઓખા-હરણના લઘુચિત્રો ઉપરાંત આકર્ષક કોતરણીવાળું રાઇટિંગ-ડેસ્ક જે કાષ્ઠ કોતરણીનો સુંદર નમૂનો છે. સુરતી પ્રજાની કલારસિકતાના પ્રતીકસમું આ મ્યુઝિયમ કલા, સંસ્કૃતિ અને શિક્ષણનું અમૂલ્ય માધ્યમ હોવા ઉપરાંત સંસ્કાર કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે.

 

૪. યુનીવર્સીટી મ્યુઝીયમ(આર્ટસ એન્ડ આર્કિઓલોજી) મ્યુઝીયમ, વલ્લભ વિદ્યાનગર.

 

ગુજરાતની શૈક્ષણિક રાજધાની ગણાતા વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનીવર્સીટીમાં સ્થિત યુનીવર્સીટી મ્યુઝીયમ આર્ટસ એન્ડ આર્કિઓલોજી મ્યુઝીયમ તરીકે પણ ઓળખાય છે. આ મ્યુઝીયમ બહુવિધ ચીજવસ્તુઓનું સંગ્રહાલય છે. સંગહાલયમાં કાંસ્ય, લાકડા અને પથ્થરના શિલ્પ, પાલખી-મ્યાનો, સિક્કાઓ, ગાલીચાઓ, પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળના કેટલાક ચિત્રો, હસ્તપ્રતો, હથીયારો, પ્રાચીન ઈંટ જેવી વસ્તુઓ, પ્રાચીન લેખો, વનસ્પતિ/પ્રાણી/ભૂસ્તરશાસ્ત્રને લગતા નમુના, ગુજરાતનો અદભુત નકશો, સરદાર વલ્લભભાઈના વિશાળ ચિત્રો, મોટાભાઈ વિઠ્ઠલભાઈ સાથે તેમના પત્રવ્યવહારના સચવાયેલા પત્રો વગેરેનું સુંદર પ્રદર્શન અહી જોવા મળે છે. આ ઉપરાંત અહી આણંદમાં કૃષિ સંગ્રહાલય પણ આવેલું છે જેમાં કૃષિ અંગે માહિતીસભર ચીજ વસ્તુઓ જોવા મળે છે.

 

૫. આર્કિઓલોજી મ્યુઝીયમ, ખંભાત.

 

ખંભાતની રજની પરીખ આર્ટસ કોલેજમાં આવેલ આર્કિઓલોજી મ્યુઝીયમ ખંભાત તથા આસપાસના વિસ્તારના ભૂસ્તરશાસ્ત્ર નિરિક્ષણો અંગેના રસપ્રદ સંશોધનો અને માહિતીઓનું સુંદર સંગ્રહસ્થાન બની રહ્યું છે. ખંભાતના અખાતની સમૃદ્ધિની અનેક વાતો પ્રાચીનકાળથી  પુરાતત્વવિદો અને ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આકર્ષણ અને સંશોધનનું કેન્દ્ર બની રહી છે અને એના જ પ્રતાપે થયેલી શોધખોળો  દરમ્યાન પ્રાપ્ત થયેલ દુર્લભ ચીજવસ્તુઓ અહી જોવા મળે છે.

 

૬. ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.

 

કપડવંજમાં આવેલ ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય એ બાળકો માટેનું સંગ્રહાલય છે જેમાં બાળકોને લગતા સાહિત્ય, પંચતંત્ર, હિતોપદેશના વાર્તા સંગ્રહો ઉપરાંત બાળકોને પ્રિય એવી વાચનસામગ્રી અને રમકડાનું વિશાળ વૈવિધ્ય જોવા મળે છે.

 

ગુજરાતના વધુ મ્યુઝીયમ્સ અંગે અનેક રસપ્રદ માહિતીનો ખજાનો હવે પછીના ભાગમાં.....

Keyur Pathak

Keyur Pathak

(કેયૂર પાઠક જીજીએન ટીમના સભ્ય અને સબ એડિટર છે. તેઓ સાહિત્ય, રાજકારણ સહિત અન્ય વિષયો પર લખે છે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.38 %
નાં. હારી જશે. 18.99 %
કહીં ન શકાય. 0.64 %