ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અમલમાં મૂકેલ 604.89 મેગાવોટ સોલાર પાવરને કારણે પર્યાવરણને જબરદસ્ત ફાયદો થાય તેમ છે. સરકારનો એક અંદાજ છે કે તેનાથી 9 લાખ ટન નેચરલ ગેસની બચત થશે...!
ગુજરાત સરકાર દ્રારા ટવીટર પર મૂકાયેલી એક માહિતી પ્રમાણે, આ સોલાર પાવર પ્રોજેક્ટથી વાતાવરણમાં 8 મીલીયન ટન કાર્બન ડાયોક્સાઈડ ભળતું અટકશે. અન્ય શબ્દોમાં કહીએ તો સોલારને બદલે જો આટલી જ વીજળી થર્મલમાંથી મેળવવી હોય તો તેના માટે જે કોલસો વપરાય તેમાંથી 8 મીલીયન કાર્બન ડાયોકસાઈડ એટલે કે ધૂમાડો વાતાવરણમાં ફેલાય અને તેનાથી વાયુ પ્રદૂષણની માત્રામાં વધારો થાય. ઉપરાંત 604.89 મેગાવોટ વીજળી પેદા કરવા જો ગેસનો ઉપયોગ કરાય તો 9 લાખ ટન ગેસનો જથ્થો વપરાય.
સરકારે કોલસો કે નેચરલ ગેસના બદલે સૂર્યમાંથી આટલી વીજળી મેળવવા સોલાર પેનલો લગાવી તેથી ગેસની બચત થઈ છે. કોલસો મોંઘો થયો છે અને તેના કારણે વીજ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં વીજળી મોંઘી થઈ રહી છે. સરકારે એટલા જથ્થામાં કોલસાનો વપરાશ પણ ઘટાડયો છે.
આમ પર્યાવરણને નુકશાન નહીં પરંતુ તેને ફાયદો પહોંચાડીને મોદી સરકારે હકારાત્મક પગલું ભર્યું હોવાની લાગણી પર્યાવરણક્ષેત્રે સર્જાઈ છે. નોંધનીય છે કે મોદીએ પર્યાવરણની રક્ષા માટે પુસ્તક પણ લખ્યું છે અને પોતાની સરકારમાં કલાઈમેટ ચેન્જ નામનો નવો વિભાગ પણ શરૂ કર્યો છે. સમગ્ર ભારતમાં આ પ્રકારનો વિભાગ શરૂ કરનાર મોદી સરકાર પ્રથમ છે અને વિશ્વમાં ચોથો નંબર છે.
Reader's Feedback: