ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 19 એપ્રલના રોજ ઉત્તર ગુજરાતના ચારણકા ખાતે સોલાર પાવર પ્રોજેક્ટના લોકાર્પણ વખતે કોંગ્રેસ અને વડાપ્રધાન ડો. મનમોહનસિંગની સામે રાજકીય આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમણે વડાપ્રધાનને સલાહ આપી કે કેન્દ્ર સરકારે વિશ્વના જે દેશમાં સોલાર રેડિએશન વધારે હોય તેવા દેશોનું સંગઠન બનાવી સોલાર પાવરનું કામ હાથ પર લેવું જોઈએ.
મોદીએ વિદેશી મહાનુભાવો હાજર હોવાથી પ્રથમ તો અંગ્રેજીમાં ભાષણ આપ્યું જેમાં વડાપ્રધાનની કોઈ આલોચના કરવાનું ટાળ્યું હતું.અંગ્રેજીનું ભાષણ પૂરૂ થતાં જ તેઓ પોતાના અસલ લડાયક મૂડમાં આવ્યાં અને હિન્દીમાં ભાષણની શરૂઆત જ કોંગ્રેસનનું નામ લીધા વગર કરીને કહ્યું કે એક વર્ષ પહેલાં જ્યારે તેમણે ચારણકા ખાતે સોલાર પ્રોજેક્ટનો પાયો નાંખ્યો ત્યારે સત્તા માટે તરફડિયા મારનાર પક્ષ દ્રારા આ પંથકના લોકોને ભડકાવામાંઆવ્યાં અને કાળા ઝંડા ફરકાવ્યાં હતા. ચારણકાના લોકોને ગેરમાર્ગે દોર્યા કે પ્રોજેક્ટ આવશે તો બધુ જ લુંટાઈ જશે. પરંતું આજે ચારણકાના લોકો આર્થિક રીતે સાધન-સંપન્ન થયાં છે.
વડાપ્રધાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન થોડાક સમય પહેલાં જી-7 દેશોની બેઠકમાં હાજરી આપવા વિદેશ પ્રવાસે જવાના હતાં ત્યારે તેમણે પત્ર લખીને કહ્યું કે વિશ્વમાં તેલ-ગેસના ભંડારો કાયમી નથી, તેથી જે દેશમાં સોલાર રેડિએશનની માત્રા વધારે હોય એટલે કે સૂર્યના તડકાનું પ્રમાણ વધારે હોય તેવા દેશોનું એક અલગ સંગઠન બનાવવું જોઈએ અને ભારતમાં સોલાર એનર્જીની શરૂઆત કરવી જોઈએ. જેમ જી-7, ઓપેક દેશોનું સંગઠન,સાર્ક દેશોનું અલગ સંગઠન છે તેમ સોલાર રેડિયેશનવાળા દેશોનું અલગ સંગઠન બને જેને સૂર્ય પૂત્ર ચળવળ એવું નામ આપી શકાય. પરંતુ વડાપ્રધાને તેમની વાત સ્વીકારી નહોતી. જો આવું સંગઠન બને તો પેટ્રોલીયમ પેદાશ કરનાર મધ્ય-પૂર્વના દેશોની દાદાગીરી નિવારી શકાય.
40 વર્ષની સામે 10 વર્ષ
ગુજરાતમાં કોંગ્રેસે 40 વર્ષ રાજ કર્યું પણ 2000 સુધી વીજ ઉત્પાદન માત્ર 7 હજાર મેગાવોટ હતું. 2001થી 2012 સુધીના 11 વર્ષના અમારા શાસનમાં 11 હજાર મેગાવોટ વીજળી ઉમેરાઈ અને આજે ગુજરાતમાં 18 હજાર મોગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે. કોંગ્રેસના રાજના 40 વર્ષમાં માત્ર 10 હજાર હેક્ટર જમીન વિસ્તારમાં ટપક પધ્ધતિથી ખેતી થતી હતી જ્યારે છેલ્લાં 10 વર્ષમાં 7 લાખ હેક્ટર જમીનમાં ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતી થઈ રહી છે.
વીજળીના અભાવે કોર્ટ ચાલતી નથી
મોદીએ એક દાખલો આપતાં કહ્યું કે,તેમણે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દ્રારા આયોજિત એક બેઠકમાં હાજરી આપી ત્યારે એક રાજ્યના મુખ્યમંત્રીએ તેમના રાજ્યમાં કોર્ટમાં પડતર લાખો કેસ અંગે એવું કારણ આપ્યું કે તેમના રાજ્યમાં વારંવાર વીજળી જતી રહે છે તેથી કોર્ટમાં કાર્યવાહી થતી નથી તેથી કેસોનો ભરાવો થાય છે. મોદીએ જો કે એ રાજ્યનું નામ જાહેર કર્યું નહોતું.
Reader's Feedback: