એક લોકગીતના શબ્દો કંઈક આવા છે : નદી કિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે... ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે નર્મદાની કેનાલના કિનારે સોલાર વીજળી પેદા કર્યા બાદ એવું કહેવું પડે કે કેનાલ કિનારે વીજળી રે ભાઈ વીજળી રે. ગાંધીનગર નજીક કડી-સાણંદ કેનાલના કિનારે 1 મેગાવોટ વીજળી સૂર્યમાંથી મળે તેવો પ્રોજેક્ટ તૈયાર છે અને આવતીકાલ 24 એપ્રિલના રોજ સાંજે 4.30 કલાકે મોદીના હસ્તે તેનું લોકાર્પણ થવાનું છે.
મોદી સરકારે બનાસકાંઠાના રણ વિસ્તારમાં સૂર્યમાંથી 600 મેગાવોટ વીજળીનો મેગા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા બાદ હવે નર્મદાના કેનાલની બન્ને તરફ ખૂલ્લી જમીનમાં સોલાર પેનલો લગાવીને તેમાંથી વીજળી મેળવવાનું કામ આરંભ્યું છે. કડીથી સાણંદ તરફ જતી નર્મદાની કેનાલ પર 1 કિ.મી. લાંબી સોલાર પેનલો લગાવવામાં આવી છે. તેમાથી 1 મેગાવોટ વીજળી મળવાની છે, જે કેનાલ નજીકના ગામડાઓને આપવામાં આવશે.
સત્તાવાર મળતી માહિતી મુજબ, સરકાર નર્મદાની 455 કિ. મી. લાંબી મુખ્ય કેનાલના કિનારે સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવા માંગે છે. આ સોલાર પેનલના છાંયડાથી કેનાલમાંથી પાણીનું બાષ્પીભવન અટકશે અને તે દ્રારા 1 કરોડ લીટર પાણીની બચત થશે.
Reader's Feedback: