'પશાભાઈ, આજે તમારે ત્યાં કેટલી વીજળી પેદા થઈ ?'
' મારે ત્યાં આજે તો 125 યુનીટ વીજળી સોલારમાંથી મળી છે. તમારે કેટલી ?'
આવું સાંભળાવામાં સહેજ અજુગતુ લાગે છે, પરંતુ ગુજરાતમાં મોદી સરકાર સોલાર પાવર ક્ષેત્રે એક એવી પોલીસી અમલમાં લાવી રહી છે કે તેના કારણે ગુજરાતમાં દરેક મકાનની છત પર સૂર્યમાંથી ઊર્જા મેળવવા સોલાર પેનલો હશે અને તેમાંથી પેદા થનાર વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરવાની સાથે વધારાની વીજળી જે તે વ્યક્તિ સરકારને અથવા જેને જરૂર છે તેને વેચીને કમાણી પણ કરી શકશે. સરકારે તેને રૂફ ટોપ સોલાર પોલીસી એવું નામ આપ્યું છે. પ્રથમ તબક્કામાં ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગરમાં આ પોલીસીનો સરકાર દ્રારા અમલ થશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 19 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના ચારણકા ખાતે 600 મેગાવોટ સોલાર પાવર રાષ્ટ્રને અર્પણ કરતાં આ પોલીસીની જાહેરાત કરી હતી.
ઉત્તર ગુજરાતમાં પાટણ જીલ્લાના ચારણકા અને તેની આસપાસના વિસ્તારોમાં સોલાર પાવર માટે વિશાળ સંખ્યામાં પેનલો લગાવવામાં આવી છે. ચારણકા ઉપરાંત અન્ય 10 જીલ્લામાં પણ જ્યાં સોલાર પાવર માટે પેનલો લગાવવામાં આવી છે ત્યાં એક સાથે લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતાં. મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતમાં અમેરીકન કાઉનસીલ જનરલ પીટર હેસ તથા એડીબી બેંકના પ્રતિનિધિ નોઅકી સાકાઈ વગેરેની હાજરીમાં ચારણકા ખાતે યોજાયો ત્યારે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
મોદીએ પોતાના દીર્ઘ વક્તવ્યમાં ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું કેટલું મહત્વ રહેલું છે તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે આવનારા 20 કે 50 વર્ષમાં વિશ્વમાં તેલ-ગેસના ભંડારો ખૂટશે ત્યારે આવનાર સંક્ટમાં સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા જ કામમાં આવશે અને ગુજરાત સરકારે આ ભાવિ સંક્ટનો સામનો ગુજરાતની ભાવિ પેઢીને કરવો ન પડે તેની ચિંતા કરીને અત્યારથી જ સૂર્યમાંથી વીજળી મેળવવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં સૂર્યમાંથી 600 મેગાવોટ વીજળી મેળવવાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં અંદાજે રૂ. 2000 કરોડનું રોકાણ થયું છે.
રૂફ ટોપ પોલીસીની જાહેરાત કરતાં મોદીએ કહ્યું કે તેમની સરકારે એક એવી પોલીસી તૈયાર કરી છે જેમાં ગુજરાતમાં ઘરે ઘરે છત પર સોલાર પેનલો લગાવીને નાગરિકો સૂર્યમાંથી વીજળી પેદા કરી શક્શે. ખેડૂતો પોતાના ઘરની છત પર સોલાર વીજળી મેળવીને સિંચાઈ કરી શક્શે. પોતાના ઘરની છત પર સોલરમાંથી વીજળી મેળવનાર વીજળીના કારખાનાનો માલિક બનશે. ગુજરાતમાં સોલાર ક્ષેત્રે એવા દિવસો આવશે કે જેમ મકાન ભાડે અપાય છે તેમ સોલાર વીજળી માટે છત ભાડેથી આપીને પણ ગરિબો કમાણી કરી શક્શે. અને તેમાંથી પોતાના સંતાનોને દૂધ પિવડાવી શક્શે અને સારૂ શિક્ષણ પણ આપી શક્શે. અને ત્યારે મને ગરીબો માટે કંઈક કર્યાનો અનેરો સંતોષ મળશે.
30 હજારને રોજગારી
મોદીના કહેવા પ્રમાણે, ગુજરાતમાં મોટા પાયે સોલાર એનર્જી ઉત્પાદનને કારણે અંદાજે 30 હજાર લોકોને નાની-મોટી રોજગારી મળવાની છે. સોલાર પેનલ અને સોલાર એનર્જીને સંબંધિત સાધનો બનાવાના એકમો ગુજરાતમાં શરૂ થઈ રહ્યાં છે ત્યારે એકલા સોલાર સેક્ટરમાં જ 30 હજાર લોકોને રોજગારી મળવાની છે.
મકાન ભાડે મળતા નથી
ચારણકા ખાતે 200 મોગાવોટની ક્ષમતાવાળો સોલાર પ્રોજેક્ટ આવ્યા બાદ તેમાં 10 હજાર લોકોને કામ મળતાં ચારણકા, વાવ, સાંતલપુર વગેરે. વિસ્તારોમાં મકાનો ભાડે મળતા નથી. આ જ વિસ્તારમાં એક સમયે કોઈ મકાન ભાડે રાખતું નહોતું કેમ કે પ્રાથમિક સુવિધાના અભાવે કોઈ અહીંયા આવતા નહોતા. સ્થાનિક લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડતું હતું.
આઈટીઆઈમાં સોલાર
સરકારે સોલાર સેક્ટરમાં યોગ્ય કુશળ ઉમેદવારો મળી રહે તે માટે આઈટીઆઈમાં સોલાર લેબની વ્યવસ્થા કરી છે. સમગ્ર દેશમાં તે સૌ પ્રથમ છે.
સોલારની સાથે જળ સંચય
ચારણકામાં વિશાળ સોલાર પ્રોજેક્ટ સ્થળે સૂર્યમાંથી વીજળી મેળવવાની સાથે વરસાદી પાણીના સંચય માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારે સ્થાનિક ખેડૂતોને પાણીની બચત માટે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવા કહ્યું છે. ચારણકા એક પીકનીક સ્પોટ બને તેવા પણ પ્રયાસો થઈ રહ્યાં છે. સરકારના એવા પ્રયાસો છે કે જેમ પ્રવાસીઓ મોઢેરા ખાતે સૂર્ય મંદિર જોવા આવે છે તેમ ચારણકાનો સૂર્યતીર્થ તરીકે વિકાસ કરવામાં આવશે.
Reader's Feedback: