કેનાલ ટોપ સોલાર પાવરમાં ગુજરાત વિશ્વનું નંબર વન બની ગયું છે. પંજાબે આ ક્ષેત્રે પ્રયાસો કર્યા હતા પરંતુ ગુજરાત સાથેની દોડમાં પંજાબ પાછળ રહી ગયું અને ગુજરાત નંબર-વન બન્યું છે. ગુજરાતમાં સોલાર પાવર ક્ષેત્રે અંદાજે 9000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવશે અને આ એક જ સેક્ટરમાં 30 હજાર લોકોને રોજગારી મળવાની છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારની આ સફળતાને જળ શક્તિ અને ઉર્જા શક્તિનો અનોખો સમન્વય તરીકે ઓળખાવી છે.
ગુજરાતમાં સરકારે નર્મદાની કડી-સાણંદ બ્રાન્ચ કેનાલની ઉપર એક કી.મી. સુધી સોલાર પેનલો લગાવી તેમાથી 1 મેગાવોટ વિજળી મેળવી શકાય તેવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેનું આજે મોદીએ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે અમારા આ સોલાર પ્રોજેક્ટ સામે શંકાઓ થતી હતી. કામ અટકાવવાના પ્રયાસો થયા હતા પરંતુ ગુજરાતના લોકોએ આ સ્થાપિત હિતોને જડબાતોડ જવાબ આપી દીધો છે.
કલાઈમેટ ચેન્જનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, મારા માટે કલાઈમેટ ચેન્જને બદલે કલાઈમેટ જસ્ટીસનો મુદ્દો છે. વિશ્વના ગરીબ લોકોને સાંકળી લેતો આ ચિતાનો મુદ્દો છે. કેમ કે ગરીબો કલાઈમેટ ચેન્જની અસરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ગુજરાતમાં સોલાર પાવરમાં 9000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવશે એમ પણ તેમણે કહ્યું હતું.
મોદી સરકારે બનાસકાંઠાના રણ વિસ્તારમાં સૂર્યમાંથી 600 મેગાવોટ વીજળીનો મેગા પ્રોજેક્ટ અમલમાં મૂક્યા બાદ હવે નર્મદાના કેનાલની બન્ને તરફ ખૂલ્લી જમીનમાં સોલાર પેનલો લગાવીને તેમાંથી વીજળી મેળવવાનું કામ આરંભ્યું છે. કડીથી સાણંદ તરફ જતી નર્મદાની કેનાલ પર 1 કિ.મી. લાંબી સોલાર પેનલો લગાવવામાં આવી છે. તેમાથી 1 મેગાવોટ વીજળી મળવાની છે, જે કેનાલ નજીકના ગામડાઓને આપવામાં આવશે.
સત્તાવાર મળતી માહિતી મુજબ, સરકાર નર્મદાની 455 કિ. મી. લાંબી મુખ્ય કેનાલના કિનારે સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવા માંગે છે. આ સોલાર પેનલના છાંયડાથી કેનાલમાંથી પાણીનું બાષ્પીભવન અટકશે અને તે દ્રારા 1 કરોડ લીટર પાણીની બચત થશે.
Reader's Feedback: