વૈશાખનો તાપ ત્રમઝટ બોલાવતો હતો. જમીન પર જુવારનો દાણો નાખ્યો હોય તો ધાણી ફૂટી જાય તેમ જમીન તપીને ત્રાંબાવરણી થઇ ગઈ હતી. પવન નામે પાંદડું પણ ફરકતું નહોતું. આવા ધોમધખતા તાપમા એક વૃદ્ધ લાગતો માણસ ઉઘાડા પગે ચાલ્યો જતો હતો.
ગાડીમાં થોડે દૂરથી જ મારી નજર ગઈ હતી, અને આમપણ કોઈ એકલદોકલ માણસ ચાલ્યો જતો હોય તો ગાડીમાં બેસાડવાની અમારી તૈયારી હતી. તેમાં આ માણસતો સાવ ઉઘાડાપગે ચાલતો હતો! હકીકત પર વિશ્વાસ બેસે તેમ નહોતો. પણ જે હતું તે સામે જ હતું. એટલે વિશ્વાસ કે અવિશ્વાસનો પ્રશ્ન જ પેદા થતો નહોતો.
ઉનાથી અમે તુલસીશ્યામ થઇ અમરેલી આવી રહ્યા હતાં. અમરેલીથી મારે ગાંધીનગર આવવા નીકળવું હતું એટલે એકપ્રકારની ઉતાવળ અને અધીરાઇ પણ હતી. આમ છતાં અમે ગાડી ઊભી રાખી અને તે માણસને ગાડીમાં બેસવા કહ્યું. તે અમારું કહેવું સાંભળ્યું-અણસાંભળ્યું કરીને ચાલતો રહ્યો. અમને નવાઇ લાગી. માણસ ધૂની અથવા માનસિક અસ્થિર લાગે છે. બીજું એ પણ હતું કે કોઈ મશ્કરી પણ કરતું હોય. કારણ કે સાવ અજાણ્યા માણસને આમ લીફ્ટ આપવાનું પસંદ ન કરે.
તે માણસ ગાડીમાં બેસવાના બદલે અવઢવમાં ઊભો રહ્યો. ઉઘાડાં પગ બળતા હશે એટલે ઊંચોનીચો થયા કરતો હતો. ‘બેસી જાવ બાપા, અમારે મોડું થાય છે!’ છતાં પણ તે ખસ્યા કે બેઠાં વગર એમ જ ઊભો રહ્યો.
ગાડી સાવ લગોલગ ઊભી રાખીને પૂછ્યું: ‘કેટલેક જાવું છે!?’ તો કહે: ‘જાવું તો છે તુલસીશ્યામ!’ મેં કાઠિયાવાડી લહેકામાં કહ્યું: ‘તો પછી બેહી જાવ ગાડીમાં ને હાલો અમારી ભેળાં!’
બોલીનો એક પ્રભાવ અને સ્વભાવ હોય છે. સામેની વ્યક્તિ સાથે તેની બોલીમાં વાત કરો એટલે
તેને પોતીકાપણું લાગે, અજાણ્યાપણું દૂર થાય. અને એક વિશ્વાસ ઊભો થાય.
તે માણસ ગાડીમાં બેસવાના બદલે અવઢવમાં ઊભો રહ્યો. ઉઘાડાં પગ બળતા હશે એટલે ઊંચોનીચો થયા કરતો હતો. ‘બેસી જાવ બાપા, અમારે મોડું થાય છે!’ છતાં પણ તે ખસ્યા કે બેઠાં વગર એમ જ ઊભો રહ્યો.
ગીરનું જંગલ બરાબરનું તપ્યું હતું. વળી રસ્તાની બંને બાજુ વૃક્ષોની હારમાળા હતી તેથી પવન નામે ફણગી પણ ફરકતી નહોતી. અસહ્ય બફારો થતો હતો. અમે ગાડીનો કાચ ખોલી આ માણસ સાથે વાત કરતાં હતાં તેથી ગાડીનું એસી તેની કેપેસીટી ગુમાવી બેઠું હતું.
‘ના, મારાથી નો બેહાય!’ અને હજુ અમે સામે સવાલ કરીએ એ પહેલાં જ તેણે કહી દીધું: ‘મારે ઉઘાડાં પગે હાલીને તુલસીશ્યામ જાવાની માનતા છે!’
અમને આખી વાતનો ખ્યાલ આવી ગયો. આ વ્યક્તિની શ્રદ્ધાનો વિષય છે તેમાં કોઈ દલીલ કે સોદાબાજી ન ચાલે. મેં તુરંત જ ગાડી બહાર નીકળી, બે હાથ જોડીને કહ્યું: ‘બાપા! તમારી માનતા પૂરી થઇ. ગાડીમાં બેસી જાવ.’ પછી કશી જ આનાકાની કર્યા વગર ગાડીમાં બેસી ગયાં.
આમ તો અમારે ગીરને માણવી હતી. રસ્તામાં આવતાં વન્યજીવો, નેસડાઓ વગેરે મનભરીને જોવાં હતાં. પણ આ માણસની ઉઘાડાં પગની માનતામાં મને રસ પડ્યો. મેં પૂછ્યું: ‘આમ કેટલેકથી આવો છો?’ તો કહે: ‘તળાજા પાહેનું એક ગામ છે ન્યાંથી હાલીને આવું છું!’
‘કેટલાં દિ’ થયાં આયાં પોગતા!?’
આજે મા-બાપ સાચવવા ભાગ્યે જ કોઈને ગમે છે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાના પ્રશ્નો પેદા થયાં છે. ત્યારે આ માણસ, આ ઉંમરે તેનાં માતાની માનતા પૂરી કરવા નીકળે છે!
‘પુરા ત્રણ દિ..’પછી વાતને ઉમેરતા કહે: ‘રસ્તામાં બે રાત રોકાણો પણ ગામડાંની સરભરા ભારે, મને તો ખાટલે ને પાટલે રાખ્યો!’
‘એટલે તો કહ્યું છે, કાઠિયાવાડનો ખાટલો અને રોટલો મોટો. સાવ અજાણ્યા માણસોને પણ વ્હાલા દીકરાની જેમ સાચવે. જીવરોખી રખાવટ કરે!’ એટલું કહ્યા પછી મેં સીધું જ પૂછી લીધું: ‘કોની માનતા હતી.!?’ ઘડીભર મારાં સામે જોઈ રહ્યાં પછી હળવેક કહે: ‘મારાં માની માનતા હતી.’
મને નવાઇ લાગી. કારણ કે આ માણસ મોટી ઉંમરના લાગે છે તો તેમનાં માની ઉંમર કેટલી હશે!? પણ તેણે સામેથી જ કહ્યું: ‘મા છે એંસી વરહ ઉપરના પણ વરહો પેલાની માનતા હતી. એમને એમ વરહ નીકળતા ગયાં, કોઈ હારે નો ગયું...ને હવે તો હાલી પણ હકતા નથી. મને થયું કે એના જીવતાંજીવ માનતા પૂરી કરી આઉં તો સદ્દગતિ થાય!’
હું વિચારમાં પડી ગયો. આજે મા-બાપ સાચવવા ભાગ્યે જ કોઈને ગમે છે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલવાના પ્રશ્નો પેદા થયાં છે. ત્યારે આ માણસ, આ ઉંમરે તેનાં માતાની માનતા પૂરી કરવા નીકળે છે!
તુલસીશ્યામ આવ્યું એટલે ગાડી ઊભી રાખી. તેમણે નીચે ઉતરી ભાડું દેવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું: ‘ભાડાં માટે નહોતા બેસાડ્યા, આ રૂપિયા મંદિરમાં ધરી દેજ્યો!’
આજના શ્રવણને મનોમન વંદન કરી અમે આગળ નીકળ્યા.....
RM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: