બાબરીયાવાડના ભચાદર ગામને ચારેબાજુથી ભરડો લઇ સરકારી,દરબારી અને સુલતાની એમ ત્રણ થરી ગિસત ઘેરો ઘાલીને ઊભી છે. ગઢનાં કોઠે બહારવટીઓ દેહવાળો અને સાથી ટોળકી સંતાણી છે. રાત પણ ઓછી ઉતરવા માંગતી ન હોય તેમ અંધકારનો ઘેરો ઘાલીને ઊભી છે. હાથ પડ્યો હાથ સૂઝે એમ નથી. માત્ર બંધુકોની ધણધણાટી અને તેમાંથી ઝરતાં તણખા સિવાય સઘળું કાળુંધબ છે.
અમરેલીતાબેના વરસડા ગામનાં દરબાર દેહવાળાની ટોળકી ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે. હવે બચવાનો કોઈ આરો-ઓવારો રહ્યો નથી. તેથી મરણિયો જંગ ખેલી રહ્યાં છે.
દેશી બંધુકને વારંવાર ભરવાથી તેનાં નાળચા એવા તો ધગી ગયા છે કે, જતાં તેમાં દારૂ ધરાબવા જાય ત્યાં જ ભડકો થઇ જાય છે. દારૂ ભરનાર કોળી જુવાન મરદનું ફાડીયુંને માથે બે બાચકા. તેનાં હાથ દાઝવા છતાં ઉંહકારો કર્યા સિવાય બંધુકો ભર્યે જાય છે. આમ ને આમ બેય હાથ કોણી લાગી દાઝી ગયા. માંસનાં લોચા નીકળવા લાગ્યાં છતાંય છેલ્લીઘડી લગી તે અટક્યો નહિ અને ધીંગાણા માટે આમ કામ કરતો રહ્યો.
આમ તો રામ વરુ અને ઉનડ જાદવ વચ્ચે હેતપ્રીત બહુ, એકબીજાને ઠઠ્ઠા-મશ્કરી કરવાનો વહેવાર. તેથી કસુંબો અને વાતોના રંગમાં ઠઠ્ઠા-મશ્કરી ક્યારે કરવાં લાગ્યાં તેનો કોઈને ખ્યાલ રહ્યો નહિ.
ત્રણ જાતની ગિસત, સામટા માણસો અને પૂરતો સરંજામ એટલે દેહાવાળાની કારી ફાવી નહિ અને તેઓ ધીંગાણામાં કામ આવી ગયા, મોતને ભેટ્યા.
સવાર થતાં જ ફોજના માણસો દેહાવાળાના દેહને લેવા માટે આવ્યા. જોયું તો એક લવરમૂછીયો જુવાન મોતની મીઠડી નીંદરમાં પોઢી ગયો હતો પણ તેનાં બંને હાથ કોણી સુધી સળગી ગયા હતાં. જોનારા સૌ દંગ થઇ ગયા. તેની ભાળ મેળવી તો ખબર પડી કે,કોઈ કોઇ કોળીનો જણ છે !
# # # #
લુણસાપુરમા જાદવ સાખે ઉનડ નામે એક કોળી પટેલ રહે. તેનો રોટલો અને રખાવટ જબરી. બાબરીયાવાડનું નાક કહેવાય. ભલભલા મનેખ ઉનડને ત્યાં મહેમાનગતિનો લ્હાવો લઇ આવ્યાં છે. કોઇ માણસ તેનાં આંગણેથી ભૂખ્યું ન જાય. આમ તેનો રોટલો પ્રાચીથી લઈ છેક પીપાવાવ સુધી વખણાતો હતો.
એકવખત કાગવદર ગામનાં દરબાર રામ વરુ લુણસાપુર નીકળેલા. થયું કે, આમ નીકળ્યો છું તે ઉનડને ત્યાં રોટલો ખાતો જાઉં, કસુંબા પાણી કરતો અને કરાવતો જાઉં!
પણ ઉનડ જાદવ ઘેર નહોતા તે રામ વરુ તેમની વાડીએ ગયા. રામ વરુને પોતાની વાડીએ આવેલા જોઈ ઉનડ જાદવ રાજીના રેડ થઇ ગયાં. મન ભરીને આવકાર્યા. પછી તો, કસુંબાની ખરલો ઘૂંટવા લાગી, ઠુંગા-પાણીની ઠોર જામી અને વાતડીયુંનાં હિલ્લોળા વછૂટવા લાગ્યાં.
બહારવટીઓ દેહવાળાની ટોળકીમાં બંધુક ભરી દેનાર કોળી જુવાન આ અવળું વેણ સહન ન કરનાર જાજરમાન માતાની કૂંખે પાક્યો હતો.તેમનું ધાવણ ધાવી મોટો થયો હતો.
આમ તો રામ વરુ અને ઉનડ જાદવ વચ્ચે હેતપ્રીત બહુ, એકબીજાને ઠઠ્ઠા-મશ્કરી કરવાનો વહેવાર. તેથી કસુંબો અને વાતોના રંગમાં ઠઠ્ઠા-મશ્કરી ક્યારે કરવાં લાગ્યાં તેનો કોઈને ખ્યાલ રહ્યો નહિ. બરાબર આ ટાણેજ ઉનડનાં ઘેરથી બાઇ-માણસ લાજ કાઢીને ડાયરાથી થોડાક દૂર પસાર થયા.તે ભર્યે પેટ હતાં. સાતમો-આઠમો મહિનો જઈ રહ્યો હતો.
રામ વરુની નજરથી આ અજાણ્યું રહ્યું નહિ. તેમણે સહેજ મોં મચકોડીને કહ્યું : ‘હેં ઉનડ, તુને ભણ્યું કેટલાં વરહ થયાં!?’
ઉનડ જાદવે એમ જ કહ્યું : ‘થયાં હસ્યે, પચાહ પંચાવન !’
‘તે હવે તો હાંઉ કર્ય અને પ્રભુનું નામ લ્યે!’
આખો ડાયરો હસવા લાગ્યો. ઉનડ જાદવને હાડોહાડ લગી આવ્યું. ‘આહાહા..હું આધેડ વયનો છતાંય મારે ન્યાં ઘરવાળીને સારા દિ’ હોય....રામરામ...’ કહેતાં તેમણે મનોમન ગાંઠ વાળી લીધી. પણ ઉનડનાં ઘરવાળાં આ વેણ સાંભળી ગયાં હતાં. તેમને તો જીવવું ઝેર થઇ પડ્યું હતું. ઘેર આવી પાણીનો કોગળો પણ કર્યા વગર અફીણ ઘોળ્યું હતું અને મોત મીઠું કરી ઘરચોળાની લાંબી સોડ તાણી લીધી હતી.
બહારવટીઓ દેહવાળાની ટોળકીમાં બંધુક ભરી દેનાર કોળી જુવાન આ અવળું વેણ સહન ન કરનાર જાજરમાન માતાની કૂંખે પાક્યો હતો.તેમનું ધાવણ ધાવી મોટો થયો હતો. પણ અવળી મતિનાં લીધે આ બહારવટીઆની ટોળકીમાં ભળી ગયો હતો અને આમ ખપી ગયો.
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: