ધોળા દિવસે બહારવટિયો રામવાળો ચલાળા પાસેના માળીલા ગામને ભાંગવાના અભરખા સાથે આવી પહોંચ્યો. પાદર સાવ સૂનું હતું. માણસ નામે ચકલુંય ફરકતું નહોતું. રખે, ગામવાળાઓને ગંધ આવી ગઈ હોય કે, ગામ ભંગાવાનું છે!
ત્યાં ગામધણી લખમણ વાળો ગામનાં પાદરમાં આવીને ઊભા રહ્યાં. જોયું તો..કસાયેલ કાયા, કાયાને ઓપે એવો પોશાક, હાથમાં કાળા મોંવાળી બંધુક અને અરબી ઘોડેસવાર...જાણે કોઈ યમરાજના દરબારમાંથી આવેલો યોદ્ધો જોઈ લ્યો!
રામવાળાએ આપા લખમણવાળાને જોયા અને ભ્રુકુટી ખેંચાણી. સહેજ આક્રોશ સાથે ઉંચા અવાજે કહ્યું: ‘એક ગામ ભાંગવાના સંદેશા મોકલાવો છો ને પાછાં આમ સામે આવીને ઊભા રહો છો!?’
‘હેં...ગામ ભાંગવાનો સંદેશા મેં મોકલાવ્યો!?’ આપા લખમણવાળાનો અવાજ તરડાઈ ગયો. તેમણે કહ્યું: ‘વાળા કુળની અકબંધ આબરુના ધજાગરા બાંધવા છે તે આવી નાપલી વાત કરો છો!?’
‘તો પછી હું ખોટું બોલું છું!?’ રામવાળાનો ચહેરો તપીને તાંબાવારણો થઇ ગયો.
રામવાળાને નિયમ હતો-કોઈ પણ ગામ ભાંગતા પહેલાં શ્રીફળ વધેરવું. અને શ્રીફળ વધેરાઈ જાય પછી કોઇપણ સંજોગામાં ગામ ભાંગવું જ પડે! અહીં શ્રીફળ વધે રાઈ ગયું હતું.
આપા લખમણવાળાએ ચોખવટ કરતાં કહ્યું: ‘મારો દિ’ ફર્યો છે તે મારાં ગામને ભાંગવા માટેના સંદેશા મોકલાવું, મને ખબર હોય તો સૂરજના’રણના સોગન છે!’
કાઠીના દીકરા માટે સૂરજનારાયણના સોગન ખાવા એટલે માથું વધેરી દીધાં જેવી વાત. લોઢે લીટો થઇ જાય. સાવ અંતિમ પગલું કહેવાય.
રામવાળાની મતિ મૂંઝાણી. કારણ કે ખોટી બાતમીના લઈ લીધે આવી જવાયું હતું. હવે શું કરવું? અને બીજું કે, રામવાળાને નિયમ હતો-કોઈ પણ ગામ ભાંગતા પહેલાં શ્રીફળ વધેરવું. અને શ્રીફળ વધેરાઈ જાય પછી કોઇપણ સંજોગામાં ગામ ભાંગવું જ પડે! અહીં શ્રીફળ વધે રાઈ ગયું હતું.
રામવાળાએ કહ્યું : ‘શ્રીફળ વધેરાઈ ગયું છે, મારો નિયમ નો તૂટે...’
સામે લખમણવાળાએ પણ કહ્યું : ‘ મારે પણ નિયમ છે કે, મારા જીવતાજીવ ગામ નો ભંગાય!’
લાલચોળ થઇ આથમવાના આરે ઉભેલા દાદા સૂરજનારાયણને મૂંઝવણ થવા લાગી કે આમાં કોના પક્ષે થવું? સામસામે વજ્ર જેવાં મનેખ, વળી બંનેની અડીયેલ ટેક!
રામવાળાએ જોયું કે આપાના હાથમાં હથિયાર નથી. તેથી કહ્યું: ‘હાથમાં હથિયાર નથી એટલે ઘા નહિ કરું, ક્ષત્રિયતા લાજે!’
સામે આપા લખમણવાળાએ કહ્યું: ‘મારા ગામનાં આવ્યાં ઇ મેં’માન કે’વાય. ઇ બાપનો વેરવી હોય તોય મરાય નહિ...આ વાળા કુળની રીત છે.’
આવું સંભાળીને રામવાળાએ ખડખડાટ દાંત કાઢ્યા. ઘડી પહેલાં જેનાં મોં પર ક્રૂરતાન લોઢ ઉછળતા હતાં ત્યાં હાસ્યની છોળો ઉડવા લાગી.
‘આપે તો ધણીપણું જાળવી જાણ્યું....જ્યાં સુધી કાઠિયાવાડની ધીંગી ધરા પર આપ જેવાં ધણી હશે ત્યાં સુધી રૈયતનો વાળ પણ વાંકો નહિ થાય.’
‘બાપુ !’ રામવાળાએ કહ્યું : ‘આપના નિયમ આગળ મારો નિયમ તૂટી ગયો.’ પછી આગળ ઉમેરીને કહ્યું: ‘ મારે તો ખાતરી કરવી હતી કે વાળાકુળના ગામધણીનું રૈયતપણું કેટલું રહ્યું છે!?’
ઘડીભર પવન પણ થંભી ગયો હતો.
‘આપે તો ધણીપણું જાળવી જાણ્યું....જ્યાં સુધી કાઠિયાવાડની ધીંગી ધરા પર આપ જેવાં ધણી હશે ત્યાં સુધી રૈયતનો વાળ પણ વાંકો નહિ થાય.’
રામવાળાએ ઘોડીને ડચકારી.
‘લ્યો, જે’માતાજી...’ રામવાળાએ સાથીઓને ઈશારો કરતાં કહ્યું : ‘હાલો...’
‘પણ કાઇ છાસ્યું પીધાં કે વાળુ કર્યા વગર થોડું જવાય?’ લખમણવાળાએ કહ્યું: ‘હમણાં રોટલા થઇ જાહે, વાળુ કરતાં વાર કેટલી...!!?’
‘બાપુ!’ રામવાળાએ ઉત્તર આપતાં કહ્યું :‘ મેં’માનગતિ કરવાં નથી આવ્યો, બા’રવટીયો છું ઇ વાત કાં ભૂલી જાવ!’
‘ભલે, ભા...જે’માતાજી...’
ધૂળની ડમરી ઉડાડતી રામવાળાની ઘીસત પહેલીવાર જ ખાલી હાથે પછી ગઈ!
RM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: