
દરબાર અલીગ વાળાએ કહ્યું તે સાંભળી માકબાઇ બે ઘડી વિચારમાં પડી ગયાં. ખડિયો તો મને જ ઘરમાં મુકવા આપ્યો. અને મેં હતો એમ જ પાછો આપ્યો છે.તો પછી રૂપિયાની કોથળી જાય કયાં? માકબાઇ માટે આ એક કોયડો બની ગયો. વળી સામેના માણસની ખાનદાની જોતાં તેમની વાતમાં પણ અવિશ્વાસ રાખવાને કોઈ કારણ નથી.માકબાઇ બરાબરના ધર્મસંકટમા મુકાઈ ગયાં. હવે કરવું ? શું જવાબ આપવો મહેમાનને !?
પણ પળના પા ભાગમાં મેરાણી માકબાઈએ નિર્ણય લઇ લીધોને પછી સાવ હળવેકથી કહ્યું :’ ભાઇ, રૂપિયાની કોથળી મેં લીધી’તી. રાતે એક મજુરીયો માણસ આવ્યો’તો. ઘેર સુવાવડનો ખાટલો હતો, સુવાવડી બાઈને ખવડાવવા ઘરમાં અન્નનો દાણોય નો’તો...કરગરવા લાગ્યો. પણ મારાં પાસે રૂપિયા નો’તા તે તમારી કોથળીમાંથી આપ્યા છે....મારો ગુનો હોય તો માફ કરજ્યો. પણ હમણાંજ રૂપિયાની વે’વસ્થા કરી દઉં છું !’ આમ કહી માકબાઇ ગામમાં ગયાં.
માકબાઇએ એક ઘેરથી ઉછીના રૂપિયા લીધાં. દરજી પાસે ઊભા ઊભા કોથળી સીવડાવી, તેમાં રૂપિયા મુકાયા...ને પાછાં આપતા કહ્યું : ‘લ્યો ભાઇ આ તમારાં રૂપિયા...!’
માકબાઇ ના પડતા રહ્યાં તોય નાનકડા રામના હાથમાં ખણખણતો રૂપિયો આપ્યો. પછી જય માતાજી કહી, ઘોડી પર રાંગ વળવા ગયાં ત્યાં તેમનાં જેવો જ એક અસવાર માકબાઇના ફળિયામાં આવીને ઊભો રહ્યો.
આલીગ વાળો પોતાના દીકરાને ઓળખી ગયાં એટલે નવાઈથી પૂછ્યું :‘ભાઇ, આમ પાછળ કેમ આવવું પડ્યું !?’
આલીગ વાળાના દીકરાએ રૂપિયાની કોથળી સામે ધરીને કહ્યું :‘મારાં બા, રૂપિયાની આ કોથળી ખડિયામાં મૂકતા ભૂલી ગયાં હતાં !’
આમ બન્યું તેથી આલીગ વાળાનો દીકરો પાછળ પગ દબાવતો આવ્યો અને છેક પહોંચી ગયો. પણ સામે આલીગ વાળાની સ્થિતિ કફોડી થઇ પડી.વાઢોતો લોહી ન નીકળે...!
આલીગ વાળાને આખી ઘટના શીરાના કોળિયા માફક ગળે ઉતરી ગઈ, સઘળું સમજાય ગયું. તેમણે માકબાઇ સામે જોયું, જગદંબા જેવી માકબાઇ થોડે દૂર ઊભા મરક મરક હસતાં હતાં.
‘મારી બેન...’ આલીગ વાળા આગળ બોલી શક્યાં નહિ. તેમનાં ગળે ડૂમો બાઝી ગયો હતો.
‘મારા વીરા..!’ માકબાઇ પોરસાઈને બોલ્યા : ‘કાલ સવારે મલકમા વાતું થાય કે, ઘેર આવેલા મેં’માનને એકલી બાઈએ આમ લૂંટી લીધો !’
‘ના..ના.. બેનબા,તુંતો બાપલા સાક્ષાત જોગમાયા છોતારાં માથે કોણ આવાં કલંક ઓઢાડે..!’આલીગ વાળાનુ હૈયું હાથ રહ્યું નહોતું. તેમણે મોં ભરીને કહ્યું : ‘તમે તો મેરકુળની મૂઠી ઉંચેરી આબરુનો નવગજ નેજવો આખા મલક માથે ફરકાવી દીધો.’
આલીગ વાળાએ ખાડિયામાંથી રૂપિયાની કોથળી બહાર કાઢી. પછી અદકા ભાવથી કહ્યું : ‘ લે બેનબા,આ તારાં રૂપિયા પાછાં...’
માકબાઈએ પોતે આપેલી રૂપિયાની કોથળી પછી લીધી.
આલીગ વાળાએ કહ્યું : ‘બેનબા ! મારી જાતરા આયાં પુરી થઇ. અઠ્ઠે જ દ્વારકા..તારાં ચરણ થી પવિત્ર મંદિર બીજે ક્યાં મળશે !’
પછી પોતાના દીકરાએ આપેલી કોથળી માકબાઇ સામે ધરીને કહ્યું :‘બેનબા ! આ મારા તરફથી કાપડું...!’
‘ના..ના..મારાં વીરા, આટલું બધું નો હોય..’
‘હવે કાંય બોલ્ય તો મને મરતો ભાળ્ય...’આલીગ વાળા ગળગળા સાદે બોલ્યા : ‘ જેટલું દઉં એટલું ઓછું છે !’
માકબાઈએ ભાઇનુ કાપડું સમજી કોથળી લઇ લીધી.
આ વિરલ દ્રશ્ય જોવા સૂરજ પણ બમણા તેજથી પ્રકાશવા લાગ્યો.
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: