Home» Shabda Shrushti» Folk Literature» Raghavji madhad folk story about barber

રત્ના પટેલની જીભાન...

Raghavji Madhad | May 28, 2013, 11:25 AM IST
raghavji madhad folk story about barber

(ફાઈલ તસવીર)

અમદાવાદ :

ગાંડીગીરમાં ખાંભા પાસેનું હનુમાનપરા ગામ. ગામમાં આહિર, પટેલ અને થોડું વસવાયુંવરણ વસે. તેમાં ખીમો બાબર કરીને વાતડાહ્યો મનેખ વસે. ખીમો એટલે ગામનો હાથવાટકો. કોઈ વાત કે કામની ના પડે નહિ. જરૂર પડે ગામ આખાને મદદ કરે. ખરા અર્થમાં પારકી છઠ્ઠીનો જાગતલ. તેની ઘરવાળી પણ કામઢી બાઇ. તેમાં કાળને કરવું છે તે ખીમો આધેડવયે ઘરભંગ થયો. ઘરવાળી મૃત્યુ પામી. ખીમો ઘરભંગ થવાથી સાવ ભાંગી પડ્યો. તેથી ગામના લોકોએ તેને સમજાવી ફરી બીજું ઘર કરાવ્યું.

ખીમાના ઘેર દીકરાનો જન્મ થયો. પણ કરમને કરવું છે તે ખીમાના આયખાને લુણો લાગ્યો, પથારીવશ રહ્યો ને પછી દેવલોક પામ્યો. પણ તે પહેલાં તેણે રત્ના પટેલ પાસે ચિંતા વ્યક્ત કરી હતી કે, મારા મૃત્યુ પછી મારા આ નાનકડા દીકરાનું કોણ? તેનાં પાસે કોણ બાલ-દાઢી કરાવશે તે તેનું ગુજરાન કે જીવન વ્યવહાર ચાલશે!? વાત તદ્દન સાચી હતી.

રત્ના પટેલ ગામના પટેલ. આખા ગામનું ધ્યાન રાખે. તેમાં ખીમો તો ગામનો માનીતો માણસ. વળી તેનાં થકી ગામનાં પુરુષોની બાલ-દાઢી થતી હતી. હવે તે નથી એટલે આ સવાલ ઊભો થવાનો તે રત્ના પટેલ જાણતા હતા. આ રત્ના પટેલને એક દીકરો હતો. તે દીકરાને દૂધ બહુ ભાવતું હતું. તેથી તેનાં મૃત્યુ બાદ રત્ના પટેલે દૂધ ન પીવાનું પણ લીધું હતું. તેને યાદ કરતાં રત્ના પટેલે ખીમાના જીવતા કહ્યું હતું કે, મારા દીકરાનાં મોત પછી મેં દૂધ નથી પીધું એમ તારી હયાતી નહીં તો હુ તારા દીકરા સિવાય બાલ-દાઢી નહિ કરાવું. બસ, આ મારું વેણ,વચન છે.

હવે ખીમાનાં મોત પછી તેનો દીકરો આમ સાવ અણસમજુ. તેને હજામત કરવાનું કામ ફાવે નહિ. ગામમાં ગોકીરો બોલી ગયો. લગ્નપ્રસંગે કે ઢગઢગીરાએ બાબર ને કરવાની થતી આવી સેવાચાકરી સૌ પોતપોતાના સગાની થાય તેમ કરવા લાગ્યા હતા. ઘરનો સ્ત્રીવર્ગ મહેમાનોના ભાણા સાચવવા લાગ્યું. બાબરની ગેરહાજરીને આમ ચલાવી લીધી. પણ બાલદાઢીનું શું?
 

વાત તો સાવ કાઢી કે નાખી દીધા જેવી નહોતી. ગામલોકો થાય એવા તો કામ જાતે કરવા લાગ્યા પણ બાલદાઢીનું શું!? એ જાતે કરતાં કોઈને ફાવે કેમ? વળી ગામડાગામમાં આવાં કામો વસવાયાંવરણ વચ્ચે વહેંચાયેલા હતાં.

રત્ના પટેલ ગામવાળા સૌને એક જ વાત કરતા હતા: ‘ભાઈ મેં ખીમાને જીભાન દીધી છે કે તારા દીકરા બચુડા સિવાય હું કોઈ પાસે બાલદાઢી નહિ કરાવું. એટલે મારાથી બીજા કોઈ બાબર પાસે નહિ બેસાય.તમને ઠીક લાગેતો બીજો બાબર લઇ આવો!’

ત્યાં વળી કોઈએ સામે જવાબ આપતાં કહ્યું: ‘અમને બીજો બાબર લાવવાની જરીકેય ઈચ્છા નથી પણ ખીમા દીકરો હજુતો નાનું છોકરું છે. તેનાથી હજામતનું કામ થોડું થાય!?’

‘અને છોકરું મોટું થાય ન્યાં લાગી ગામવાળા બાલદાઢી વધારે!?’ કોઈ માણસે આમ કટાક્ષ કરતાં કહ્યું. ત્યાં વળી બીજા માણસે સાક્ષી પુરાવતા સૂરમાં સૂર પરોવ્યો: ‘ભલેને બાઇ-માણસના જેમ આદમી પણ ચોટલા વાળે!’

વાત તો સાવ કાઢી કે નાખી દીધા જેવી નહોતી. ગામલોકો થાય એવાં તો કામ જાતે કરવા લાગ્યા પણ બાલદાઢીનું શું!? એ જાતે કરતાં કોઈને ફાવે કેમ? વળી ગામડાગામમાં આવાં કામો વસવાયાંવરણ વચ્ચે વહેંચાયેલા હતા. સૌનું કામ સૌ કરે. તેના સાથે આર્થિકવ્યવસ્થા તંત્ર પણ જોડાયેલું હતું તેથી બીજા કોઈ કામ કરે તો, આવા વસવાયાંવરણના પેટમાં પાટું માર્યું કહેવાય. સાદી ભાષામા કહીએ તો બીજાની રોજગારી છીનવી લેવાનું કોઈને ગમે નહિ. ગામડામાં આવા સંસ્કાર સાબૂત હતા.

એક સમયે આવી વાતની વડચડ ચાલતું હશે, રત્ના પટેલ બજારમાં બેઠા હશે અને ત્યાં બરાબર ખીમાભાઈના દીકરા બચુનું નીકળવું...રત્ના પટેલે તરત જ પડકારો કરી તેને બોલાવ્યો: ‘એલા બચુ, આણીકોર્ય આવ્ય..!’
 

બચુડાએ પટેલના વાળ પલાળીને કુણા કર્યા પછી હળવે હળવે અસ્ત્રો ફેરવવા લાગ્યો. પટેલના માથે વાળના ચોટલા વળવા લાગ્યા છતાં બીજા બાબર પાસે હજામત ન કરાવી જીભાન પાળી હતી.

બચુ પાસે આવ્યો એટલે હુકમ કરતાં હોય તેમ પ્રેમથી કહ્યું: ‘બચુડા દીકરા જા, તારા બાપવાળી હજામત કરવાની કોથળી લેતો આવ્ય!’

પછી પટેલે બેસવા માટે ખાટલી મંગાવી. સાથે પાણીની ઝારી અને બોઘરું પણ આવી ગયું. પટેલ કોથળો પાથરીને બેઠા. એટલીવારમાં બચુડો પણ કોથળી લઈને આવી ગયો.

બચુડો પટેલ પાસે સાવ નીચો લાગે, તેનો હાથ દાઢી સુધી આંબે નહિ તેથી તેને ખાટલી પર સામે બેસાડ્યો.

‘લે મારો બાપલિયો મંડ્ય મૂંડવા!’

બચુડાએ પટેલના વાળ પાલળીને કુણા કર્યા પછી હળવે હળવે અસ્ત્રો ફેરવવા લાગ્યો. પટેલના માથે વાળના ચોટલા વળવા લાગ્યા છતાં બીજા બાબર પાસે હજામત ન કરાવી જીભાન પાળી હતી. પછી તો આખું ગામ બચુડા પાસે કામ કરાવવા લાગ્યું હતું.

RM / KP

Raghavji Madhad

Raghavji Madhad

(રાઘવજી માધડ ગુજરાતી લોક સાહિત્યના પ્રખર અભ્યાસી છે. તેઓ ગુજરાતી લોક સાહિત્યની જાણી-અજાણી વાતો અને પ્રસંગોનું નિરૂપણ લોકબોલીમાં જ કરીને પ્રાચીન સાંસ્કૃતિક વારસાથી સાંપ્રત પેઢીને પરિચિત કરાવશે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.15 %
નાં. હારી જશે. 19.21 %
કહીં ન શકાય. 0.63 %