વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ. વાત સાંભળી અરેરાટી કરી જાય...કારણ કે સાધુ-મૂર્તિઓ ભર્યા ભાણા કે પંગતમાંથી પ્રસાદ લીધા વગર ઊભા થાય તે કોઈને ગમતી વાત નહોતી. એક તો કાઠિયાવાડીનો રોટલો મોટો, મહેમાનગતિ વખણાય. વળી, સંત-સૂરાની ભોમકા અહીં કોઈ માણસ ભૂખ્યો જાય તે બને જ નહિ. તેનાં બદલે સાધુ-સંતો આમ પંગતમાંથી બેઠાં થઇ જાય તો હાહાકાર મચી જાય!
જ્યાં સુધી વાતનો ઉકેલ કે નિવેડો ન આવે આવે ત્યાં સુધી મોમાં અનાજનો દાણો ન મૂકાય તેવું સાધુ સમાજનું કહેવું હતું. સૌ આવ્યાં એ જ પગલે ચાલ્યાં જાય તેવી સ્થિતિ હતી.
અમરેલી પાસેના ખાખરીયા ગામમાં ખાખનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાંના પૂજારી, આજી વનઆરાધક પ્રભાતગીરી બાપુનો ભંડારો હતો. બાળુડોવેશ, સાવ નાની ઉંમરમાં ભેખધારણ કરી લીધો હતો. જીવનના ત્રણ દાયકા મહાદેવના ચરણમાં સમર્પિત કરી દીધાં હતાં. ગામની આસ્થાના કોડીયામાં શ્રદ્ધાનુ દિવેલ પૂર્યું હતું. તેથી આજુબાજુ ગામનાં લોકો ગાડાંઓ ભરી-ભરીને ઊમટ્યાં હતાં. તેમાં સાધુ સમાજ પ્રસાદ લેવાની ના ભણીને ઊભો રહ્યો, હવે કરવું શું!?
ખાખરીયા ગામ આમ તો ખોબા જેવડું, પણ તેની શ્રદ્ધા સાગર જેવડી હતી. તેથી બાપુનો ભંડારો રંગે-રળિયાત થાય, અડખેપડખેનાં ગામનાં લોકો પણ આવે, જગ્યાના પ્રાંગણમાં બેસી પ્રસાદ, ભોજન આરોગે ને પછી ભજન થાય તેવી સૌના મનમાં લગન હતી. આમ પણ ભજન અને ભોજનનો મહિમા વિશેષ રહ્યો છે. પણ ત્યાં આ વાત અટકીને ઊભી રહી અને જાણે કોમળ મનનાં માનવીના કાળજે કરવત મૂકાઈ!
સાધુ-સમાજની એક જ વાત હતી કે, આ જગ્યાના હવે ઉત્તરાધિકારી કોણ એ નક્કી કરો પછી અમે પ્રસાદ લઈએ! આમ તો પરંપરા મુજબ વાત તદ્દન વાજબી હતી.
વાતનો નિવેડો લાવવા કોઈએ કહ્યું: ‘બાજુના ગામમાંથી કોઈને આ જગ્યાના ઉત્તરાધિકારી બનાવી દઈશું!’
વખત હાલ્યો જતો. પંગત પડી ગઈ હતી. તુરંત નિવેડો ન આવે તો દસ હજાર જેટલા ભાવિકો ભોજન લીધાં વગર ચાલ્યાં જાય તેમ હતાં અને આમ બને તો કાઠિયાવાડની ઉજળી પરોણાગત માથે પાણી ફરી વળે તેમ હતું.
‘ના..’ સાધુ-સમાજે ઘસીને ના પાડી. અને કહ્યું :‘આ જૂના છે, બોલો...છે કોઈ જૂના અખાડાનો સાધુ!?’
જૂના અખાડાના કોઈ સાધુ નહોતા. વળી બાપુને કોઈ શિષ્ય પણ નહોતા. તેઓ શિષ્યપરંપરામા માનતા નહોતા.
ગ્રામજનોને આમાં વધારે રસ હતો. એક તો ગામની શ્રદ્ધાનું કેન્દ્ર, વળી ગામની વચ્ચોવચ જગ્યા જેથી કોઈ યોગ્ય ઉત્તરાધિકારી આવે તો જગ્યાની ગરિમા અને ગામની શ્રદ્ધા જળવાઈ રહે.
કોઈ સાધુએ ઊંચા અવાજે કહ્યું: ‘તમે નક્કી કરો નહિંતર અમે અમારા અખાડામાંથી કોઈ મૂર્તિને જગ્યા સોંપી દઈએ!’
બળવંતગીરી બરાબર જીવનની મઝધારે આવીને ઊભા રહ્યા. લોકોનું જે થવું હશે તે થશે પણ પોતાની લીલીછમ જિંદગીનું શું? આ સવાલ અસ્થાને નહોતો. લોકો પોતાનું પહેલાં વિચારતા હોય છે.
આ દરખાસ્ત પણ ગ્રામજનોને ગમી નહિ. વખત હાલ્યો જતો. પંગત પડી ગઈ હતી. તુરંત નિવેડો ન આવે તો દસ હજાર જેટલા ભાવિકો ભોજન લીધાં વગર ચાલ્યાં જાય તેમ હતાં અને આમ બને તો કાઠિયાવાડની ઉજળી પરોણાગત માથે પાણી ફરી વળે તેમ હતું.
આ વાત સાધુ-સમાજના પ્રમુખ ગોપાલાનંદ પાસેથી તેમનાં નાના ભાઈ બળવંતગીરી પાસે ગઈ, જે સદ્દગત બાપુના પૂર્વાશ્રમ, પૂર્વજન્મના નાના ભાઈ થાય. ગામલોકોને પણ આ વાતમાં રસ જાગ્યો.
હજુ તો યુવાનીએ પગરવ કર્યો ત્યાં, ભેખ લેવાની વાત!!? આ અલ્લડ યુવાને જિંદગીની તડકી-છાંયડી જોઈ નથી. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો છે....જીવનનું રંગીલાપણું પૂરબહારમાં છે ત્યાં જીવનની તમામ માયા સંકેલી ભગવા પહેરી લેવાનાં!? આ કેમ બને!!?
હવે કરવું શું? બળવંતગીરી બરાબર મૂંઝવણ અનુભવવા લાગ્યાં. થયું કે, નથી પહેરવો ભેખ..તો સામે પછી મોટાભાઈના જીવન આખાના ભજનનું શું? ગામની શ્રદ્ધાનું શું? અને એ બધાં કરતાં અત્યારે ગામનાં પાદરમાંથી આટલું મનેખ ભૂખ્યું જાય તેનું શું???
બળવંતગીરી બરાબર જીવનની મઝધારે આવીને ઊભા રહ્યા. લોકોનું જે થવું હશે તે થશે પણ પોતાની લીલીછમ જિંદગીનું શું? આ સવાલ અસ્થાને નહોતો. લોકો પોતાનું પહેલાં વિચારતા હોય છે. પણ જાણે ઘડીના છઠ્ઠાભાગમાં તેઓએ નિર્ણય જાહેર કરી દીધો અને સૌની વચ્ચે કહી દીધું: ‘હું ભેખ પે’રૂ છું...’
અને આ નિર્ણય સાથે જ હરખનાં વધામણાં કરતાં હોય તેમ, હરીહરનો સાદ પડ્યો અને સૌ સાધુ-સંતો પ્રસાદ આરોગવા લાગ્યાં....
RM / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: