Home» Shabda Shrushti» Folk Literature» Raghavji madhad folk story about darbar ram vala

વાહ બાપુ, તમારી દિલાવરી..!

Raghavji Madhad | April 22, 2013, 12:16 PM IST

અમદાવાદ :

નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી. ‘કયું ગામ આવ્યું?’ અંદરથી એક રૂઆબદાર અવાજ આવ્યો.       

‘બાપુ, કવિરાજ ગગુભાનું સનાળી ગામ છે !’

‘તો પછી ગગુભાને સમાચાર આપો, નહિતર તેમનો ઠપકો સંભાળવો પડશે- ઘેર આવ્યા વગર નીકળી ગયા !?’

હાલ અમરેલી જિલ્લાના બગસરા પાસેનું હડાળા આમ તો સાવ ખોબા જેવડું રજવાડું, પણ તેની સુગંધ ચોમેર પ્રસરેલી. સત, ધરમ અને સાહિત્યની વાતો વડલો. તેમાં લીલા શાખના ચારણ કવિ ગગુભા તેમજ મોંઘેરા મહેમાન કવિ કલાપી અને દરબાર વાજસુર વાળા સાથે ડાયરો જામે.

ગગુભા ક્યારેક આગ્રહ કરીને કહે, ‘બાપુ, અમારે ત્યાં તો કો’ક દી’ મે’માન થાવ! અમારી ઝૂંપડી પાવન કરો!’

આમ વખતોવખત ચાલે પણ આજે મોકો મળી ગયો. દરબાર રામવાળા પોતાના ગામના પાદરે પધાર્યા છે...વાત સાંભળતા તો ગગુભાએ ઉઘાડાપગે દોટ દીધી. અને ‘પધારો, પધારો મારા અન્નદાતા ...આજે ચકલીના માળે ગરુડ પધાર્યાં!’

દરબાર હસવા લાગ્યા.

‘આપ પધાર્યા અને અમારે જાણે સોનાનો સૂરજ ઉગ્યો!’ગગુભાના આવકારમાં નરી લાગણી નીતરવા લાગી.

‘કવિરાજ !’ દરબારે કહ્યું : ‘આપના આવકારને સમજુ છું પણ મોડું થયું છે એટલે રોકાવાય એમ નથી. પણ અહીંથી નીકળ્યો એટલે થયું કે ગગુભાને મળતો જાઉં!’

‘મને ગરીબને આમ યાદ કર્યો, ધન્યભાગ અમારા..’ ગગુભા હર્ષાવેશમાં આવીને કહે: ‘પણ રાતની રેણ રોકતા જાવ..’

‘આપનો આવો આગ્રહ છે તો, ચા-પાણી પીવડાવી દ્યો બસ...’

ગગુભાએ મન મનાવી લીધું. એકબીજાના ખબરઅંતર પૂછ્યા, ચા-પાણી પીધાં. પછી સાવ ધીમેકથી દરબારે ગગુભાને પૂછ્યું :‘ઓણ સાલ દાણો-પાણીનું કેમ છે!?’

‘ઠીક છે...’ ગગુભાએ સાવ નબળો જવાબ આપ્યો.

થોડી વાતો થયા પછી દરબારે ગગુભાના ઘેરથી રજા લીધી. પણ એક બાબત તેમના મનમાં ઘર કરીને બેસી ગઈ હતી. થયું કે, એવું તો નહિ હોય ને!

પોતાના ગામ હડાળા આવ્યા ત્યારે મોડી રાત થઇ ગઈ હતી. આમ છતાં દરબારને રાતે ઊંઘ ન આવી. કવિરાજ ગગુભાના વિચારો જ મનમાં ઘૂમ્યા કરતા હતા.

સવારે ઊઠીને દરબારે સૌથી પહેલું કામ એક હુકમ કરવાનું કર્યું. ‘ખારી ગામનો વજે, સનાળી ગામે મોકલી દ્યો!’

દરબારનો હુકમ થતાં જ વજે-ઘઉંનાં ગાડાં જે બગસરા ગામે મોકલવાનાં હતાં તે સનાળી ગામે મોકલવા સાબદાં કરવામાં આવ્યાં. સાથે પસાયતા ભેગી એક ચિઠ્ઠી પણ મોકલવામાં આવી.

મૂઠ્ઠી ફાટી જાય તેવાં સારા, દેશી ઘઉંનાં ગાડાં નાનકડા એવાં સનાળી ગામના પાદરમાં આવીને ઊભાં રહ્યાં. ત્યાં ગગુભાને બોલાવવામાં આવ્યા.

‘લ્યો, ગગુભા! બાપુએ ચકલા માટે ચણ મોકલાવ્યું છે...’ પસાયતાએ ગર્વભરી નજરે ગગુભા સામે જોઇને ઉમેર્યું : ‘સાંભળી લ્યો, દાદો સૂરજનારાયણ આપે છે તે....’

દરબારનું આવું કહેણ અને ચિઠ્ઠીમાં લખેલા શબ્દો ગગુભાને વસમા લાગ્યા. મનોમન ક્ષોભ પણ થયો.–દરબારે પોતાને લાલચુ તો નહિ સમજ્યો હોય ને! તેમના આળા મનમાં વિચારોનું વંટોળ ઊપડ્યું. ‘બાપુ! મેં તો અમથા કીધું’તું કે ચકલીના માળે ગરુડ પધારો. આપની મોટપ માટે મેં ગરુડની ઉપમા આપી હતી. પણ આપ મને તો ખરેખર ચકલી સમજી બેઠા !’

ગગુભાની ડોક ટટ્ટાર થઇ ગઈ.મનમાં કેટલાય વિચારો ઘુમરી લેવા લાગ્યા.

‘કે પછી, દાણો-પાણીનું કેમ છે..એવું બાપુએ પૂછ્યું અને મેં સામે સાવ ફિક્કો, નબળો જવાબ આપ્યો હતો એટલે....!’

ગગુભાને કોઈ રીતે મનનું સમાધાન થતું નથી.

-ચકલી ચણ વગરની તો નહિ હોય ને, એટલે કે કવિરાજના ઘરમાં અનાજનો દાણો ન હોય અને છોકરાં ભૂખ્યાં હોય...

અને કુદરતી ગગુભાના અંતરમાંથી જ અવાજ પ્રગટ્યો : ‘ એટલે તો જ..’

‘વાહ મારા અન્નદાતા, વાહ તમારી દિલાવરી...!’ આમ કહેતાં ગગુભાની આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં.

RM / KP

Raghavji Madhad

Raghavji Madhad

(રાઘવજી માધડ ગુજરાતી લોક સાહિત્યના પ્રખર અભ્યાસી છે. તેઓ ગુજરાતી લોક સાહિત્યની જાણી-અજાણી વાતો અને પ્રસંગોનું નિરૂપણ લોકબોલીમાં જ કરીને પ્રાચીન સાંસ્કૃતિક વારસાથી સાંપ્રત પેઢીને પરિચિત કરાવશે.)

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.15 %
નાં. હારી જશે. 19.21 %
કહીં ન શકાય. 0.63 %