દરબારસાહેબનો હુકમ સંભાળતા તો ઇજારદારના હાંજા ગગડી ગયાં.તેનાં પંડ્યમાંથી પ્રાણ નીકળી ગયાં અને રહ્યું માત્ર જીવતું જાગતું ખોળિયું!
કારણ કે દરબારસાહેબનો હુકમ એટલે લોઢે લીટો, એક વખત હુકમ થયો એટલે તેનો અમલ થવો જ જોઈએ. તેમાં આ તો તડીપારનો હુકમ, રાજ તો છોડવું જ પડે. ઈજારદાર આફતમાં આવી ગયાં. અને હવે શું કરવું, તેની ચિંતા કરવા લાગ્યાં.
ઢસા રાજ્ય વ્યસનમુક્ત રહે તે માટે ગામમાં આવી વ્યસનયુક્ત વસ્તુ વેચવાનો ઈજારો આપવામાં આવતો હતો. જેથી ચોક્કસ વ્યક્તિ જ નિયમની મર્યાદામાં રહી આવી વસ્તુઓનું વેચાણ કે વેપાર કરી શકે. ગામમાં બીડી વેચવા માટેનો ઈજારો અપાયેલો પણ કાયદાનું ઉલ્લંઘન થતાં દરબાર ગોપાલદાસે ઇજારદારને તડીપારની સજા ફરમાવેલી. સજા કરતાં પૂર્વે તેઓએ જાત તપાસ કરેલી. તથ્ય જણાતાં સજા કરાઇ હતી.
ઈજારદાર માટે ગામ છોડવું પડે એ તો વસમી વાત હતી. આ સિવાયની સજા હોત તો એક હરફ પણ ઉચ્ચાર્યા વગર ભોગવી લેત. તેમણે હિંમત કરીને દરબાર આગળ વિનંતી કરી હતી: ‘નામદાર! મારી ભૂલ થઇ ગઈ મને માફ કરો.’ પણ દરબાર પીગળ્યા નહોતા.
રાજમાં ખિતાબો આપવામાં આવે છે અને આવાં ખિતાબધારીઓને ખાસ સત્તાઓ આપવામાં આવેલી હોય છે. તેમને મળો તો તમારી વાતનો નિવેડો આવી શકે.
ઇજારદાર કોચવાતા મને ઘરવખરી ભરવા લાગ્યાં હતાં. ત્યાં કોઈએ સલાહ આપી કે, રાજમાં ખિતાબો આપવામાં આવે છે અને આવાં ખિતાબધારીઓને ખાસ સત્તાઓ આપવામાં આવેલી હોય છે. તેમને મળો તો તમારી વાતનો નિવેડો આવી શકે. ઇજારદારને થયું કે ગામ છોડવાનું જ છે તો એક વખત વાત કાને નાખવામાં શું વાંધો છે, વાગે તો તીર નહિતર તુક્કા બીજું શું!?
દરબારસાહેબ તરફથી નૂર, દીપક, રંજન, પુષ્પ અને ભૂષણ જેવાં ખિતાબો આપવામાં આવતા હતાં. આ ખિતાબથી વિભૂષિત વ્યક્તિઓ જરૂર પડ્યે પોતાને આપયેલી સત્તાનો રાજ સામે ઉપયોગ કરી શક્તિ હતી.
‘ઢસાનૂર’નાં ખિતાબધારી ખીમાભાઈ પટેલને ઇજારદારની વાત ગળે ઉતરી ગઈ હતી. તેમને થયું કે, દરબારસાહેબે ફરમાવેલી સજા ગેરવ્યાજબી તો નથી પરંતુ ગુનાના પ્રમાણમાં વધારે પડતી છે. ખીમાભાઈ દરબારને મળ્યાં. વાત કરી. દરબારે કહ્યું: ‘મેં તમોને સંભાળ્યા પણ મારો હુકમ અફર છે. તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થઇ શકે નહિ.’
‘પણ બાપુ !’ ખીમાભાઈએ કહ્યું :‘કીડીને કોશનો દમ દેવાય ગયો છે.’
‘તમને સજા વધારે પડતી લાગતી હોય તો ઓછી કરો !’દરબારે કહ્યું.
‘સજા ઓછી કરાવવા તો અહીં આવ્યાં છીએ, બાપુ..’
દરબારે કહ્યું : ‘મારી સજા અફર છે.ઓછી કરવી હોયતો તમારા વિશેષાધિકારનો ઉપયોગ કરો.’
ખિતાબધારીઓ મૂંઝાયા. થયું કે સજા ઇજારદારને નહિ પણ પોતાને થઇ છે. ધર્મસંકટ આવીને ઉભું રહ્યું. ગળ્યું ગળી શકાય નહિ અને છોડી પણ શકાય નહિ.
રાજ્યમાં લોકો વ્યસનમુક્ત રહે, તંદુરસ્ત જીવન જીવે તે માટે આવા વ્યસનોને પોષે તેવા જાહેર વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ઈજારો આપવામાં આવે તે વ્યક્તિ જ આવી વસ્તુઓનું વેચાણ કરી શકે. અન્ય કોઈ કરે તો રાજ્યનો ગુનેગાર ગણાય.
રાજ્યમાં લોકો વ્યસનમુક્ત રહે, તંદુરસ્ત જીવન જીવે તે માટે આવા વ્યસનોને પોષે તેવા જાહેર વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ઈજારો આપવામાં આવે તે વ્યક્તિ જ આવી વસ્તુઓનું વેચાણ કરી શકે. અન્ય કોઈ કરે તો રાજ્યનો ગુનેગાર ગણાય. આ ગુનેગારની સજા પ્રજાની આંખ ઉઘાડનારી હોવી જોઈએ. એટલે દરબારસાહેબે ઇજારદારને દાખલારૂપ સજા ફરમાવી હતી.આ વાત આખું ગામ પેટભરીને સમજતું હતું. પણ ઇજારદારના પસ્તાવાનો પ્રજાજનને ખ્યાલ આવવો જોઈએ. તેમાં સજાનો મૂળભૂત ઉદ્દેશ્ય સમાઈ જતો હતો. હવે સજા ઓછી થાય તો વાંધો નહિ અને જે થઇ છે તે પ્રમાણમાં વધારે સજા થઇ છે એવું ઈજારદારો સમજતા હતાં.
-સામે દરબારસાહેબ મક્કમ હતાં. તેમનાં હુકમમાં બાંધછોડ કરવા માંગતા ન હતાં.
એકબાજુ દરબાર અને બાજી બાજુ સજા, ત્રાજવે તોળાવા લાગી હતી. સામે પ્રજાજનની નજર હતી કે ત્રાજવું કઈ બાજુ નમે છે! તેમાં ત્રીજું પાસુ ઉમેરાયું હતું, ખિતાબધારીઓના વિશેષધિકારનું! હવે થશે શું!?
ખિતાબધારીઓ બરાબર કસોટીની એરણ પર ચઢ્યા હતાં. જો પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને, સજામાં ઘટાડો કે સજા માફ કરાવેતો કદાચ દરબારસાહેબને માઠું લાગે. ભલે કશું બોલે નહિ પણ મનમાં તો થાય કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. વળી અંતે તો રાજા, વાજાંને વાંદરા.....ક્યારે ફરી બેસે તેનું કહેવાય નહિ!
ના કહેવાય કે સહેવાય તેવી મૂંઝવણ હતી.
(વધુ આવતા અંકે)
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: