(પ્રતીકાત્મક તસવીર)
અમદાવાદ :વખુંભર વડલા જેવા ગઢની ઊંચી પડથાર પર કસુંબલ ડાયરો જામ્યો છે. હથેળી જેવા શાખપુર ગામના ગિરાસદાર આપા શાર્દુલ ખુમાણ, મોં પરની પૂળો પૂળો મૂછોને ફરકાવતાં બેઠા છે. સામેની બેઠક પર લૂમઝૂમતાં ગિરાસના ધણી, પાલીતાણાના ઠાકોર સાહેબ પ્રતાપસિંહ મહેમાનપદે બિરાજમાન છે.
આપા શાર્દુલ અને ઠાકોર વચ્ચે મીઠા વીરડા જેવી હેતાળવી ભાઈબંધી છે. બંનેનો જાણે એક જ ભાણામાં હાથ...પ્રાણ એક, ખાલી ખોળિયાં જ નોખાં. જેમ દૂધ અને સાકરને બને, એવું જ બને. અદકા હેતની સરવાણીઓ ફૂટે!
અને એટલે જ તો શાખપુરનો ગિરાસ આપ્યો હતો. નહિતર તો, ગિરાસમાં બળબળતાં બપોર જેવું, પરદેશી બાવળને બથમાં લઇ ઊભેલું એક ઈટાળિયા ગામ જ હતું. પરંતુ ભાઈબંધીના નાતે, સાચા મોતીની માળા જેવા ગિરાસમાંથી, માળાના મેર જેવું શાખપુર ગામ આપા શાર્દુલને આપ્યું. તે તેમનો સુવાંગ ભોગવટો કરે.
આમ જુઓ તો આ ગિરાસ એટલે વાટકીમાં શિરામણ જેવું લાગે. પણ આપાનું દિલ દરિયા જેવું હતું. ભારે દિલાવર. કોઈ અજાણ્યો જણ આવે તો મીઠો આવકારો આપે, ભૂખ્યાને જમાડે, ગરીબ-ગુરબાને નિરાશ કરીને ઠાલા હાથે પાછા ન કાઢે. યથાશક્તિ મદદ કરે.
આપા શાર્દુલની આવી સુવાસના લીધે તેમની ડેલીએ એક આવે અને બે જાય, બે આવે અને ચાર જાય...મહેમાનોની કતારો થવા લાગી. છેવટે આપાએ દાળ-રોટલા આપવાનું સદાવ્રત શરૂ કર્યું. અખંડ રસોડું ધબકવા લાગ્યું અને આપાની ઉજળી આબરૂ પરગણામાં પંકાવા લાગી.
આ વાત ઠાકોર પ્રતાપસિંહના કાને આવી અને જાણે અજાણ્યે પણ મનમાં એક જાતની ચિનગારી ચંપાઈ ગઈ. રજવાડાની ભીતરનો રંગ મેલો થવા લાગ્યો. આ લાગ જોઈ પાલીતાણાના કારભારીએ ઠાકોરની કાન-ભંભેરણી કરતાં કહ્યું :‘બાપુ! આપ તો સો ગામના ધણી છતાંય આપા શાર્દુલની નામના વધારે!?’
ઠાકોરને કારભારીની વાતમાં થોડું તથ્ય લાગ્યું. તેથી કારભારીએ સીધી ને સટ વાત કરતાં કહ્યું: ‘બાપુ, આતો આપણું નાકવઢું કે’વાય, દાળ-રોટલાનું સદાવ્રત બંધ કરાવો...’
કારભારીની વાત શીરાના કોળિયા જેમ ઠાકોરના ગળે ઊતરી ગઈ. મિત્રતાની શીળી છાંયડી પર આકરો તાપ તપવા લાગ્યો. દિલના ઊંડાણમાં ઈર્ષાની કૂંપળો ફૂટવા લાગી.
ઠાકોર મહેમાની કરવાના બહાને શાખપુર આપા શાર્દુલ પાસે આવ્યા. ઠાકોરને આમ જોતાં જ આપા શાર્દુલ તો અછોઅછો વાનાં કરી, પ્રાણ પાથરવા લાગ્યા. મહેમાનગતિમાં સહેજ પણ કચાશ ન રહે, ઊણપ ન આવે તેની કાળજી જાતે લેવા લાગ્યા. આમ છતાં ઠાકોરના મોં પર ખુશી કે આનંદના જે ભાવ કળાવા જોઈએ તે કળાતા નથી. એકજાતનું ભારણ વરતાય છે.
આપા શાર્દુલની ચકોર દ્રષ્ટિમાં ઠાકોરની આ ઝાંખપ અછતી રહી નહિ. તેઓ કંઈક હોવાનો વહેમ પામી ગયા. છતાં સમસમીને રહ્યા. પણ પછી ઝાઝો વખત જીરવાયું નહિ એટલે સામેથી પૂછ્યું: ‘કાંઇ કહેવું છે ભા..!?’
‘હા, આપા શાર્દુલ!’ ઠાકોરે સામે જવાબ આપતાં કહ્યું: ‘કહેવું તો છે પણ મન ચોરાય છે.’
‘મન શા સારું ચોરાય? કહી દ્યોને કે’વું હોય ઈ....!’
ઠાકોરે કહ્યું: ‘આપા! મારું વેણ રાખો તો વાત કરું!’
‘ભાઈબંધી પરથી ભરોસો ઊઠી ગયો છે તે, વેણ રાખવાની વાત કરો છો? કહેતા હો તો માથું ઉતારી દઉં, પાલીતાણા નરેશ!’ આપા શાર્દુલની નક્કર અને મુલાયમ વાત આખા ડાયરામાં છવાઈ ગઈ. ડાયરો મોં વકાસીને બંને સામે જોઈ રહ્યો.
‘મારું વેણ રાખીને આ દાળ-રોટલાનું સદાવ્રત બંધ કરી દ્યો!’ મનમાં કીડીના જેમ ચટકા ભરતી અને પેટમાં કીડાની જેમ ખદબદતી વાત એકદમ મોંથી વછૂટી ગઈ.
ઠાકોરનું આમ કહેવું સાંભળી, સંભાળનારા સૌ વિચારમાં પડી ગયા. પણ આપા શાર્દુલે એક પળનોય વિલંબ કર્યા વગર કહ્યું: ‘આપ કહેતા હો તો આજથી જ દાળ-રોટલાનું સદાવ્રત બંધ! આપના વેણથી વિશેષ શું હોય!?’
આપા શાર્દુલનું આમ કહેવું સાંભળી આખો ડાયરો ને ડાયરાના દરબારીઓ કાળાંથણક થઇ ગયા. કસુંબલ કેફનો નશો ઊતરીને તળિયાઝાટક થઇ ગયો.
કોઈ મનમાં બોલ્યું: ‘આપાને આ શું કમત્ય સૂઝી તે દાળ-રોટલો બંધ કર્યો! કેટલાય ભૂખ્યા-દુખ્યા આંતરડી કકળાતાં નિસાસા નાખીને પાછા જાશે!’
અંદરોઅંદર થતી વાતોને બેઉ બરાબર સાંભળે છે પણ વેણ આપી દીધું હવે બીજું બોલાય નહિ.
આપા શાર્દુલે વાતને બરાબર વિચારી લીધી, મનોમન નાણી પણ લીધી.
પછી કહે : ‘ઠાકોરસાહેબ, આપના કહેવા મુજબ આજથી દાળ- રોટલો બંધ અને હવે...’
‘અને હવે શું !?’ કોઈએ મમરો મૂકતાં પૂછ્યું.
તો કહે, ‘ઘી નીતરતી લાપસી આપીશ, બસને ઠાકોરસાહેબ...!’
ઠાકોરસાહેબથી અનાયાસે બોલાય ગયું : ‘વાહ આપા શાર્દુલ તમારી દિલાવરી, વાહ...!’
પછી તો આપા શાર્દુલે જીવ્યા ત્યાં સુધી ઘીમાં લસલસતી લાપસીનું સદાવ્રત ચાલુ રાખ્યું હતું.
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: