સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચૂક્યો હતો. લોકજુવાળનાં વહેણ ધસમસવા લાગ્યાં હતાં. આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ,જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યા હતા. કોઈને માનવામાં ન આવે તેવી બાબત હતી. કારણ કે કોઈ રજવાડી મનેખ કે ખુદ રાજા, જેમના હાથમાં સત્તાનાં તમામ સૂત્રો હોય તે આમ સ્વતંત્રતાની ચળવળમાં શા માટે જોડાય!? પણ આધુનિક વિચારસરણી ધરાવતાં દરબાર ગોપાલદાસ આ લડતમાં જોડાયા હતા.
તે વખતે યોજાયેલ ‘કાઠિયાવાડ રાજકીય પરિષદ’માં ગોપાલદાસ એક સામાન્ય માણસની જેમ જોડાયા હતા. સભાને સૌની સાથે બેસીને સાંભળી હતી.
લોકમાન્ય તિળકના અવસાન બાદ ગાંધીજીએ દેશ સમક્ષ સ્વરાજ ફાળા માટે એક કરોડ રૂપિયાની ટહેલ નાખી હતી. તેમાં ગુજરાતને ફાળે દસ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ખુદ ગાંધીજી આ ફાળો ઉઘરાવવા માટે સભા કરતા હતા.
સભામાં હાજરી આપવા ગાંધીજી જે ટ્રેનમાં આવવાના હતા ત્યાં માનવમેદની ઊમટી હતી. ગોપાલદાસ પણ ટ્રેનમાં હતા. આ જ ટ્રેનમાં ગોરા અમલદાર એજન્ટ ટુ ધી ગવર્નર મિ. મોસે આવ્યા હતા.
આ સ્વરાજ ફાળા માટે તા.09-06-1921ના રોજ વઢવાણ કેમ્પમાં જાહેરસભા યોજાઈ હતી. આ સભામાં હાજર રહેવાની ગોપાલદાસની તીવ્ર ઈચ્છા હતી. પણ પોતાના તાલુકાનું મંત્રીમંડળ ના પાડીને કહેતું હતું કે, આપ ન જાવ તો સારું. કારણ કે આપ એક રાજવી છો! પણ એમ સમજાવ્યા સમજે તો ગોપાલદાસ શેના!?
છેવટે મંડળના સભ્યોએ સંમતિ દર્શાવીને કહ્યું: ‘આપ જાવ પણ ફાળામાં રકમ નહિ નોંધાવો તેવું મને વચન આપો.’
સામે ગોપાલદાસે કહ્યું: ‘ભલે મારું વચન છે, ફાળામાં રકમ નહિ નોંધાવું.’
આ સભામાં હાજરી આપવા ગાંધીજી જે ટ્રેનમાં આવવાના હતા ત્યાં માનવમેદની ઊમટી હતી. ગોપાલદાસ પણ ટ્રેનમાં હતા. આ જ ટ્રેનમાં ગોરા અમલદાર એજન્ટ ટુ ધી ગવર્નર મિ. મોસે આવ્યા હતા. તેમણે દરબાર ગોપાલદાસને જોયા અને નવાઈ પામીને પૂછ્યું: ‘આપ અહીં કેમ!?’
‘ગાંધીજીનું સ્વાગત કરવા આવ્યો છું.’ ગોપાલદાસે નિર્ભિકતાથી કહ્યું: ‘આજે સાંજે તેમની જાહેરસભા છે. ગાંધીજીનું ભાષણ અદભુત હોય છે. આપને ય આવવા નિમંત્રણ આપું છું.’
મિ. મોસે ‘થેન્ક્સ’ કહીને ચાલતી પકડી.
ગાંધીજી વઢવાણમાં શિવલાલ ખીમજીને ત્યાં ઉતર્યા હતા. શિવલાલ ગાંધીજીના ભાષણનો જાદુ બરાબર જાણતા હતા. તેથી તેમણે ઘરનાં સ્ત્રીવર્ગને ઘરેણાં ન પહેરી સભામાં આવવા કહ્યું હતું. અને પોતે રૂપિયા ૫૦૦ નોંધાવશે તેવું મનોમન નક્કી કરેલું. પણ ગાંધીજીનું ભાષણ સાંભળ્યા પછી શિવલાલે રૂપિયા એક લાખનો ફાળો નોંધાવ્યો હતો.
સભામાં બેઠેલા ગોપાલદાસ વિચારે છે કે, શું કરવું? એક બાજુ ફાળો નોંધાવવાની પ્રબળ ઈચ્છા અને બીજી બાજુ ફાળો ન આપવા મંડળને આપેલું વચન. દરબાર ખરા ધર્મસંકટમાં મુકાયા.
સભા પૂરી થયા પછી ઝોળી ગાંધીજી સમક્ષ ખાલી કરવામાં આવી. ઝોળીમાંથી રૂપિયા સાથે ચાંદીની બેડી પણ નીકળી. ગાંધીજી બે ઘડી વિચારમાં પડી ગયા. વળી બેડી હાથમાં લઈ ફેરવી ફેરવીને જુએ છે. ‘આવી ચાંદીની બેડી નાખનાર કોણ હશે, અને તે શું કરવા સભામાં આવે!?’
વળી ગાંધીજીનું ભાષણ જ એવું હતું કે કાળમીંઢ પથ્થર પણ પીગળીને ફાળો નોંધાવવા તૈયાર થઇ જાય. ત્યાં ફાળા માટેની ઝોળી ફરતી ફરતી પોતાના સામે આવી. ઘડીભર વિચાર કરી પછી દરબાર ગોપાલદાસે પોતાના પગમાં હતી તે બેડી કાઢીને ઝોળીમાં નાખી દીધી!
સભા પૂરી થયા પછી ઝોળી ગાંધીજી સમક્ષ ખાલી કરવામાં આવી. ઝોળીમાંથી રૂપિયા સાથે ચાંદીની બેડી પણ નીકળી. ગાંધીજી બે ઘડી વિચારમાં પડી ગયા. વળી બેડી હાથમાં લઈ ફેરવી ફેરવીને જુએ છે. ‘આવી ચાંદીની બેડી નાખનાર કોણ હશે, અને તે શું કરવા સભામાં આવે!?’ પછી સભામાં જાહેરાત કરાવી: ‘આ બેડીની ભેટ આપનાર સ્ટેજ પર આવે.’
કોઈ સ્ટેજ પર આવ્યું નહિ તેથી ફરીવાર જાહેરાત કરવામાં આવી. અને છેવટે દરબાર ગાંધીજી પાસે સ્ટેજ પર આવ્યા. ઓળખાણ આપી. ગાંધીજીએ દરબાર ગોપાલદાસની પીઠ થાબડીને ધન્યવાદ આપ્યા.
ગાંધીજીના સ્પર્શમાત્રથી દરબારની જીવનશૈલી બદલાવાની હોય તેવા જાણે શપથ લેવાયા!
દરબાર ઢસા આવ્યા.તેઓને ખબર જ હતી કે મંત્રીમંડળના મિત્રો વચન ભંગ કર્યાનો પોતાના પર આરોપ મૂકશે. અને એમ જ બન્યું.
‘દરબારસાહેબ,આપે આપેલા વચનનો ભંગ કર્યો છે.’
‘વચન! વચન તો રાજા-મહારાજા આપે...હું થોડો રાજા-મહારાજા છું..તે...’આમ કહી તેઓ મરક મરક હસવા લાગ્યા.
‘ના, એમ હસવામાં વાતને ઉડાડી ન દ્યો દરબાર સાહેબ!’
‘અરે ભાઈ, મેં વચનભંગ કર્યો જ નથી. મેં ઝોળીમાં રાતી પાઇ પણ નાખી હોય તો કહો!’
સૌ એકબીજાનાં મોં સામે જોઈ રહ્યાં. ત્યાં મર્માળુ હસીને દરબાર ગોપાલદાસે કહ્યું: ‘મેં ઝોળીમાં બેડી નાખી હતી. ફાળો ક્યાં નોંધાવ્યો હતો!’
સૌ એક સાથે હસવા લાગ્યા.
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: