જામનગરમાં ખંભાળિયા તાલુકાના પીપરીયા, ભાડથર, વીરમદડ તેમજ જુના તથીયા અને નવા તથીયા ગ્રામપંચાયતોની આગામી તા.૧૫/૪ના રોજ યોજાનાર ચુંટણીમાં તા.૩૧/૩ના રોજ ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે ગ્રામપંચાયતની તમામ બેઠકો ઉપર મહિલાઓને બિનહરીફ કરવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના નવા તથીયા ગ્રામ પંચાયત આખેઆખી બીન હરીફ થવા જઇ રહી છે. આ ગ્રામપંચાયતમાં સાતેસાત સભ્યો તરીકે મહિલાઓ બિનહરીફ ઘોષિત થશે અને ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે પણ મહિલા આરૂઢ થશે. આમ સાત વોર્ડમાં તમામ મહિલાઓ સભ્ય તરીકે અને આઠમા મહિલા સરપંચ બનશે.આ ઉપરાંત પીપરીયા ગ્રામપંચાયતમાં પણ અન્ય કોઇ ફોર્મ ન ભરાતા આખે આખી ગ્રામપંચાયત સરપંચ સહિત બિનહરીફ થશે. હવે ભાડથર, વીરમદડ અને જુના તથીયા ગ્રા.પં.ની ચુંટણી યોજાશે.
ગઈ કાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હતી અને તા.૩ના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. મળતી માહિતી મુજબ જુના તથીયા ગ્રામપંચાયતના તમામ સાત વોર્ડની બેઠક બિનહરીફ થશે જ્યારે સરપંચપદ માટે ત્રણ ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું છે. તા.૧૫/૪ના રોજ ઇ.વી.એમ. દ્વારા મતદાન થશે અને તા.૧૭/૪ના રોજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી થશે. નવા તથીયા ગામના મહિલા સરપંચ તરીકે આહિર હીરીબેન રાજશી પીંડારીયા ઘોષિત થશે. આમ, આખેઆખી ગ્રામપંચાયતનું શાસન મહિલાઓ સંભાળશે.
જ્યાં પંચાયતીરાજની સ્થાપના બાદ કદી ચૂંટણી થઇ નથી:
તાલુકાની પિપરિયા ગ્રામ પંચાયત આખેઆખી બિનહરીફ જાહેર થશે. આ ગામની વિશેષતા એ છે કે આઝાદી બાદ આ ગામમાં ક્યારેય ચૂંટણી થઇ નથી!! પીપરીયા ગ્રામપંચાયતના સરપંચ તરીકે ૧૯૪૮થી સ્વ. પુનાભાઇ ખેરાજભાઇ અને ત્યારબાદ ૧૯૬૫થી સ્વ. જીવાભાઇ ખેરાજભાઇ અસ્વાર (બંને ભાઇઓ છે) શાસન સંભાળતા હતાં ત્યારે હવે સ્વ. જીવાભાઇના પુત્ર માલદે જીવાભાઇ સરપંચ તરીકે વહીવટ સંભાળશે.
Reader's Feedback: