Home» Opinion» Economy» Weekly commodity review by kalpesh sheth 31 03 14

કોમોડિટી કારોબારની સાપ્તાહિક સમિક્ષા

Kalpesh Sheth | March 31, 2014, 11:46 AM IST
weekly commodity review by kalpesh sheth 31 03 14

મુંબઇ :

ટી-૨૦ એટલે ટૂંકી ગેમ અને ભરપૂર મનોરંજન...આયોજકોને મહત્તમ વળતર અને ખેલાડીઓની ઓછા સમયની કારકીર્દી. બાંગ્લાદેશમાં ચાલતા વર્લ્ડકપમાં  ભારતીયો સેમી ફાઇનલમાં પહોંચી ગયા. આ એજ ટીમ છે જે છેલ્લા ઘણા સમયથી વિદેશની ધરતી પર સીરીઝ જીતવાની તો દૂર એકાદ મેચ જીતવાની પણ ક્ષમતા દેખાડતી નહોતી. શોર્ટ ટર્મ ટેમ્પરામેન્ટ પળવારમાં બાજી બદલી નાખતો હોય છે. આપણા ક્રિકેટરોનો ટેમ્પરામેન્ટ જે રીતે બદલાયો તે જરીતે શેરબજાર, કરન્સી અને બુલીયનનાં વેપારમાં  પણ ટેમ્પરામેન્ટ બદલાયો છે. જેના મૂળમાં  તો રૂપિયા જ છે. જેવા ચૂંટણી પરિણામો આવશે અને ન કરે નારાયણ અને ત્રિશંકુ લોકસભા રચાય તો જેવા વિદેશી રોકાણકારો પોતાનું ધિરાણ ઘટાડે કે શેર બજાર પણ બકરી થઇ જાય. વિતેલા સપ્તાહમાં  કોમોડિટીનાં વેપારમાં પણ વૈશ્વિક પરિબળોનાં કારણે બુલીયન ઘટ્યુ હતુ.  અંતે તો રૂપિયાના ખેલ છે બધા..! આજ રૂપિયાની ખેંચનાં  કારણે મરચા તથા જીરા જેવા હાજર બજારોમાં  વિતેલા સપ્તાહમાં  ભાવ તુટ્યા પણ હતા.

વિતેલુ અઠવાડિયુ બુલીયનનાં  ભાવમાં ચાર થી છ ટકા જેટલુ મોટુ ગાબડુ પાડી ગયુ છે. ભારતમાં ભાજપાની સરકાર રચાવાનાં  મૂડીઝનાં  વરતારા ઉપરાંત અમેરિકાનાં કન્ઝયુમર સ્પેન્ડીંગનાં  આંકડામાં ૦.૩ ટકાનો સુધારો, બચતનાં દરમાં ૪.૩ ટકાનો સુધારો, અને ડોલર સામે રૂપિયો ૬૦ ની સપાટી તોડીને નીચે જતા સોના-ચાંદીનાં  ભાવ ઘટ્યા હોવાનું  નિષ્ણાંતો જણાવે છે. ફેડરલ ચેરપર્સન યેલીન સાલ ૨૦૧૫માં વ્યાજ દર વધારવાની સંભાવનાં વ્યક્ત કરે છે. જે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવી વાત છે, વિદેશી રોકાણકારો પણ ચૂંટણીઓમાં  ટૂંકાગાળાનો  લાભ લેવા આવ્યા હોય એવુ બને. હાલમાં  ભારતમાં સોનાનાં ભાવ છેલ્લા પાંચ માસની નીચી સપાટીએ છે. સ્થાનિક પ્રિમીયમમાં  પણ ઘટાડો નોંધાયો છે.

સ્પાઇસીસ સેક્ટરમાં વિતેલા સપ્તાહમાં મરચાનાં ભાવમાં પા‘ચ ટકા જેટલો જ્યારે જીરામાં એક થી બે ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. ગુંટૂર મંડીમાં  સપ્તાહ દરમિયાન દૈનિક સરેરાશ ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ બોરી મરચાની આવકો નોંધાઇ હતી. પણ માર્ચ એન્ડીંગનાં  કારણે બજારમાં  સખત નાણા ભીડ જોવા મળે છે. માલની આવકો ઘટતી નથી, સામાન્ય રીતે નિકાસનાં વેપારો જુલાઇમાં શરૂ થતા હોય છે, તેના માટે સ્ટોકિસ્ટોની થોડી ખરીદી હાલમાં થતી હોય છે પણ આ વખતે હજુ સ્ટોકિસ્ટોની ખરીદી પણ દેખાતી નથી. પરિણામે મરચામાં રોકાણ કરનારાઓ વિતેલા સપ્તાહમાં  રાતે પાણીએ રોયા છે. જીરામાં એકંદરે નિકાસ વધારે હોવા છતા માલનો બોજ અને નાણા ભીડ ભાવને પકડી રાખે છે. નવા નાણાકીય વર્ષનાં આવવાની વેપારીઓ રાહ જુએ છે.

કોટન કોમ્પ્લેક્ષમાં  કપાસ, કપાસિયા તથા ખોળમાં વિતેલા સપ્તાહમાં  એકંદરે લેણનાં વેપારમાં  સૌને એક થી ત્રણ ટકાનો માર સહન કરવો પડ્યો. માર્ચ માસનાં  અંત સુધીમાં ૨૯૭ લાખ ગાંસડી ગોડાઉન થઇ ચુકી છે, જેમાંથી ૫૬ લાખ જેટલી ગાંસડી હજુ અનસોલ્ડ છે,  સ્વાભાવીક રીતે જ આ અનસોલ્ડ સ્ટોકનો બોજ છે બાકી હોય તો ચાઇના ફેક્ટરે બાજી બગાડી છે. મળતા અહેવાલો પ્રમાણે ચીન પાસે હજુ જુની ગાંસડીનો મોટો સ્ટોક પડ્યો છે. આ સ્ટોક ક્લીયર કરવા અને ઇકોનોમી પર વિદેશી હુંડિયામણનો લોડ ઘટાડવા ચીન સરકારે રૂ ની આયાત પર નિયંત્રણો વધુ કડક કર્યા છે. ગત સાલ સુધી જુનો ત્રણ ટન રૂ નો સ્ટોક વાપરનારને એક ટન આયાતની પરવાનગી હતી, પણ આ વખતે ચીનની સરકારે ચાર ટને એક ટન આયાતની નીતિ જાહેર કરી છે. એકંદરે ભારતમાં  રૂ ની આવક તથા જાવકનાં  આંકડા જોઇએ તો એક્સપોર્ટ તથા સ્થાનિક વપરાશ મળીને કુલ ૩૭૫ લાખ ટન રૂ ની ખપત સામે જુનો સ્ટોક, આયાત  તથા સ્થાનિક ઉપજ ગણીને કુલ ૪૧૧ લાખ ગાંસડી ઉપલબ્ધ છે.

ઓઇલ સીડ સેક્ટરમાં  એક માત્ર એરંડામાં  વિતેલા અઠવાડિયામાં રોકાણકારોને બે થી ત્રણ ટકાનો નફો નસીબ થયો હતો. મથકોએથી મળતા સમાચારો પ્રમાણે મિલરોનું  બાઇંગ ભાવને ટકાવી રહ્યુ છે, મંડીઓમાં  વિતેલા અઠવાડિયામાં  પણ સરેરાશ દૈનિક ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી.

ગુવારમાં  લાંબા સમય બાદ રોકાણકારોને તેજીનાં વેપારમાં બે ટકાનું વળતર નસીબ થયુ હતુ.  ભાવ વધવા પાછળનુ કારણ આવકોમાં  ઘટાડો હોવાનું  નિષ્ણાંતો જણાવે છે. આંકડા જોઇએ તો રાજસ્થાનમાં હોળી પછીના અઠવાડિયે એક અઠવાડિયામાં ૨૨,૦૦૦ ટન ગુવાર સીડની આવકો નોંધાઇ હતી. જ્યારે દેશભરની કુલ આવકો ૪૮,૩૮૮ ટનની હતી. જયારે વિતેલા અઠવાડિયામાં રાજસ્થાનમાં  માંડ ૯૮૦૦ ટન અને દેશભરમાં કુલ ૧૫,૩૦૦ ટન ગુવારસીડની આવકો નોંધાઇ છે. મિલરોને કારખાના ચલાવવા માલ જોઇતો હોવાથી બજાર થોડું ઉંચકાયુ હોવાનું  હોલસેલરો જણાવે છે.

DP

Kalpesh Sheth

Kalpesh Sheth

લેખક બિઝનેસ ક્ષેત્રનાં વરિષ્ઠ પત્રકાર છે. અને કોમોડિટી માર્કેટનો બહોળો અનુભવ ધરાવે છે.

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %