
મેળાનાં ચગડોળમાં બેઠેલો માણસ જ્યારે ઉપર જાય ત્યારે તેનો રોમાંચ ચરમસીમાએ હોય અને નીચે આવે ત્યારે આનંદ ઓછો થઇ જાય, આમ છતા તેને ઊપર-નીચે તો થવુ જ પડે. આવી જ રીતે જીતેલા નેતાને ક્યારેક તો સત્તા છોડવાની જ છે અને તેજીનાં ચગડોળે ચડેલી ગમે તે કોમોડિટીને મંદીમાં આવવાનું જ છે. પાછલા સપ્તાહ સુધી મંદીમાં રહેલી સોના-ચાંદી, કપાસિયા તથા કપાસિયા ખોળ જેવી જણસો ફરી તેજીનાં ચગડોળે ચડી હતી. આ ઉપરાંત એરંડાનાં વેપારમાં રોકાણકારોને ચારેક ટકા જેટલુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ.
અમેરિકામાં હમણા વ્યાજ દર નહી ઘટવાનાં સંકેત તથા યુક્રેનનાં દેખાવોએ બજારની રૂખ તો ગત સપ્તાહે જ બતાવી હતી. એમાં વળી યુક્રેનની દુખતી નસ પર હાથ મુકતા હોય તેમ રશિયાએ રીતે ક્રુડ તેલનાં કરારનાં લેણા રૂપિયા ચુકવવાની તાકિદ કરતા રોકાણકારો સલામત રોકાણ તરફ વળ્યા હતા. ગુરૂવારે નાસ્ડેકમાં અઢી વર્ષનું સૌથી મોટુ ગાબડુ બુલીયનની ચમક વધારવામાં સફળ રહ્યુ હોવાનું મનાય છે. અમેરિકન શેરબજારમાંથી પાછી ખેંચાયેલી મુડીનું રોકાણ અચાનક કોમેક્સ તરફ વળતા વૈશ્વિક બજારમાં પણ સોના - ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીમાં એક જ દિવસમાં ૧૦૦૦ રૂપિયાનો તેજીનો ઉભરો નીચા મથાળે રોકાણ કરનારાઓને લોટરી જેવુ વળતર આપી ગયો. એસ.પી.ડી.આર ગોલ્ડ ટ્રસ્ટ ઇ.ટી.એફ ફંડમાં સપ્તાહનાં પ્રારંભે ગોલ્ડનાં હોલ્ડીંગમાં ૨.૭ ટનનો ઘટાડો થતા સૌને ભાવ તુટવાની આશા જન્મી હતી, પણ બજારનાં અન્ય પરિબળોએ બુલીયનમાં સુરક્ષિત રોકાણની તરફેણ કરી હોવાથી બજાર તેજી તરફી ગયુ હોવાનું નિષ્ણાંતો જણાવે છે. આગામી સપ્તાહે ચીનની ખરીદી અને યુક્રેનની કટોકટી બજારની દિશા નક્કી કરશે.
ક્યારેક નીચલી હરોળનાં બેટઘરોની આક્રમક બેટીંગ ટીમનું પરફોર્મન્સ સુધારતી હોય છે. કોટન કોમ્પ્લેક્ષમાં વિતેલા સપ્તાહમાં આવુ જ કાંઇક જોવા મળ્યુ. ઉનાળાનું જોર વધતા જ ઉત્તર ભારત તરફથી કપાસિયાનાં ખોળની માગમાં સતત વધારો જોવા મળ્યો છે. ખોળની માંગ વધવાના કારણે મિલરોને ભલે ગાંસડી કે તેલમાં વધારે વળતર ન મળતુ હોય પણ ખોળમાં પડતર થતી હોવાથી કપાસિયાનાં ભાવ પણ ઉંચકાયા હતા. પરિણામે કપાસિયા તથા કપાસિયા ખોળનાં રોકાણમાં ઇન્વેસ્ટરોને બે થી અઢી ટકા જેટલુ વળતર નસીબ થયુ હતુ. ગત સાલ દેશમાં ૮૦ થી ૮૫ લાખ ટન કપાસિયા ખોળનું ઉત્પાદન થયુ હતુ. જે આ વખતે ૮૫ થી ૯૦ લાખ ટને પહોંચવાનો અંદાજ છે. જોકે ખોળની તેજીની ચિનગારી હજુ સુધી ગાંસડી કે કપાસ સુધી પહોંચી નથી. જો આવુ થશે તો તેજી લંબાશે એમ જીનરો જણાવે છે.
તેલ તથા તેલીબિયામાં વિતેલુ સપ્તાહ બેતરફી રહયુ. સોયાતેલનાં ભાવ નીચા હોવા છતા સોયાબીન તથા સોયાખોળમાં રોકાણકારોને સરેરાશ બે ટકા સુધીનો નફો મળ્યો હતો. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે મંડીઓમાં સોયાબીનની આવકો સતત ઘટી રહી છે. લગભગ કુલ ઉત્પાદનનો ૫૦ ટકાથી વધારે માલ ક્રશ થઇ ચુક્યો છે. હજુ નવો માલ આવવામાં સાત મહિના બાકી છે, વૈશ્વિક બજારોમાં આગામી ચોમાસામાં અલનીનોનો ખતરો હોવાનાં સમાચારો કેન્દ્ર સ્થાને છે જો આમ થાય તો આગામી સિઝનમાં પાક ઘટી શકે છે. આ અનુમાને બજાર વધ્યુ હોવાનું મિલરો જણાવે છે.
બીજીતરફ એરંડામાં વિતેલા સપ્તાહમાં લેણનાં વેપારમા સૌને ત્રણ થી ચાર ટકાનું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ. ઉત્તર ગુજરાતમાં વિતેલા સપ્તાહમાં એરંડાની આવકો સરેરાશ દૈનિક ઐક લાખ બોરી થી વધારે નોંધાઇ હતી. જે માર્ચનાં છેલ્લા સપ્તાહ સુધી ૬૦,૦૦૦ બોરી જેટલી રહેતી હતી. હોલસેલરો જણાવે છે કે હાલમાં આવકોની પીક સિઝન શરૂ થઇ ગઇ છે તેથી માલનો બોજ ભાવ દબાવી રહ્યો છે. લેવાલી સ્થિર છે. જેથી આગામી દિવસોમાં પણ આવકો જ બજારની દિશા નક્કી કરશે.
થોડા લાંબા ઇન્ટરવલ બાદ ગુવારસીડ તથા ગમમાં ભારે વધઘટ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન ભાવ પર મંદીવાળાની પક્કડ હતી. પણ ટી-૨૦ માં જેમ છેલ્લી ઓવરમાં મેચ ઝુંટવાઇ જાય તેમ શુક્રવારે અચાનક આવેલા ઉછાળાનાં કારણે મંદીવાળાની કમાણી ધોવાઇ ગઇ હતી. મંડીઓમાં વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ૩૦,૦૦૦ બોરી ગુવારની આવકો નોંધાઇ હતી.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: