
કોંગ્રેસવાળા આજકાલ મુંઝાયેલા છે કારણકે તેમને હાર સામે દેખાય છે, મોદી મુંઝાયેલા છે કારણકે સંઘ પરિવારનાં મોવડીઓ માત્ર તેમના ગુણગાન ગાવાની ના પાડે છે, કેજરીવાલ મુંઝાયેલા છે કારણ કે ઉતાવળમાં તેમનાથી મિડીયાને જેલમાં નાખવાનું નિવેદન થઇ ગયુ છે, જેમને ટિકીટ નથી મળી તેવા મુરતિયા પણ હવે શું કરવુ એ બાબતે મુંઝાયેલા છે, જેમને ટિકીટ મળી છે તેઓ હવે કેવી રીતે મતદારોને રિઝવવા એ મુદ્દે મુંઝાયેલા છે તો અમેરિકા મુંઝાયેલુ છે કારણ કે ગત અઠવાડિયે તેના કપાસ તથા સોયાબીનનાં બે મોટા એક્સપોર્ટ ઓર્ડર કેન્સલ થયા છે. પરિણામે વિતેલા સપ્તાહે એડિબલ ઓઇલ કોમ્પ્લેક્ષ, કોટન કોમ્પ્લેક્ષ તથા સ્પાઇસીસ સેગ્મેન્ટમા રોકાણકારો રાતા પાણીએ રોયા છે. જોકે સ્વીટનર સેગ્મેન્ટે ફરી સૌનાં મોંમાં મિઠાશ ભરી છે અને સોના-ચાંદીએ સોનેરી વળતર આપ્યા છે.
બુલીયનનાં વેપારમાં રોકાણકારોને વિતેલા સપ્તાહમાં બે થી ત્રણ ટકાનું વળતર નસીબ થયુ હતુ. જેના માટે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ચીનના ઉત્પાદન, ઇન્વેસ્ટમેન્ટ તથા રીટેલ વેચાણનાં આંકડા નીચા આવ્યા, અમેરિકાનાં શેરબજારમાં ગાબડા દેખાયા અને યુક્રેનનું ભુત ફરી ધુણતુ દેખાયુ. જેના પરિણામે સોનાનું એટ્રેક્શન વધ્યુ હતુ. વિશ્વનાં સૌથી મોટા ગોલ્ડ ઈ.ટી.એફ ટ્રસ્ટ એસ.પી.ડી.આર. ખાતે ૮૧૬.૫૯ ટન સોનું જમા થયુ છે, જે માત્ર એક જ અઠવાડિયામાં ૧૧.૫૦ ટનનો વધારો સુચવે છે. કોપરમાં પડેલા ગાબડા પણ વૈશ્વિક અનિયમીતતાનાં સંકેત આપે છે.
ખાંડમાં એક્સપોર્ટ ઇન્સેન્ટીવ જાહેર થયા બાદ વેપારીઓનાં માનસ બદલાઇ ગયા છે. હવે સરવાળે નિકાસનાં વેપારમાં પડતર થતી હોવાથી સૌને લાભ દેખાય છે. બ્રાઝિલનું દુકાળ ફેક્ટર પણ તેજીનાં સંકેત આપે છે. વૈશ્વિક બજારમાં પણ સુગરનાં ભાવ ચાર મહિનાની ઉપલી સપાટીએ પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ગોળવાળાનો શરાબી વ્યવસાય પણ પુરજોશમાં છે, પરિણામે તેઓ શેરડી ઉઠાવી રહ્યા છે. ચૂંટણીઓ સુધી તો બજાર મક્કમ જ રહેશે એવુ નિષ્ણાંતો જણાવે છે.
કપાસ, કપાસિયા તથા ખોળમાં સૌને બે થી માંડીને પાંચ ટકા સુધીનું નુકસાન સહન કરવુ પડ્યુ. કલ્યાણ એટલે કે વી-૭૯૭ કપાસમાં સાડા સાત લાખ ગાંસડીનાં ઉત્પાદનનાં અંદાજ આવે છે, લાંબાતારનાં રૂ માં અત્યાર સુધીમાં ૧૭૫ લાખથી ૨૦૦ લાખ ગાંસડી ગોડાઉન થઇ ચુકી છે. બાકી હોય તો વૈશ્વિક બજારમાં તુર્કી તથા વિયેટનામનો ૩૫,૦૦૦ ગાંસડીનો ઓર્ડર કેન્સલ થતા અમેરિકાનાં ગળે માલ સલવાયો છે. તેથી વૈશ્વિક બજારમાં સનસનાટી મચી છે. વિયેટનામની નીતિ સ્પષ્ટ નહી થાય ત્યાં સુધી વૈશ્વિક રૂ બજાર હાલકડોલક રહેશે. કપાસિયાનાં ખોળમાં પણ સામાન્ય રીતે આ સમયગાળો દર વર્ષે માગનાં અભાવે મંદીનો હોય છે. જે મે માસ પછી દિશા બદલશે.
તેલ તથા તેલિબીયામાં પણ વિતેલા સપ્તાહમાં રોકાણકારોએ લાખનાં બાર હજાર કર્યા, સ્થાનિક સ્તરે સોલવન્ટ એક્સ્ટ્રેકર એશો.એ જાહેર કરેલા આંકડા પ્રમાણે ફેબ્રૂઆરી માસમાં ખાદ્યતેલોની આયાત જાન્યુઆરી માસની તુલનાએ ૩૫ ટકા જેટલી ઘટી છે. ગત સપ્તાહે દિલ્હીમાં થયેલી કોઇટની (સી.ઓ.ઓ.આઇ.ટી) કોન્ફરન્સમાં આ વખતે ભારતમાં સરસવનું ઉત્પાદન ૭૨.૨૫ લાખ થવાનાં અહેવાલોને સમર્થન મળ્યુ છે, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં હવામાન સુધરતા હવે સરસવની આવકો વધશે. પરિણામે સરસવમાં વિતેલા અઠવાડિયામાં પાંચ થી છ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીજીતરફ ચીને બર્ડફ્લ્યુનાં રોગચાળાનાં કારણે છ લાખ ટન સોયાબીનની આયાતનો અમેરિકા તથા દક્ષિણ આફ્રિકાનો ઓર્ડર કેન્સલ કર્યાનાં સમાચાર આવ્યા છે. આ કન્સાઇન્મેન્ટની ડિલીવરી આગામી બે માસમાં કરવાની હતી. એરંડામાં આવકોનાં જોર અને બજારની નાણા ભીડનાં કારણે વિતેલા અઠવાડિયામાં ભાવ ચાર ટકા સુધી ઘટ્યા હતા.જ્યારે સરેરાશ દૈનિક ૬૦,૦૦૦ બોરીની આવકો નોંધાઇ હતી.
આ વખતે નવી સિઝનમાં જીરૂ, હળદર તથા મરી થોડા સસ્તા મળે એવુ લાગે છે. વિતેલા અઠવાડિયામાં જીરાનાં વેપારમાં રોકાણકારોને છ થી આઠ ટકા સુધીનું નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. ઓણ સાલ જીરાનો પાક ૨૦ ટકા વધારે આવવાનું અનુમાન તો પહેલેથી જ છે. પાછલા સપ્તાહે ઉંઝા યાર્ડમાં સરેરાશ દૈનિક ૪૫,૦૦૦ બોરીની આવકો નોંધાઇ હતી, હાલમાં પડેલા તડકાનાં કારણે ભેજ સુકાતા જોધપુર પંથકમાં હોળી પછી એકાદ સપ્તાહમાં નવા માલની ૫૦૦૦ બોરીની આવકો પણ શરૂ થઇ જશે. સ્ટોકિસ્ટો અને નિકાસકારો સમયની રાહ જોઇ રહ્યા છે.
KS/DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: