
દેશમાં લોકસભાની ચૂંટણીઓ હવે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. કેટલાએ મોટા માથાનાં ભવિષ્ય દાવ લાગ્યા છે. પણ હવે મતદાર પણ શાણો છે, જે નેતાએ મતદારની અપેક્ષા સંતોષી હશે તે જીતશે નહીતર ગમે તેટલી મોટી બ્રાન્ડ પણ ધોવાઇ જશે. આમેય તે હવેનો જમાનો જરૂરિયાત આધારિત છે. કોમોડિટીનાં રોકાણકારો પણ જે જણસ પોતાની જરૂરિયાત પુરી કરે તેમાં મુડી લગાવી રહ્યા છે. તેથી જ વિતેલા સપ્તાહે ચણા, મરચાં, કપાસિયા ખોળ અને કપાસિયા જેવી કૃષિ પેદાશો લાઇમ લાઇટમાં હતી. આ કોમોડિટીઓમાં રોકાણકારોને અચાનક બે થી ત્રણ ટકા વળતર નસીબ થયા હતા. જ્યારે સોના-ચાંદી તથા કોપર જેવી કોમોડિટી પોતાની બ્રાન્ડ પ્રમાણે પરફોર્મન્સ કરવામાં નિષ્ફળ રહી હતી.
ચણા વિતેલા સપ્તાહમાં ટોપ પરફોર્મર કોમોડિટી રહી હતી. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે સપ્તાહ દરમિયાન ચૂંટણીનાં માહોલ વચ્ચે આવકો ઘટી ગઇ હતી. અને ખેડૂતો માલ ૩૦૦૦ રૂપિયાથી નીચા ભાવે વેચવા તૈયાર પણ નહોતા. સામા પક્ષે મિલોની ખરીદી ચાલુ રહેતા ભાવ ઉંચકાયા હતા. રાજસ્થાન સરકાર પણ ચણાની ખરીદી શરૂ કરી રહી હોવાનાં અહેવાલ મળતા હોવાથી ખેડૂતો નીચા ભાવે માલ કાઢવા તૈયાર નહોતા. કારણ કે સરકારી ટેકાનાં ભાવ ૩૧૦૦ રૂપિયા છે. જેથી આ ભાવ કરતા નીચા ભાવે વેપારીને વેચવા કરતા સરકારને ચણા વેચવાનું સૌ પસંદ કરે તે સ્વાભાવિક છે.
સ્પાઇસીસ સેક્ટરમાં મંડીઓમાં સિઝનનાં નવા માલની આવકોના બોજ હેઠળ ધાણા, જીરૂ, હળદર તથા મરીમાં રોકાણકારોને સરવાળે એકાદ ટકાનું નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. જો કે મરચાંમાં બે થી ત્રણ ટકા નફો રળવાનો મોકો મળ્યો હતો. આમેય તે મરચામાં આ વખતે પાક ઓછો છે, ફેબ્રુઆરીમાં નિકાસ પણ વધી છે. ગૂટુર મંડીમાં નવા મરચાની આવકો પણ સ્થિર હતી. જ્યારે હળદરમાં મથકોએ આવકોનું જોર વધ્યુ હતુ પણ ક્વોલીટીની બુમ હોવાથી બે ગુણવત્તાનાં માલ વચ્ચે ભાવમાં મોટો ફરક જોવા મળે છે.
કોટન કોમ્પ્લેક્ષમાં વિતેલા સપ્તાહમાં રોકાણકારોને સરેરાશ એક થી દોઢ ટકા જેટલુ વ્યાજ છુટે એવુ વળતર મળ્યુ હતુ.
ખાસ કરીને ગરમી વધતી હોવાથી કપાસિયા ખોળની માગમાં વધારો થયો છે. વળી બજારમાં સારા કપાસિયા પર શ્રીમંત ખેડૂતોની પક્કડ હોવાથી મિલોને નીચામાં માલ મળતા નથી. તેથી ખોળનાં ભાવ ઉંચકાયા છે. જોકે સપ્તાહનાં અંતે કપાસિયામાં અચાનક જોરદાર વેચવાલી નીકળતા લેણ કાપવામાં મોડા પડેલા રોકાણકારોનો નફો એક જ દિવસમાં ધોવાઇ ગયો. પાકિસ્તાન યાર્ન આયાત પર ડ્યુટી લગાડશે એવી વાતો બજારમાં આવતા જ ગાંસડીનાં ભાવ દબાયા હતા. તેથી રૂ માં આખુ અઠવાડિયુ વળતર વિનાનું ગયુ હતુ. હાલમાં સૌ પાકિસ્તાન તથા ચીનની ચાલ પર નજર રાખીને બેઠા છે.
તેલ તથા તેલિબિયામાં વિતેલા સપ્તાહમાં વૈીશ્વક બજારોના ટેકે ધીમી તેજી જોવા મળી. બુરસા મલેશિયા ખાતે પામતેલમાં અને સીબોટ ખાતે સોયાતેલમાં સ્થિર પણ મક્કમ લેવાલી જોવા મળી હતી. અલનીનો અર્થાત નબળા ચોમાસાની ચિંતાએ પણ તેજીની ચિનાગારીમાં હવા ફૂંકી છે. પરિણામે વિતેલા સપ્તાહે સરસવ, સોયાતેલ, સોયાબીન તથા પામતેલમાં રોકાણકારોને એકાદ ટકાનો નફો દેખાયો હતો. બ્રાઝિલમાં સોયાબીનનું ઉત્પાદન અગાઉની ૯૦૦ લાખ ટનની ધારણાથી ઘટીને ૮૪૫ લાખ ટને અટકી જવાની શક્યતા વ્યક્ત થઇ છે. સ્થાનિક મંડીઓમાં આવકો માંડ ૨૫,૦૦૦ બોરીની જોવા મળી છે.
બુલીયનનાં રોકાણમાં ઇન્વેસ્ટરોની હાલત બાવાનાં બેઉ બગડ્યા જેવી થઇ છે. પાછલા સપ્તાહે ઉંચા વળતરમાં જેઓ નીકળી ન શક્યા તેઓ વિતેલા અઠવાડિયે મંદીમાં ફસાયા સોદા સુલટાવવા ગયા તો પાછી આકસ્મિક તેજી દેખાઇ હતી. રજાઓ વચ્ચે થયેલા ત્રણ દિવસનાં કારોબારમાં રોકાણકારોને સરવાળે એકાદ ટકાનું નુકસાન ભોગવવુ પડ્યુ હતુ. જેનુ કારણ યુક્રૈનની લશ્કરી કાર્યવાહીને માનવામાં આવે છે. આ ઉપરાંત ચીનનો જી.ડી.પી. ખરાબ આવ્યો હોવાથી હજુ અર્થતંત્રનાં સુધારાનાં સાફ સંકેત દેખાતા નથી. સ્થાનિક સ્તરે જ્વેલરોની હાલત ખરાબ થઇ રહી છે કારણકે સરકારે આયાત ડ્યુટી ઘટાડવાની માત્ર વાતો જ કરી છે, પગલા લીધા નથી તેથી જ્વેલરોને હજુ પ્રિમીયમમાં સોનું લેવુ પડે છે. માથે લગ્નગાળાની સિઝન ચાલી જાય છે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: