
જ્યારે સમય વિપરીત હોય ત્યારે બહુ સાવચેતીથી વ્યુહ રચના બનાવવી પડે, પછી તે રમત હોય, રાજનીતિ હોય કે પછી મુડીનું રોકાણ. જેમ જેમ રવિ પાકોની મ‘ડીઓમાં આવકો વધતી જાય છે તેમ તેમ કોમોડિટીના ભાવો દિશા બદલી રહ્યા છે. રોકાણકારો પણ જે સેક્ટરમાં નફો દેખાય તે જ સેક્ટરમાં મુડી ફેરવી નાખતા દેખાય છે. વિતેલા સપ્તાહમા પણ સોયા કોમપ્લેક્ષ તથા સ્વીટનરમાં રોકાણકારોને બે થી ત્રણ ટકાનાં વળતર નસીબ થયા જ્યારે બુલીયન, કપાસ, જવ તથા ચણામાં રોકાણકારોને એક થી ચાર ટકા જેટલુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ.
મંડીઓમાં રવિ પાકોની આવકો વધતા જ ભાવ પર અદર જોવા મળી હતી. વિતેલા સપ્તાહમાં ખાસ કરીને ચણા તથા બિયર ફેમ જવ જેવી કૃષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા. બિકાનેરમાં રોજની ત્રણ થી ચાર હજાર બોરી ચણાની આવકો ગણીને સમગ્ર રાજસ્થાનમાં કુલ ૨૦,૦૦૦ બોરી ચણાની આવકો શરૂ થઇ ગઇ છે, આજ રીતે દિલ્હીમાં પણ રોજ ૧૦૦ થી ૧૨૫ ટ્રક ચણા ઉતરે છે. જયપુર તથા મધ્યપ્રદેશમાં પણ આવકો વધી રહી હોવાથી હાજર બજાર પર માલનો બોજ જોવા મળ્યો હતો. મુખ્યત્વે દારૂ બનાવવામાં વપરાતા જવની રાજસ્થાનનાં શ્રી ગંગાનગર, રેવાડી તથા જયપુરમાં મોટા પાયે આવકો શરૂ થઇ હોવાના અહેવાલ છે. માત્ર ગંગાનગરમાં જ વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ૧૦,૦૦૦ બોરી જવની આવકો નોંધાઇ હતી. જે આગામી દિવસોમાં વધવાની શક્યતા છે. આમેય તે સરકારી અંદાજ પ્રમાણે આ વખતે ભારતમાં ૧૯ લાખ ટનનાં ઉત્પાદન સાથે જવ છેલ્લા પાંચ વર્ષ રેકોર્ડ તોડશે એવુ કહેવાય છે.
કપાસમાં વૈશ્વિક નેગેટીવ ફંડામેન્ટલ્સ જીનરોને પરેશાન કરી રહ્યા છે. ચીનના જુના રૂનાં ૫૦,૦૦૦ ટન માલનાં ઓકશનને ભારે પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલ છે. ચીનની અસર ઓછી થાયે તે પહેલા જ ઇન્ટર કોન્ટીનેન્ટલ એક્સચેન્જ (આઇસ) અને ન્યુયોર્ક વાયદાએ વિતેલા અઠવાડિયામાં મંદી દેખાડતા માહોલ વધારે ખરાબ થયો હતો. આઇસ ખાતે આખુ અઠવાડિયુ કપાસનો ભાવ નીચા મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક સ્તરે યાર્ન વાળાની ખરીદી બંધ જેવી છે. જીનરોને પડતર પણ થતી નથી. જેથી વધારે તેજીનાં આસાર નથી.
જ્યારથી ચૂંટણીઓ જાહેર થઇ છે અને સરકારે નિકાસ ઇન્સેન્ટીવ્સ આપ્યા છે ત્યારથી ખાંડ તથા ગોળનાં વેપારમાં રોજ નવી મિઠાશ ભળે છે. હાલમાં જ ઇસ્માએ જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં ૩૧મી માર્ચ સુધીમાં ખાંડનાં ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો છે જેમાં ઉત્તર પ્રદેશમાં ૧૩ ટકા તથા મહારાષ્ટ્રમાં નવ ટકાનો ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. બીજી તરફ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ દારૂ માટે ગોળનો વપરાશ વધતો જાય છે. તેથી ચૂંટણીઓ પુરી થાય ત્યાં સુધી રોકાણકારોનાં મોં માં ઘી-સાકર જ રહેશે.
સોયા કોમ્પ્લેક્ષમાં વિતેલા સપ્તાહમાં રોકાણકારોને એક થી માંડીને ત્રણ ટકા જેટલુ વળતર નસીબ થયુ હતુ. ખાસ કરીને ચીનની અમેરિકા તથા બ્રાઝિલથી ખરીદી નીકળી હોવાનાં અહેવાલ છે. જેની અસર તળે સી-બોટ ખાતે પણ સોયાતેલ તથા સોયાબીનનાં ભાવ ઉંચા રહ્યા હતા. સ્થાનિક સ્તરે રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં વિતેલા સપ્તાહમાં અગાઉના સપ્તાહની સરખામણીએ આવકો ઘટી હોવાનાં અહેવાલ છે. માત્ર મધ્યપ્રદેશમાં વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ૩૫,૦૦૦ બોરી સોયાબીનની આવકો હતી જે અગાઉનાં સપ્તાહ કરતા સરેરાશ દૈનિક ૧૦,૦૦૦ બોરી ઓછી હોવાનું મથકે બેઠેલા દલાલો જણાવે છે. હજુ અલનીનો ફેક્ટરની અસર પણ બજારની દિશા બદલી શકે છે. આમ છતાં ભારતીય હવામાન વિભાગે ભારતને અલનીનોનું નુકસાન નહી નડવાનો દાવો કરીને આપણા રોકાણકારોને થોડી રાહત જરૂર આપી છે.
સોના-ચાંદીમાં રોકાણકારોને શું થાય છે તે સમજાતુ નથી. એક દિવસ બજાર ઉંચકાય તો બે દિવસ પટકાય છે અને બાકીનાં દિવસો સુમસામ થઇ જાય છે. અમેરિકામાં હજુ લોકો બિનકૃષિ રોજગારનાં આંકડા બહાર પડવાની રાહમાં છે. જો સ્થાનિક સ્તરે આયાત નિયંત્રણો ઘટવાની વાતો ચાલી છે પણ નક્કર નિર્ણયની સૌને રાહ છે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: