
ટિકીટોની વહેંચણીમાં કેટલાયે કપાયા, ભાજપ હોય કે કોગ્રેસ, જે કપાયા તે બીજે ક્યાંક વ્યવસ્થા કરવામાં પડ્યા છે. જ્યાં મોકો મળે ત્યાંથી લડી લેવુ તે કળિયુગની ફિલોસોફી છે. વેપારમાં પણ આજ ફિલોસોફી સફળ થાય છે, વિતેલા સપ્તાહમાં કોમોડિટીમાં હવાની દિશા પારખીને તેજી મુકી મંદીમાં આવી ગયેલા રોકાણકારો બે પાંદડે થયા છે.આ વાત વિતેલા અઠવાડિયામાં બુલીયન તથા સ્પાઇસીસમાં વેચાણનાં વેપાર કરનારા સારી રીતે સમજાવી શકે તેમ છે.કારણકે સપ્તાહ દરમિયાન ઘણી કોમોડિટીનાં ભાવ ટૂંકાગાળામાં નવા તળિયા શોધવા માંડ્યા હતા.આવા નાજુક સમયમાં સમય વર્તે સાવધાન જેવી રણનીતી અપનાવીને સંતોષજનક વળતર મેળવીને ખુશ રહેવામાં મજા છે.
માવઠા બાદ તડકો નીકળતા જ આવકો શરૂ થશે અને હાજરમાં માલનાં બોજ વચ્ચે ભાવ તુટશે આ ગણતરી સમજીને ટૂંકાગાળાની તોફાની તેજીમાં તણાયા વિના શાંત બેઠેલા રોકાણકારોને વિતેલા સપ્તાહમાં સ્પાઇસીસ સેક્ટરમાં ધાણા, હળદર, મરચા તથા જીરા એમ મોટા ભાગનાં મસાલામાં મંદીનાં વેપારમાં બે થી માંડીને પા‘ચ ટકા સુધીનું વળતર મળ્યુ. રાજસ્થાનનાં હડોતી પટ્ટામાં રામગંજ, બારાન તથા કોટાની મંડીઓમાં ગત અઠવાડિયે સરેરાશ દૈનિક ૫૫,૦૦૦ બોરી ધાણાની આવકો નોંધાઇ હતી. જે ગત સપ્તાહ સુધી માંડ ૩૫,૦૦૦ બોરી થતી હતી. ગુજરાતમાં પણ રોજની ૪૦,૦૦૦ બોરીની આવકો નોંધાઇ હતી. ઓણ સાલ સિઝનનો કુલ ૭૦ લાખ બોરી ધાણાનો પાક અંદાજાયો છે, જેમાંથી ૧૫ લાખ બોરી બજારમાં આવી ગયો છે. આવકો વધે તો હજુ ભાવ દબાઇ શકે છે. મરચા તથા હળદરમાં પણ હોળી પછી ઘરાકી નીકળવાની આશા ઠગારી નીવડી છે. ગુંટૂરમાં સરેરાશ દૈનિક એક થી સવા લાખ બોરી મરચાની આવકો હતી. જ્યારે હોલસેલરો કે સ્ટોકિસ્ટો તરફથી માલનો ઉપાડ નથી.
બુલીયનમાં તેજીવાળાનાં એક સાંધે ત્યાં તેર તુટે જેવા હાલ છે. વિતેલા અઠવાડિયામાં સોના તથા ચાંદીનાં લેણનાં વેપારમાં સૌ એ બે થી ત્રણ ટકા નુકસાન સહન કર્યા હતા. રશિયા-યુક્રેન તનાવ અને ચીનની કથળતી ઇકોનોમીનાં કારણે બુલીયનનાં ભાવ વધવાની સૌની ધારણા હતી, પણ ભારત સરકારે પાંચ ખાનગી બેંકોને પણ સોનાની આયાતની મંજુરી આપતા હવે આયાત વધશે અને હાજર તથા વાયદા વચ્ચેનાં પ્રિમીયમ ઘટશે એવુ બુલીયનવાળાનું માનવુ છે. બાકી હોય તો અમેરિકાની કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ ઘટી હોવાથી ફેડરલ રિઝર્વ બોન્ડ બાઇંગ પ્રોગ્રામ પર કાપ મુકી શકે છે. જોકે વૈશ્વિક હેજ ફંડોને હજુ સોનામાં તેજી દેખાય છે. આમ છતા ડોલર સામે યુરો ઘટ્યો હોવાથી નિષ્ણાંતોનાં સેન્ટીમેન્ટ મંદીના છે.
તેલ તથા તેલીબિયામાં વિતેલા સપ્તાહમાં ભાવ એક થી બે ટકા સુધી વધ્યા મથાળે બંધ રહ્યા હતા. દક્ષિણ અમેરિકામાં સોયાબીનનાં પાકને નુકસાનનાં સમાચાર છે, મલેશિયા, ઇન્ડોનેશિયા તથા થાઇલેન્ડમાં હવામાન ખરાબ થતા પામતેલનું ઉત્પાદન ઘટવાની વાતો વહેતી થઇ છે. આ બે કારણોએ વિતેલા અઠવાડિયામાં ઓઇલસીડનાં ભાવોમા તેજીની હવા ભરી હતી. પણ વિશ્વમાં સોયાબીનનું કુલ ઉત્પાદન વધવાની શકયતા છે. વળી બ્લડ ફ્લ્યુના કારણે ચીનની ડિમાન્ડ હજુ બંધ છે. સ્થાનિક સ્તરે સરસવમાં નવા માલોની આવકો જોર પકડી રહી છે, ગત સપ્તાહે ભારતમાં દેશાવરની મંડીઓમાં આશરે સવા ચાર લાખ બોરી સરસવની આવકો નોંધાઇ હતી. જે હજુ વધશે. તેથી આગામી દિવસોમાં હાલની તેજી ટૂંકાગાળાની સાબિત થઇ શકે છે.
ખાંડ તથા ગોળમાં ધીમો સુધારો યથાવત રહ્યો હતો. કારણો છેલ્લા ત્રણ સપ્તાહથી એક સમાન છે. જોકે ભારત સરકારે નિકાસ પર આપેલી સબસીડીને લાંબાગાળા સુધી યથાવત રાખી શકાય કે નહી તે મુદ્દે વૈશ્વિક બજારમાં વિવાદ શરૂ થયો છે. ભારતીય વેપારીઓ નીચા ભાવે વૈશ્વિક બજારમાં ખાંડ ઠાલવે તેનાથી બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાનો ગરાસ લૂંટાય છે. મામલો ડબલ્યુ.ટી.ઓ સુધી પહોંચ્યો હોવાના સમાચાર છે. તેથી માર્ચ મહિના બાદ આ સબસીડી ચાલુ રહેશે કે કેમ તે એક સવાલ છે.
કોટન કોમ્પ્લેક્ષમાં પણ વેપારીઓ કયામતનાં દિવસો પસાર કરી રહ્યા છે. અમેરિકાનો એક્સપોર્ટ ઓર્ડર કેન્સલ થયા બાદ નવા વેપાર ઠપ્પ છે. સ્થાનિક મિલરો, જીનરો તથા યાર્ન વાળાનાં વેપાર મંદીની ભીંસમાં પિલાઇ રહ્યા છે. સૌને નવા નાણાકિય વર્ષની રાહ છે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: