
દિલ્હીમાં આમઆદમીનાં વિધ્નહર્તા ગણાતા કેજરીવાલની સરકારનું સ્થાપ્ન થયાને ૪૯ દિવસમા તો વિસર્જન પણ થઇ ગયું, પેલા દોઢ દિવસનાં ગણપતિની જેમ..! ગણપતિને લાવનારા અને વિદાય કરનારા સમાન હોય છે અહીં પણ કેજરીવાલને લાવનારી કોંગ્રેસ જ હતી અને વિદાય કરનારી પણ કોંગ્રેસ જ હતી. બસ અહીં ફરક એટલો જ હતો કે ગણપતિને લાવતી વખતે આનંદનો માહોલ હોય છે અને વિસર્જન વખતે થોડો ગમનો માહોલ હોય છે... જ્યારે અહીં કેજરીવાલનાં આગમન ટાણે કોંગ્રેસમાં ગમ હતો અને જવા ટાણે આનંદ..! અને એટલે જ કેજરીવાલ ઢોલ નગારા વચ્ચે આવ્યા અને બુમ બરાડા વચ્ચે ગયા, તેમનાં જલદી પતન માટે જવાબદાર હતું, વિરોધી વિચારધારાનું સમર્થન. જ્યારે પણ વહાણ સામા પવન વચ્ચેથી પસાર થાય ત્યારે તે હાલકડોલક થાય જ, પછી તે વહાણ હોય, રાજકારણ હોય કે વેપાર. આજ કારણોસર ફંડામેન્ટલ સપોર્ટ વિના તેજી-મંદીનાં ચકરાવે ચડતી કોમોડિટીની દિશા હાલકડોલક રહેતી હોય છે. ધાણા, ગુવાર, એરંડા અને બુલીયન આજકાલ હાલક ડોલક હોય છે, તેથી જ એક સપ્તાહે તેજી તો બીજા સપ્તાહે મંદી દેખાડે છે. વિતેલા અઠવાડિયામાં બુલીયન, ગુવાર, એરંડા, હળદર તથા ધાણા જેવી ઘણી જણસો રોકાણકારોની વેલેન્ટાઇન કોમોડિટી રહી, કારણકે તેમાં બે થી માંડીને આઠ ટકા સુધીનાં વળતર નસીબ થયા હતા.
સ્પાઇસીસ સેક્ટરમાં ધાણામાં વિતેલા સપ્તાહમાં રોકાણકારોને ચાર થી પાંચ ટકા જેટલુ માતબર વળતર નસીબ થયુ હતુ. રાજસ્થાનનાં હડોતી પટ્ટામાં નવા માલની આવકો થોડી શરૂ થઇ છે પણ કુલ સરેરાશ દૈનિક ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ બોરીની આવકોમાંથી, માંડ ૧૦૦૦ બોરી નવા માલની હશે. આમ ધાણામાં વાવેતર મોડા થયા હોવાથી આવકો પણ મોડી પડી છે.વળી વાતાવરણનાં પલટાનાં અહેવાલોનાં કારણે પાકને નુકસાન થયુ હોવાને ઉતારા ઓછા આવવાનાં અહેવાલો આવે છે, કોઇ નિકાસનાં ઓર્ડર મળવાનાં દાવા કરે છે, પણ આવા અહેવાલોને સમર્થન નથી. નવા માલ નહી આવે ત્યા સુધી બજાર ડહોળાયેલુ રહેશે એમ નિષ્ણાતો જણાવે છે. સાતમી ફેબ્રુઆરીએ ક્વિન્ટલ દિઠ ધાણાનાં ભાવ ૭૮૮૧ રૂપિયા હતા, જે ૧૪ મીએ ૮૨૨૭ રૂપિયા બંધ રહ્યા હતા.
સામા પક્ષે જીરૂ, મરચા તથા મરીમાં રોકાણકારોને એક થી ત્રણ ટકાનું નુકસાન સહન કરવુ પડ્યુ. મથકોએ નવા માલની આવકોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે, ગુંટુર તથા વારંગલમાં વિતેલા સપ્તાહમાં ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ બોરી મરચાની આવકો નોંધાઇ હતી. આમેય તે આ વખતે ૧૩ લાખ ટન મરચાનું ઉત્પાદન થવાની ધારણા છે. જે ગત સાલ ૧૨ લાખ ટન હતુ. જોકે હજુ ઉત્તર ભારતની ડિમાન્ડ શરૂ થઇ નથી.આ માગ કેવી રહે છે તેના પર બજારની મુવમેન્ટ રહેશે. કાળા મરીમાં પણ યુરોપ તથા અમેરિકામાં ભાવ ઘટીને અનુક્રમે ૮૭૫૦ ડોલર તથા ૯૦૦૦ ડોલરની સપાટી દેખાડતા હોવાથી સ્થાનિક બજાર તુટ્યુ હોવાનું નિકાસકારો જણાવે છે. જીરામાં પણ ગુજરાત તથા રાજસ્થાનમાં નવા માલનાં શ્રીગણેશ થઇ રહ્યા છે. આ વખતે ઉંચા પાકનો અંદાજ છે, જોકે હજુ થોડો ભેજ હોવાથી આવકો માર્ચનાં પ્રથમ સપ્તાહથી વધવાનું હોલસેલરોનું અનુમાન છે. સપ્તાહનાં આરંભે જીરૂ ૧૨,૩૮૮ રૂપિયા હતુ, જે સપ્તાહનાં અંતે ૧૨,૦૫૭ રૂપિયા બંધ રહ્યુ હતુ.
વિતેલા સપ્તાહમાં સોના-ચાંદીવાળાને લેણનાં વેપારમાં બે થી ત્રણ ટકાનો નફો રળવાનો ચાન્સ મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ચીનનાં સોનાનાં વપરાશમાં ૪૧ ટકાનો ઉછાળો નોંધાયો હોવાના અહેવાલ છે. અમેરિકાનાં રીટેલ સેલ્સનાં આંકડા આંચકાદાયક આવ્યા અને બેકારીનાં લાભ લેવા માટે ફોર્મ ભરવા ઘસારો થતાં રોકાણકારો ફરી સોનાની સેફ ઈન્વેસ્ટમેન્ટ તરીકે કબજે કરવા આકર્ષાયા હોવાનું નિષ્ણાંતો માને છે. બાકી હોય તો ફેડરલ રિઝર્વની નવી ચેર પર્સન જનેટ યેલીને સંકેત આપ્યા છે કે સેન્ટ્રલ બેન્કનાં કમીટમેન્ટમાં કોઇ મોટા ફેરફાર નહી થાય. બીજી મહિલા સોનિયા ગાંધી છે જેમણે ભારતમાં ઇમ્પોર્ટ ડયુટી ઘટાડવાની હિમાયત કરી છે, બસ હવે સૌ વોટ ઓન એકાઉન્ટ પર નજર માંડીને બેઠા છે. જે બુલીયન બજારની આગામી દિશા નક્કી કરશે. સાતમી ફેબ્રુઆરીએ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૨૯,૭૫૦ રૂપિયા હતો. જે ૧૪ મી એ ૩૦,૧૦૦ રૂપિયા બંધ રહ્યો હતો.
ગુવાર સીડ તથા ગુવાર ગમમાં અગાઉ જણાવ્યુ હતુ તેમ તેજીવાળા અને મંદીવાળા ટગ ઓફ વોર અર્થાત રસ્સી ખેંચ રમી રહ્યા છે. નીચા મથાળે ખેડૂતો વેચવાલી બંધ કરે છે.પાછલા સપ્તાહે ગુવાર ૧૨ ટકા તુટ્યા બાદ મંડીઓમાં આવકો ઘટી ગઇ હતી, દેશાવરમાં વિતેલા સપ્તાહમાં માંડ ૩૦,૦૦૦ બોરી ગુવારની આવકો નોંધાઇ હતી. વૈશ્વિક બજારમાં ચીનમાં તહેવારો પુરા થઇ ગયા હોવાથી નવેસરથી ઓર્ડર નીકળવાની નિકાસકારોને આશા છે, જોકે હજુ મોટા કોઇ વેપારને સમર્થન મળતુ નથી. સાતમી ફેબ્રુઆરીએ ક્વિન્ટલ દિઠ ગુવારનાં ભાવ ૪૬૦૦ રૂપિયા હતા. જે ૧૪ મીએ ૪૯૩૯ રૂપિયા બંધ રહ્યા હતા. એકંદરે નિષ્ણાંતો ભાવ ૪૦૦૦ રૂપિયાથી ૬૦૦૦ રૂપિયાની બાઉન્ડ્રી વચ્ચે દોડશે એવુ નિષ્ણાંતો જણાવે છે.
સપ્તાહ દરમિયાન ખાદ્યતેલોમાં માત્ર એરંડામાં ઉછાળો જોવા મળ્યો હતો. લેણનાં વેપારમાં રોકાણકારોને લાંબા સમય બાદ ચાર થી પાંચ ટકાનું વળતર છુટ્યુ હતુ. આમેય તે ઓપરેટરોનાં મતે એરંડામાં ૪૦૦૦ રૂપિયાનાં ભાવ બોટમ માને છે. જેથી નફા બુક કરવા વેચાણ કપાયા હોવાની ધારણા છે. ચીનનાં તહેવારો પુરા થયા હોવાથી નવી ખરીદી પર વેપારીઓનો મદાર છે. મુંબઇમાં ઝાપટા થયા છે, જો ઉત્તર ગુજરાત બાજુ માવઠુ થાય તો પાક મોડો અથવા ખરાબ પણ થઇ શકે છે. પેલા કિસાન સંઘવાળાને પણ એરંડાનાં ભાવમાં ૬૦ ટકાનો વધારો જોઇએ છે, નહીતર વેચાણ બંધ કરવાની તેઓ ચીમકી આપી ચુક્યા છે. મંડીઓમાં વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: