
પોલીટિકલ પાર્ટીઓની ઉમેદવાર યાદીઓ જાહેર થવા માંડી છે, પાંચ વર્ષમાં જેમના મોંઢા દેખાયા નથી તેવા નેતાઓ મતદારો પાસે જવા માટે ઘોડા તૈયાર કરી રહ્યા છે. ચૂંટણીઓ આવે ત્યારે પ્રચાર સાહિત્યની ડિમાન્ડ એકાએક વધી જાય, દેશી દારૂ, જુતા તથા કાળી શાહીને પણ મોર્ડન પ્રચાર સાહિત્ય માનવુ..! આજકાલ ઉમેદવારો વધારે હોય છે તેથી તેમની ડિમાન્ડ ઓછી હોય. જેની ડિમાન્ડ વધારે હોય તેના ભાવ વધારે હોય તે સાબિત થયેલો સર્વ સામાન્ય સિધ્ધાંત છે.
આ સિધ્ધાંતની સાબિતી છે, ચણા, ગોળ, ખાંડ અને સોયાબીન જેવી કોમોડીટીઓ કે જેમાં આજકાલ ભારે ઉથલપાથલ થતી હોવાથી એક્સચેન્જો પર તેનાં વોલ્યુમ પણ અચાનક વધી ગયા છે. વિતેલા સપ્તાહમાં આ કોમોડિટીમાં લેણનાં વેપારમાં સૌને બે થી માંડીને પાંચ ટકા સુધીનાં ઉંચા રોકાણ નસીબ થયા હતા. ચણા અને ગોળ તો કદાચ પેલા નેતાઓનાં ઘોડાને ખવરાવવા માટે ડિમાન્ડમાં હોય એવુ બને. જોકે જીરા તથા બુલીયનમાં સૌને બે થી માંડીને પાંચ ટકા સુધીનું નુકસાન પણ સહન કરવુ પડ્યુ હતુ.
તેજીનો ઘોડો વિતેલા સપ્તાહમાં પણ ચણા ખાઇને વધુ તાકાતથી દોડતો જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજસ્થાન બાદ વિતેલા સપ્તાહમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં માવઠાનો પ્રકોપ દેખાયો હતો. પરિણામે ચણાનાં પાકને સતત નુકસાન થઇ રહ્યુ હોવાનાં અહેવાલ છે. મધ્યપ્રદેશમા હોળી પહેલા નવા માલ આવવાની ધારણા હતી પણ હવે હોળી બાદ પણ એકાદ અઠવાડિયા સુધી માલ નહી આવે તેવુ વેપારીઓ જણાવે છે. હાજર બજારમાં સારા ચણાનાં ભાવ ૩૩૦૦ ની સપાટી વટાવી ગયા હતા. નવા માલમાં જેટલો વિલંબ થશે તેટલી તેજી લંબાશે.
તેલ તથા તેલિબીયામાં પાછલા સપ્તાહની તેજી વિતેલા અઠવાડિયામાં પણ યથાવત રહી, વૈશ્વિક બજારમાં સીબોટ, બુરસા મલેશિયા ઉંચા મથાળે જ બંધ રહેતા હતા. બાકી હોય તો ઓઇલ વર્લ્ડના અહેવાલે સોયાબીનનો પાક ૯૦૦ લાખ ટનથી ઘટીને ૮૫૦ લાખ ટન થવાની ધારણા મુકતા તેજીની આગમાં વધુ તેલ રેડાયુ હતુ. સોયાબીનનાં પ્રતિ ક્વિન્ટલ ભાવ ૪૨૮૦ મુકાતા હતા. જો બ્રાઝિલમાં હવામાન ખરાબ રહેશે તો સોયા કોમપ્લેક્ષમાં તેજીનો ઘોડો વધુ દોડશે.
એરંડામાં ૧૧.૨૦ લાખ ટન ઉત્પાદનનાં એસ.ઇ.એ. ના વરતારાની જાણે અસર થઇ હોય તેમ વિતેલા સપ્તાહમા તેજીનાં રોકાણકારોને પાંચ ટકા જેટલુ ઉંચુ વળતર મળ્યુ હતુ. આમતો મથકોએ સરેરાશ દૈનિક ૫૦,૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી, પણ જેટલો માલ આવે છે તે ઉપડી જાય છે, કદાચ સ્ટોક પણ થતો હોય. અહેવાલ આવ્યા છે કે ફેબ્રુઆરી માસમાં એરંડાના ખોળની નિકાસ ૧૧ ગણી વધીને ૩૯,૮૦૦ ટન જેટલી થઇ ગઇ છે, સામા પક્ષે સોયાનાં પિલાણમાં પડતર ન હોવાથી સોયા ખોળ છોડીને લોકો એરંડા ખોળ તરફ વળ્યા છે. સપ્તાહનાં અંતે એરંડાનાં ભાવ ૨૦૦ રૂપિયાનાં વધારા સાથે ૪૨૭૩ રૂપિયા બોલાતા હતા. એરંડિયુ કે ખોળ બન્નેમાંથી એકની પડતર જ્યાં સુધી થશે ત્યાં સુધી માલ પણ ખપશે અને તેજી પણ ટકી રહેશે એવું સ્ટોકિસ્ટો જણાવે છે.
સ્વીટનર સેગ્મેન્ટમાં રોકાણકારોના મોં માં જાણે બગાસા ખાતા પતાસા પડ્યા છે. ઇસ્માએ સ્થાનિક ખાંડનું ઉત્પાદન પાંચેક ટકા ઘટીને ૨૩૮ લાખ ટન થવાની ધારણા મુકી તો બીજીતરફ કેન્દ્રસરકારે ચૂંટણીની મીઠાઇ મોકલતા હોય તેમ નિકાસમાં ઇન્સેન્ટીવ આપવાનું જાહેરનામુ બહાર પાડી દીધુ, બાકી હોય તો મિલો ચાલુ હોવાથી ગોળ વાળાને શેરડી મળતી નથી, જેમને ચૂંટણીમાં શરાબની મહેફીલોની ઘરાકીને માલ પુરો પાડી રોકડી કરવી છે. જેથી ગોળનાં ભાવ પણ ચારેક ટકાના વધારા સાથે ૧૧૦૦ રૂપિયાની સપાટી વટાવી ગયા હતા. બ્રાઝિલમાં અલનીનોની અસર દેખાય તો ખાંડ - ગોળમાં આગળ તેજી રહેશે એમ નિષ્ણાતો જણાવે છે.
રશિયાના પ્રમુખ પુતીન સાહેબે બને ત્યા સુધી યુક્રેન સામે લશ્કરી તાકાત નહી વાપરવાની બાંહેંધરી આપતા જ સોના તથા ચાંદીનાં ભાવ ઘટવા માંડ્યા હતા. ભારતમાં હવે ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે, વળી ચિદમ્બરમ સાહેબે ઇમ્પોર્ટ ડ્યુટી હાલ નહી ઘટાડવાનાં સંકેત આપી દીધા છે તેથી સ્થાનિક બુલીયન ટ્રેડરોની આશા ઠગારી નીકળી હતી. વળી ભારત આ વર્ષે નિકાસનાં લક્ષ્ય સુધી પહોંચી નહી શકે તેવા પણ અહેવાલો આવ્યા છે. આ તમામ કારણોએ બુલીયનનાં રોકાણકારોને બે થી ત્રણ ટકાનું નુકસાન કરાવ્યુ હતુ.
સ્પાઇસીસ સેક્ટરમાં હળદરમાં ઉત્તર ભારતની ખરીદી નીકળી હોવાનાં અહેવાલ છે, ઇરોડમાં સારી ગુણવત્તાવાળી જેટલી હળદર આવે છે તે વેચાઇ જાય છે. આંધ્રપ્રદેશમાં ખાસ કરીને નિઝામાબાદ પંથકમાં જોરદાર કમોસમી વરસાદનાં કારણે નિઝામાબાદમાં હળદરની આવકો રૂંધાઇ હતી. સરેરાશ દૈનિક ૨૫,૦૦૦ બોરી હળદરની આવકો હતી, જે વરસાદનાં કારણે ૩૦૦૦ બોરી થઇ ગઇ હતી. ભારે વરસાદ અને હળદરમાં ભેજ વધી જવાના કારણે હળદરનું બજાર બંધ રાખવાની ફરજ પડી હતી. કારોબાર ફરી ચાલુ થાય ત્યારે માલની આવકો અને ગુણવત્તા બજારની દિશા નક્કી કરશે. ઉંઝામાં જ જીરાની આવકો ચાલુ થઇ છે, સરેરાશ દૈનિક ૩૫,૦૦૦ બોરી જીરાની આવકો ઉંઝા મંડીમાં થાય છે. દેશાવરની અન્ય મંડીઓમાંથી મળીને અન્ય ૫૦૦૦ બોરીની આવકો ગણો તો કુલ માંડ ૪૦,૦૦૦ બોરી થાય. આટલી આવકોમાં જ છેલ્લા એક અઠવાડિયામાં જીરાનાં ભાવમાં ૧૦ ટકાનું ગાબડુ પડી ચુક્યુ છે, વાયદામાં નીચલી સર્કિટ પણ લાગી છે. જ્યારે સિઝન પૂરબહાર થશે અને આવકો ૮૦,૦૦૦ બોરીને પાર કરશે ત્યારે હાજર બજારમાં માલનો બોજ વધશે તે સ્વાભાવિક છે. કિસાનો જાણે છે કે હજુ તો શરૂઆત છે, હોળી ઉતર્યા બાદ જોધપુરનાં જીરાની આવકો શરૂ થશે ત્યારે ભાવ કદાચ નવા તળિયા દેખાડશે.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: