Home» Opinion» Economy» Weekly commodity review by kalpesh sheth 03 03 14

કોમોડિટી કારોબારની સાપ્તાહિક સમિક્ષા

Kalpesh Sheth | March 03, 2014, 01:51 PM IST
weekly commodity review by kalpesh sheth 03 03 14

મુંબઇ :

રાહુલ ગાંધીનો પોપ્યુલારીટી ગ્રાફ, મોદીની આક્રમકતા, કેજરીવાલની પ્રતિષ્ઠા અને કપાસનાં ભાવ, આ બધુ હાલમાં  સતત નીચે જઇ રહ્યુ છે. કેજરીવાલે કસમયે દિલ્હી પોલીસ સામે આંદોલન કર્યુ અને રાહુલ બાબાએ કસમયે ટી.વી ઇન્ટરવ્યુ આપ્યો તેથી પવનની દિશા બદલાઇ હોવાનું રાજકીય પંડિતો માને છે. આજ રીતે  રવિ પાક પર કસમયે થયેલા વરસાદથી  અમુક કૃષિ પેદાશોનાં ભાવની પણ દિશા બદલાઇ છે. પાછલા અઠવાડિયામાં  મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં  થયેલા માવઠાનાં કારણે ચણા, સરસવ અને ધાણાનાં ભાવમાં અચાનક સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત વૈશ્વિક હવામાનની અસરનાં કારણે સોયાકોમ્પ્લેક્ષમાં  પણ તેજી જોવા મળી. જ્યારે કોટન કોમ્પ્લેક્ષમાં રોકાણકારોને ભારે નુકસાની સહન કરવી પડી.

આપણા દેશમાં ચણાની આવકોની મૌસમ દેશમાં ચોમાસાના આગમનની દિશા પ્રમાણે છે. સૌ પ્રથમ દક્ષિણ ભારતમાં ચણા થાય, પછી મધ્ય અને પછી ઉત્તર. હાલમાં  આંધ્રપ્રદેશમાં  મંડીઓમાં  માંડ ૮૦૦ બોરી ચણાની દૈનિક આવકો શરૂ થઇ હતી. મધ્યપ્રદેશમાં  હજુ માર્ચનાં  પ્રથમ સપ્તાહમાં આવકો શરૂ થવાની હતી, જ્યારે રાજસ્થાનમાં ચણા હજુ ખેતરોમાં છે. ત્યાં જ વિતેલા સપ્તાહમાં  માવઠુ થતા ચણાને વધારે નુકસાનનાં અહેવાલ છે, રાજસ્થાનમાં પણ ચણાનો પાક ખરાબ થશે. આમેય તે ગોવામાં થયેલી પલ્સીસ કોન્ફરન્સમાં આ વખતે દેશમાં ૬૬ લાખ ટન ચણા પાકવાનો વરતારો મુકાયો છે, ગત સાલ દેશમાં ચણાનું ૮૨ લાખ ટન ઉત્પાદન થયુ  હતુ. ઓછા ઉત્પાદનનાં  અંદાજ વચ્ચે વરસાદ થતા ચણાનાં ભાવમાં ભડકો થયો છે. એક જ સપ્તાહમાં રોકાણકારોને  ૧૦ ટકા વળતરની લોટરી લાગી હતી. આગામી સપ્તાહે વરસાદી માહોલ પર બજારની દિશા નક્કી થશે. ૨૧મી ફેબ્રુઆરીએ ક્વિન્ટલ દિઠ ચણાનાં ભાવ ૨૯૦૦ રૂપિયા હતા, જે સપ્તાહનાં અંતે વધીને ૩૧૯૨ રૂપિયા બંધ રહ્યા હતા.

સરસવમાં પણ માવઠાના મારે બજારમાં તેજીની હવા ભરી છે ગત સપ્તાહે રજુ થયેલા સોલવન્ટ એક્સટ્રેકર્સ એશો.નાં  સર્વે  અહેવાલ મુજબ આગામી સિઝનમાં દેશમાં ૭૫.૯૦ લાખ ટન સરસવનું ઉત્પાદન થશે. ગત સાલ આ આંકડો ૬૮.૫૧ લાખ ટન હતો. જોકે આ અહેવાલ રજુ થતો હતો ત્યારે જ મથકોએ માવઠુ થતા હવે પાક ખરાબ થશે અને  મોડો પણ પડશે. અમુક જગ્યાએ તો કરાં પડ્યાના પણ અહેવાલ છે. એક જ સપ્તાહમાં  સરસવનાં ભાવમાં  આઠકે ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. આમતો પાક વધારે છે એટલે કદાચ બહુ મોટી તેજી ન પણ થાય છતા વરસાદ પર ઘણુ નિર્ભર છે. ૨૧મી ફેબ્રુઆરીએ ક્વિન્ટલ દિઠ સરસવ મથકોએ ૩૪૬૫ રૂપિયે વેચાઇ હતી, જેનાં ૨૮મી ફેબ્રુઆરીએ ભાવ ૩૬૩૮ રૂપિયા બોલાતા હતા.

અન્ય તેલોમાં  સોયાતેલ, સોયાબીન તથા ખોળનાં રોકાણમાં પણ વિતેલા સપ્તાહમાં લેણનાં વેપારમાં રોકાણકારોને ત્રણથી માંડીને છ ટકા જેટલુ ઉંચું વળતર નસીબ થયુ હતુ . આર્જેન્ટિના તથા બ્રાઝિલમાં  અતિ સુકા હવામાનને કારણે સોયાબીનનાં પાક પર માઠી અસર થઇ છે. તેથી વૈશ્વિક બજારોમાં  સી.બોટ ખાતે પણ સોયાબીનનાં ભાવ ઉંચકાયા હતા. ભારતમાં પણ વાયદાનાં ભાવ અને વોલ્યુમ વધ્યા છે. જે સંકેત આપે છે કે આગામી એક અઠવાડિયુ કટોકટી ભર્યુ રહેશે. ૧૦૦ કિલો સોયાબીનનાં  ૨૧મી ફેબ્રુઆરીએ ભાવ ૪૦૭૬ રૂપિયા હતા, જે સપ્તાહનાં  અંતે ૪૨૨૧ રૂપિયા બોલાતા હતા.

એરંડામાં  પાક ઘટવાનાં  અંદાજ આવ્યા પણ સાથે જ આવકો પણ વધી છે, વિતેલા સપ્તાહમાં મંડીઓમાં સરેરાશ દૈનિક ૫૫,૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી, પરિણામે ભાવ કાબુમાં રહ્યા છે.

સ્પાઇસીસ સેક્ટરમાં જીરાની આવકો વધી રહી હોવાથી ભાવ દબાયા પણ ધાણામાં એજ માવઠાનો માર જોવા મળ્યો છે. પરિણામે ધાણાનાં ભાવ છ ટકા સુધી ઉછળ્યા હતા. આમેય તે તેજી વાળા પાક ઘટવાનાં માલ ખરાબ થવાનાં વરતારા લાંબા સમયથી આપતા હતા તેમને હવે હાથવગુ બળતણ મળી ગયુ છે. આમછતા આવકો વધતા ભાવ દબાશે એેવુ હોલસેલરો જણાવે છે. રાજસ્થાનનાં  હડૌતી પટ્ટામાં  ધાણા ૨૧મી ફેબ્રુઆરીએ ૮૧૮૧ રૂપિયે વેચાતા હતા, જેના સપ્તાહનાં  અંતે ૮૬૫૮ રૂપિયા બોલાતા હતા.

જેના તાતણે-તાતણે ગુજરાતનું  અર્થતંત્ર જોડાયેલુ છે એવા કપાસનાં વેપારમાં તમામે વિતેલા સપ્તાહમાં  હાથ બાળ્યા છે. કલ્યાણ કપાસમાં  બાર ટકા જેટલુ, કપાસિયામાં  ચાર ટકા જેટલુ,  જ્યારે ખોળમાં  ત્રણ ટકા જેટલુ  ભારે નુકસાન સહન કરવુ  પડ્યુ છે. કલ્યાણ  કપાસમાં સરેરાશ પાંચ લાખ ગાંસડીનું  ઉત્પાદન થતુ હોય છે પણ આ વખતે સાત લાખ ગાંસડી થવાનો વરતારો મુકાયો છે. શંકરમાં  પણ પડતર નથી. વૈશ્વિક બજારમાં  સતત પાંચમા વર્ષે માગ કરતા પુરવઠો વધારે હોવાનું  અમેરિકન કૃષિ વિભાગ જણાવે છે. રૂનું વૈશ્વિક ઉત્પાદન ૧૦ કરોડ ગાંસડી થવાની અને ન્યુયોર્ક વાયદામાં પણ ગાબડા  પડવાનાં  અહેવાલ છે. ચીનની રૂ ની આયાત પાછલા મહિના કરતા અડધી થઇ છે, જે ગત વર્ષ કરતા ૪૬ ટકા ઘટી શકે છે. બાકી હોય તો અમેરિકામાં  કપાસનાં વાવેતરમાં ૧૦ ટકાનો વધારો થયો છે. તેથી આગળ ખાસ તેજી દેખાતી નથી. સુરેન્દ્રનગર વી-૭૯૭ , કલ્યાણ કપાસનાં ભાવ એક અઠવાડિયામાં ૧૦૦ રૂપિયા ઘટીને ૮૨૭ રૂપિયા બંધ રહ્યા હતા.

બુલીયનમાં  ટૂંકાગાળાની તેજી બાદ સપ્તાહનાં  અંતિમ દિવસોએ ફરી ભાવ ઘટ્યા છે. રોકાણકારોને રીર્ટન ઓન ઇન્વેસ્ટમેન્ટ (આર. ઓ.આઇ) જેવુ  કાંઇ દેખાતુ નથી. અમેરિકામાં  રિટેલ સેલ્સ, મકાનોનાં વેચાણનાં આંકડા અને જોબ ડેટા નબળા આવે છે. ચીનની ઇકોનોમી નબળી પડે છે, યુક્રેનમાં  જંગ ચાલે છે, ભારત સરકાર સોના પરની ડ્યુટી ઘટાડવા હજુ વેપારીઓને લલચાવે છે. તેથી સૌ થાક્યા છે. એક સપ્તાહમાં  સોનું ૨૦૦ રૂપિયા જ્યારે ચાંદી ૧૦૦૦ રૂપિયા તુટી ગઇ છે.

KS/DP

Kalpesh Sheth

Kalpesh Sheth

લેખક બિઝનેસ ક્ષેત્રનાં વરિષ્ઠ પત્રકાર છે. અને કોમોડિટી માર્કેટનો બહોળો અનુભવ ધરાવે છે.

More...

 

(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %