ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા સરખા અને પરસ્પર વિરૂધ્ધ દિશામાં હોય છે. - વિશ્વને આ સિધ્ધાંત આપ્નારા પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ન્યુટનને ક્યા ખબર હતી કે ૨૧ મી સદીમાં ભારતનાં રાજકારણીઓ ભલે વિજ્ઞાન ભણ્યા નહી હોય પણ આ સિધ્ધાંતનો રજેરજ અમલ જાણતા હશે. દિલ્હીમાં આમ આદમી વાળા અરવિંદભાઇ અને તેમની પાર્ટીની સરકારને જે ગતિએ લોકપ્રિયતા મળી તો વિરોધી પાર્ટી વાળા તેટલી જ ગતિએ તેમની બદનામી કરી રહ્યા છે. અમારા કોમોડિટીનાં ખેલાડીઓ પણ આ સિધ્ધાંતને દૂધમાં સાકરની સાથે હલાવીને પી અર્થાત પચાવી ગયા લાગે છે. એટલેજ કદાચ એક સમયે તેજીનાં જેટ વિમાનમાં ઉડતી ગુવાર, એરંડા અને ખાંડ જેવી કોમોડિટી આજે મંદીની માલગાડીમાં જાય છે. જ્યારે સોનુ, સોયા કોમ્પ્લેક્ષ, ધાણા અને મરચા તેજીમાં છે. વિતેલા સપ્તાહમાં આ જણસોમાં રોકાણકારોને એક થી માંડીને પાંચ ટકા જેટલા માતબર વળતર નસીબ થયા હતા.
સ્પાઇસીસ સેક્ટરમાં આજકાલ ભારે ઉથલપાથલ જોવા મળે છે. વિતેલા સપ્તાહમાં ધાણા, મરચા તથા હળદરનાં વેપારમાં રોકાણકારોને બે થી પાંચ ટકા સુધીનાં રીટર્ન નસીબ થયા હતા. જ્યારે મરી તથા જીરાનાં ભાવ સપ્તાહનાં અંતે ખાસ વધઘટ વિના બંધ રહ્યા હતા. આમેય તે હળદર, મરચાની નવી સિઝન આવવાની તૈયારી છે જ્યારે ધાણા અને જીરાનાં છોડ ખેતરમાં છે. ગત સપ્તાહનાં પ્રારંભે થયેલા માવઠાનાં કારણે ખાસ કરીને ધાણાનાં પાકને ૧૫ થી ૨૦ ટકા જેટલુ ભારે નુકસાન થયુ હોવાનાં અહેવાલો મથકોએથી મળી રહ્યા છે. સામાન્ય રીતે ધાણામાં એક કરોડ બોરી પાક થતો હોય છે, આ વખતે અન્ય રવિ પાકોનાં વાવેતર વધ્યા હોવાથી ૭૦ થી ૭૫ લાખ બોરી ધાણા પાકવાનું અનુમાન હતુ. એમાંયે જો નુકસાનનાં અનુમાન સાચા પડે તો પાક વધુ ઘટી શકે છે. વળી જો વરસાદી માહોલ લાંબો સમય ટકે તો નુકસાન વધી શકે છે. સ્ટોકિસ્ટોનાં દાવા પ્રમાણે આ વખતે કોલ્ડસ્ટોરેજમાં જમા સ્ટોક સાલ ૨૦૦૮ થી અત્યાર સુધીનો સૌથી ઓછો કેરીફોરવર્ડ સ્ટોક છે. રાજસ્થાનનાં હડોતી બેલ્ટમાં કોટા, રામગંજ તથા બારાન મંડીઓમાં વિતેલા અઠવાડિયે સરેરાશ દૈનિક ૫૦૦૦ બોરી ધાણાની આવકો હતી. તેમાંયે અડધોઅડધ માલ હલકી ગુણવત્તાવાળો હોવાનું હોલસેલરો જણાવે છે. આ તમામ કારણોને લીધે ધાણાનાં ભાવ ઉંચકાયા હોવાનું વેપારીઓ જણાવે છે. ૧૭ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ ધાણાનાં ભાવ ૭૬૮૭ રૂપિયા હતા, જે ૨૪મી જાન્યુઆરીએ ૮૧૦૦ રૂપિયા બોલાતા હતા. હળદર તથા મરચામાં પણ ઘણા વિસ્તારોમાં ઊભા મોલને નુકસાન થયુ હોવાનાં સમાચાર છે. જેમાં એક અઠવાડિયામાં ક્વિન્ટલ દિઠ ૧૦૦ રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.
બુલીયનમાં આજકાલ સોનીઓ કરતા સોનીયા ગાંધી વધારે ખેલ કરી રહ્યા હોય એવુ લાગે છે. નાણા પ્રધાન ચિદમ્બરમ અંહીં કાંઇ બોલી શકતા નહીં હોય તેથી કદાચ દાવોસમાં જઇને બોલ્યા કે સોનાનાં ડ્યુટી નિયંત્રણો ઓછા કરવાની હાલમાં કોઇ દરખાસ્ત નથી. પણ હજુ આ દાવા અંગે લોકો કોઇ પ્રતિભાવ વ્યક્ત કરે તે પહેલા તો દિલ્હીમાં સોનીયાજી બોલ્યા કે સોનાની આયાત પરથી ડ્યુટી દૂર કરવાની ભલામણ તેમણે કરી છે. આવા સંજોગોમાં ભાવમાં મોટી વધઘટ થાય તે સ્વાભાવિક છે. બાકી હોય તો એક જ દિવસમાં રૂપિયો નેવુ પૈસા જેટલો નબળો પડતા તેની અસર પણ સોનાનાં ભાવ પર પડી હતી. સાથે સાથે વૈશ્વિક બજારમાં અમેરિકન શેર બજારોમાં ભારે ઘટાડો તથા ચીનનાં ઉત્પાદનનાં આંકડા નીચા આવવાનાં કારણે સોનાંના ભાવમાં એક જ દિવસમાં બે થી ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વનાં સૌથી મોટા ગોલ્ડ ઇ.ટી.એફ, એસ.પી.ડી.આર ગોલ્ડ ટ્રસ્ટમાં સોનાના સ્ટોકમાં ૫.૩૯ ટનનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક સ્તરે સરકાર જ્યાં સુધી આયાત કર ઓછી નહીં કરે ત્યાં સુધી હાજર બજારમાં પ્રિમીયમની ભારે વધઘટ યથાવત રહેશે એમ નિષ્ણાંતો જણાવે છે. એક સપ્તાહમાં ૧૦ ગ્રામ શુધ્ધ સોનાનાં ભાવમાં ૧૦૦૦ રૂપિયા સુધીની વધઘટ જોવા મળી હતી. સોનાનાં ટેકે ચાંદીમાં પણ સુધારો નોંધાયો હતો.
તેલ તથા તેલીબિયામાં સાલ ૨૦૧૪ નો સંગીન પ્રારંભ દેખાયો છે. ખાસ કરીને સોયા કોમ્પ્લેક્ષમાં રોકાણકારોને લેણનાં વેપારમાં આકર્ષક વળતર મળ્યા છે. વિતેલા સપ્તાહમાં સ્થાનિક સ્તરે ફુડ સેફ્ટીનાં કાયદાનાં વિરોધમાં હડતાળનાં કારણે મધ્યપ્રદેશમાં ત્રણ દિવસ સુધી કારોબાર લગભગ બંધ જેવા હતા. વૈશ્વિક બજારમાં ચીનની અમેરિકાથી થયેલી સોયાબીનની ભારે આયાતનાં અહેવાલો હજુ બજારને તપાવી રહ્યા છે, જોકે એકાદ બે સપ્તાહમાં બ્રાઝિલ આર્જેન્ટિનાનાં નવા પાકની આવકો શરૂ થશે, સપ્તાહનાં અંતિમ દિવસોમાં મલેશિયામાં પામ તેલ પણ ઘટ્યુ હતુ. ડિસેમ્બર-૧૩માં ભારતમાંથી સોયા ખોળની નિકાસમાં પણ ૮.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સોપાનો અહેવાલ જણાવે છે કે આ વર્ષે સોયા ખોળની નિકાસ ૪૦ લાખ ટનથી પણ ઓછી રહેશે. હાલમાં વૈશ્વિક બજારમાં ચાલતા સોયાખોળનાં ભાવે નિકાસ કરવી આપણા મિલરોને પરવડે તેમ નથી. બીજી તરફ ભારતમાં ૧૨૨ લાખ ટન સોયાબીનનો પાક હોવા છતા હજુ બજારમાં માંડ ૪૫ લાખ ટન સોયાબીનની આવક થઇ છે. ખેડૂતો ઉંચા ભાવની આશાએ માલ કાઢતા નથી. હવે દક્ષિણ અમેરિકાનો પાક આવવો શરૂ થશે ત્યારે વૈશ્વિક બજારમાં ભાવ વધારે ઘટશે. ૧૭ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ સોયાબીનનાં ભાવ ૩૭૯૧ રૂપિયા હતા, જે સપ્તાહને અંતે ૩૯૬૩ રૂપિયા બંધ રહ્યા હતા.
એરંડામાં તેજીવાળાની નૈયા મધ દરિયે ડુબવા માંડી છે. વિતેલા સપ્તાહમાં પણ લેણનાં વેપાર ઉભા રાખનારાઓને ચાર થી પાંચ ટકા જેટલુ નુકસાન સહન કરવુ પડ્યુ છે. મંદીવાળા મુડમાં છે. નવી આવકો ૧૫ થી ૨૦ દિવસમાં શરૂ થવાની ધારણા છે. હાલમાં સિઝન શરૂ થઇ નહોવા છતા વિતેલા સપ્તાહમાં દૈનિક સરેરાશ ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી. સોલવન્ટ એક્સ્ટ્રેકર્સ એશોસિએશનનાં આંકડા બોલે છે કે ડિસેમ્બર-૧૩માં ૩૮૭૪૪ ટન એરંડિયાની નિકાસ થઇ છે જે સાલ ૨૦૧૨નાં ડિસેમ્બરમાં ૨૦,૭૪૨ ટન હતી. બેશક પાછલા મહિને નિકાસ વધારે છે પણ હવે નિકાસ માંગ રહેશે કે કેમ એ એક સવાલ છે.
૧૬ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ એરંડાનાં ભાવ ૪૨૬૧ રૂપિયા હતા, જે સપ્તાહનાં અંતે ૪૦૭૭ રૂપિયા બોલાતા હતા.
સ્વીટનર સેગ્મેન્ટમાં પણ વિતેલા સપ્તાહમાં બેતરફી રાહ જોવા મળ્યા. ગોળમાં સપ્તાહ દરમિયાન ઉછાળો જોવા મળ્યો, જોકે સપ્તાહનાં અંતે ભાવ તુટ્યા હતા. બીજી તરફ ખાંડમાં તેજીની આશાએ બેઠેલા લોકો નિરાશ થઇ રહ્યા છે. સરકારે વાતો કરી પણ કાચી ખાંડને પ્રોત્સાહન આપતા પગલાની સૌ રાહ જોઇ રહ્યા છે. મિલો પાસે માલ પુરતો છે. બ્રાઝિલમાં પણ ઉત્પાદન વધારે આવવાની ધારણા છે. રોકાણકારોને લેણનાં વેપારમાં બે ટકા સુધીનું નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. ૧૬ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ ખાંડનાં ભાવ ૨૭૮૭ રૂપિયા હતા, જે સપ્તાહનાં અંતે ૨૭૪૦ રૂપિયા બંધ રહ્યા હતા.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: