તેલ તથા તેલિબીયા લગભગ બે માસથી શાંત હતા, પણ વિતેલા સપ્તાહમાં રોકાણકારોને સોયાતેલ, સોયાબીન, સોયાખોળ તથા સરસવનાં રોકાણમાં રોકાણકારોને સરેરાશ એક થી માંડીને ત્રણ ટકા જેટલા વળતર નસીબ થયા હતા. વૈશ્વિક બજારમાં ચીને અમેરિકામાંથી સોયાબીનની આયાત નવેમ્બર-૧૩માં થયેલી આયાત કરતા ૨૬ ટકા વધારી છે. ડિસેમ્બર-૧૩માં ચીને ૭૪ લાખ ટન સોયાબીન આયાત કરી હતી. જનરલ એડમીનીસ્ટ્રેશન ઓફ કસ્ટમનાં અહેવાલો પ્રમાણે ચીનમાં ડુક્કર તથા પોલ્ટ્રી ઉદ્યોગમાં ખાવા માટે સોયાબીનનો વપરાશ વધ્યો હોવાથી સાલ-૨૦૧૩માં ચીને ૬૩૩.૮ લાખ ટન સોયાબીનની ખરીદી કરી છે. જે સાલ ૨૦૧૨ ની સરખામણીએ ૮.૬ ટકાનો વધારો દેખાડે છે. આમ વૈશ્વિક બજારનાં ટેકે સ્થાનિક સ્તરે પણ સોયા કોમ્પ્લેક્ષમાંબજાર ઉંચકાયુ હતુ. ૧૦ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ સોયાબીનનાં ભાવ ૩૭૩૨ રૂપિયા હતા જ્યારે ૧૭ મી જાન્યુઆરીએ ૩૭૯૩ રૂપિયા બંધ રહ્યા હતા. સોયાતેલ, સોયાખોળ તથા સરસવમાં પણ સપ્તાહનો અંત ઉંચા મથાળે થયો હતો.
સ્થાનિક મંડીઓમાં વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનિક ૩૫,૦૦૦ ટન સોયાબીનની આવકો નોંધાઇ હતી. જોકે નિષ્ણાંતોનાં મતે આ તેજી લાંબી ખેંચાશે નહી કારણકે આગામી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં આર્જેન્ટિના અને બ્રાઝિલમાં નવા પાકની આવકો શરૂ થશે. એરંડામાં ભરતી અને ઓટનાં મોજા અચાનક શાંત થઇ ગયા છે. પેલા કિસાન સંઘવાળાઓએ એરંડાનાં ભાવ ૬૦૦૦ થી ૭૦૦૦ રૂપિયા કરવાની માગણી તો કરી પણ કદાચ કોઇએ સાંભળી નથી. ઉલટાનાં ભાવ ઘટ્યા છે. વિતેલા અઠવાડિયામાં એરંડામાં લેણનાં ઓળિયા ઉભા રાખનારા રોકાણકારોને દોઢ થી બે ટકા સુધીનો માર સહન કરવો પડ્યો. મથકો બેઠેલા હોલસેલરો જણાવે છે કે આગામી મહિને નવા માલની આવકો પુર જોશમાં શરૂ થશે. કોઇટ(સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓઈલ સીડ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ)નાં વરતારા પ્રમાણે સાલ ૨૦૧૩-૧૪ માં ભારતમાં એરંડાનું ઉત્પાદન ૧૨ લાખ ટન થશે. જ્યારે હાલમાં ચાર થી પાંચ લાખ ટન એરંડાનો કેરી ફોરવર્ડ સ્ટોક છે. એક્સચેન્જોનાં ગોદામોમાં જ ૫૦,૦૦૦ ટન જેટલા એરંડા પડ્યા છે. જોકે તેજી વાળા આ સ્ટોક બે થી અઢી લાખ ટન હોવાનું સાબિત કરવાના પ્રયાસ કરે છે. મંદી વાળા ઉત્પાદન ૧૪ લાખ ટન થવાની ધારણા મુકે છે. બસ આજ કારણ છે કે એરંડો છાશ વારે ઉપર નીચે થાય છે. જ્યારે બજાર અનિયમીત હોય ત્યારે આવા મોરલા કળા કરીને મલાઇ ખાવાની પેરવી કરે તે સ્વાભાવિક છે. વિતેલા સપ્તાહમાં તહેવારોની રજા હોવા છતા મંડીઓમાં સરેરાશ દૈનિક ૧૨,૦૦૦ ટન એરંડાની આવકો નોંધાઇ હતી. મતલબ કે હાજર બજારમાં હજુ પણ માલનો બોજ છે. ૧૦ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ એરંડાનાં ભાવ ૪૩૨૮ રૂપિયા હતા જે ૧૭ મી જાન્યુઆરીએ ૪૨૬૨ રૂપિયા બંધ રહ્યા હતા.
સપ્તાહ દરમિયાન સ્પાઇસીસ સેક્ટરમાં માહોલ ઠંડો રહ્યો હતો. અલબા હળદરમાં સૌને ભાવ વધવાની આશા હતી, પણ નિઝામાબાદમાં પોંગલનાં તહેવારો બાદ સરેરાશ દૈનિક ૩૦૦૦ ગુણી માલની આવકો નોંધાઇ હતી. સાંગલી તથા ડુગ્ગીરાળામાં પણ છુટક આવકો જોવા મળી હતી. ઇરોડ સહિતનાં સેન્ટરોમાં હજુ નવા માલની આવકો પુર જોશમાં ચાલુ થાય તેની સૌ રાહ જુએ છે. સપ્તાહ દરમિયાન ધાણામાં રોકાણકારોને એક થી બે ટકા જેટલો વ્યાજ છુટે એટલો નફો નસીબ થયો હતો. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે હાલમાં પડી રહેલા ઠારનાં કારણે ધાણામાં આગામી સિઝન થોડી મોડી પડી શકે છે. ગુજરાતમાં વાવેતર વધારે હોવાના સમાચાર છે પણ રાજસ્થાનમાં ઉતારા ઓછા આવવાની શક્યતાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે, પણ આ શક્યતાનાં મજબુત કારણો તેમની પાસે પણ નથી. ૧૦ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ ધાણાનાં ભાવ ૭૫૬૦ રૂપિયા હતા, જે સપ્તાહનાં અંતે ૭૬૮૭ રૂપિયા બંધ રહ્યા હતા.
કોટન કોમ્પ્લેક્ષમાં પણ વિતેલા અઠવાડિયામાં રોકાણકારોને એક થી માંડીને ત્રણ ટકા વળતર નસીબ થયા છે. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે કપાસની આવકો હજુ ધાર્યા પ્રમાણે થતી નથી. ઓણ સાલ ૩૭૫ લાખ ગાંસડી થવાની ધારણા મુકાઇ છે. શંકર કપાસનાં જીનીંગની અડધી સિઝન પુરી થવા આવી પણ હજુ સુધી ૧૬૦ લાખ ગાંસડી ગોડાઉન થઇ છે. સી.સી.આઇ. ના આંકડા બોલે છે કે આ સિઝનમાં પાક વધારે હોવા છતાં હજુ સુધી ગત સિઝનની સરખામણીએ રૂ ની આવકો ૧૬ ટકા ઓછી છે. આવકોનો ઘટાડો મુખ્યત્વે પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં જોવા મળ્યો હતો. હાલમાં જીનરોને મશીન ચલાવવા માલ જોઇએ છે, ખેડૂતોને સસ્તો વેચવો નથી. વળી દેશમાંરૂ ની ખપત પાંચ થી છ ટકા વધવાની પણ ધારણા મુકાઇ છે. વિતેલા સપ્તાહ દરમિયાન રૂ નાં ભાવમાં ૫૦૦ રૂપિયા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે આંકડા બોલે છે કે સ્ટોક તથા ઉત્પાદનની બેલેન્સ સીટ ગત વર્ષ કરતા વધારે રહેશે. કપાસિયાનો ખોળ પણ ૧૫૫૧ રૂપિયા વાળો વધીને ૧૫૬૬ રૂપિયા બંધ રહ્યો હતો.
બુલીયનનાં રોકાણકારો માથેથી હજુ પનોતી ઉતરી નથી. વિતેલા સપ્તાહમાં સોનાનાં રોકાણમાં ઇન્વેસ્ટરોને દોઢ થી બે ટકાની નુકસાની વેઠવી પડી. વૈશ્વિક બજારમાં અમેરિકાનાં જોબ ડેટાએ સોનાવાળાની બાજી બગાડી હોવાનું કહેવાય છે. અમેરિકાનાં બ્યુરો ઓફ લેબર સ્ટેટેસ્ટીકનાં આંકડા જણાવે છે કે ડિસેમ્બર-૧૩ માં બેરોજગારી ૭.૦ ટકા થી ઘટીને ૬.૭ ટકા થઇ ગઇ છે. બીનકૃષિ રોજગારીમાં ૭૪૦૦૦ કર્મચારીનો વધારો થયો છે. રીટેલ તથા હોલસેલ એમ બન્ને સેક્ટરમાં નોકરી વધી હોવાથી અમેરિકાની ઇકોનોમી સુધરી હોવાનાં સંકેત મળે છે. પરિણામે સોનું સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટની અપીલ ગુમાવી રહ્યુ છે. વિતેલા સપ્તાહની શેરબજારોની સ્થિતી પણ રોકાણકારોના આ માનસનાં સંકેત આપે છે. વિતેલા સપ્તાહમાં૧૦ મી જાન્યુઆરીએ ૧૦ ગ્રામ શુધ્ધ સોનાનાં ભાવ ૨૯,૩૭૫ રૂપિયા હતા, જે ૧૭ મી જાન્યુઆરીએ ૨૯,૦૦૦ રૂપિયાનાં મથાળે બંધ રહ્યા હતા. બીજીતરફ ચાંદીમાં સ્થાનિક ખરીદી ટકી રહેતા બજાર સ્થિર રહ્યા હતા.
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: