આખી દુનિયામાં ભારતની લોકશાહીને ઉત્તમ માનવામાં આવે છે. સમાજનાં નીચલા વર્ગનો માનવી જો દેશનો નાગરિક હોય તો તેને પોતાનાં નેતા ચૂંટવાનો અને આ નેતાનાં માધ્યમથી વડાપ્રધાન ચૂંટવાનો સીધો અધિકાર છે.
જે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સાબિત થયુ છે. આપણી લોકશાહી બેનમુન છે. પણ આપણા રાજનેતાઓ નમુના છે. બીજી ભાષામાં કહીએ તો આ એક એવુ પ્રાણી છે જેનો ક્યારેય ભરોસો થઇ શકે નહી. પેલા આમ આદમી વાળા ચાર દિન કી ચાંદનીની જેમ સાદગીનો સંદેશ લઇને આવ્યા, જેવો વિધાનસભામાં વિશ્વાસનો મત મળ્યો કે તરત જ સરકારી મોટરોમાં ફરવા માંડ્યા. કદાચ તેઓ પણ અન્યોની જેમ રૂઆબ કરતા થઇ જશે કે મેરે પાસ ગાડી હૈ...બંગલા હૈ...બેંન્ક બેલેન્સ હૈ...આ પ્રાણી પોતાનાં સિધ્ધાંતોને હવાની દિશા પારખીને બદલવામાં માહેર હોય છે. તે પછી કેજરીવાલનાં પ્રધાનોની સાદગી હોય, મોદીનું હિન્દુત્વ હોય કે મનમોહનની નિવૃતિ...સૌના માટે સિધ્ધાંત એક છે. રાજકારણીઓનો આ પરંપરાગત રોગ આજકાલ કોમોડિટીનાં રોકાણકારોને પણ લાગુ પડ્યો લાગે છે. કારણકે ગત સપ્તાહે જે કોમોડિટીમાં મંદીની સર્કિટો લાગી હતી તે જ એરંડા, ધાણા અને ગુવારમાં રોકાણકારોને વિતેલા સપ્તાહમાં તેજીનાં વેપારમાં છ થી માંડીને નવ ટકા જેટલા ઉંચા વળતર નસીબ થયા હતા. જોકે તેલ-તેલિબીયા, અમુક મસાલા તથા શેર બજારે કોઇ ખાસ વળતર વિના શુન્યકાળ જેવો સમય વિતાવ્યો હતો.
એરંડાએ વિતેલા સપ્તાહમાં જાણે થર્ટી ફસ્ટ સેલીબ્રેટ કરી હોય તેમ અચાનક ગાંડી તેજી દેખાડી છે. ફંડામેન્ટલ કદાચ એટલા ઝડપથી બદલાયા નહોય પણ રોકાણકારોનાં માનસ બદલાતા બજારની દિશા બદલાઇ છે. મથકોએથી મળતા અહેવાલો જણાવે છે કે ખેડૂતોને ૪૧૦૦ રૂપિયાથી નીચા ભાવે હાજર બજારમાં એરંડો વેચવો નથી. તેથી ગત સપ્તાહમાં જેવા ભાવ ઘટ્યા કે મંડીઓમાં આવકો ઘટવા માંડી હતી. મળતા અહેવાલો પ્રમાણે સરેરાશ દૈનિક ૩૦,૦૦૦ બોરી એરંડાની આવકો નોંધાઇ હતી. આ ઉપરાંત રાજસ્થાન, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં પાછલા સપ્તાહે પડેલી કડકડતી ઠંડીનાં કારણે એરંડાનો બીજી વિણાઇનો પાક મોડો થવાની ધારણા મુકાઇ છે. દક્ષિણ ભારતમાં લો- પ્રેશરનાં કારણે હવામાન બદલાશે એવી આગાહી થઇ હતી તે પણ સાચી પડી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં નીચા ભાવે શીપર્સોએ માલ ઉઠાવ્યા હોવાના પણ અહેવાલો છે. સાદી ભાષામાં કહીએ તો નીચા ભાવે માલ મંડીમાં વેચાવા આવતો જ નહોય તો ભાવ વધવાનાં સ્વાભાવિક છે. સામા પક્ષે ઉંચા ભાવે નિકાસનાં વેપાર થતા નથી તેથી ૪૦૦૦ રૂપિયાથી ૫૫૦૦ રૂપિયાની વચ્ચે ભાવ ફરતા રહે છે. વિતેલા સપ્તાહમાં પણ ૨૭ મી ડિસેમ્બરે એરંડા ક્વિન્ટલ દિઠ ૪૦૮૭ રૂપિયા હતા. જે ત્રીજી જાન્યુઆરીએ ૪૪૦૦ રૂપિયા બોલાતા હતા. અન્ય તેલ તથા તેલિબીયા જેવા કે સોયાબીન, સોયાતેલ, સોયાખોળ, સરસવ અને તેની પેદાશોમાં કોઇ ખાસ વધઘટ દેખાઇ નથી. સરસવમાં એક તરફ રાજસ્થાનમાં ઠંડી વધે તો પાકને નુકસાન થવાનો ભય તેજીવાળા બતાવી રહ્યા છે તો મંદીવાળા ગુજરાતની સહકારી સંસ્થાઓની જુના માલની વેચવાલીનું બહાનુ દેખાડી રહ્યા છે. જોકે કપાસિયા અને કપાસિયાનાં ખોળમાં રોકાણકારોને ત્રણ થી પાંચ ટકાનું વળતર જરૂર મળ્યુ છે. અંહીં પણ ખેડૂતોની ૧૦૦૦ રૂપિયાથી નીચા ભાવે કપાસ નહી વેચવાની માનસિકતા અસર કરી રહી હોવાનું મથકોએથી મળતા અહેવાલોમાં જાણવા મળે છે. સામા પક્ષે મિલરોને મિલ ચલાવવી હોવાથી થોડા ઉંચા ભાવે પણ તેઓ કપાસ લેવા જાય છે. પરિણામે કપાસિયાનાં ભાવ ઉંચકાયા છે અને તેના જોરે કપાસિયા ખોળનાં ભાવ પણ ઉચકાયા હોવાનું દલાલો જણાવે છે. ૨૭ મી ડિસેમ્બરે કપાસિયા ખોળનાં ભાવ ૧૪૧૦ રૂપિયા હતા જે ત્રીજી જાન્યુઆરીએ ૧૪૮૨ રૂપિયા બંધ રહ્યા હતા.
મસાલાનાં સેક્ટરમાં ફરી ધાણા તથા હળદરમાં તેજીનો પવન ફૂંકાયો હતો. જેમાં રોકાણકારોને એક સપ્તાહમાં પાંચ થી સાત ટકા જેટલુ ભારે વળતર નસીબ થયુ હતુ. જ્યારે મરી, મરચા તથા જીરામાં ટેસ્ટ મેચનાં ખેલાડીઓનાં જેમ ધીમી અને માંડ અડધા ટકાથી એક ટકા જેટલા વ્યાજ છુટે એટલા વળતરની ગેમ જોવા મળી હતી. હળદરમાં તેજીનાં કારણો પાછળ માંગ અને માવઠાને જવાબદાર ગણાવાય છે.
આંધ્ર પ્રદેશમાં નિઝામાબાદ સહિતનાં ઘણા વિસ્તારોમાં પાછલા સપ્તાહે થયેલા માવઠાનાં કારણે ૧૦ થી ૧૫ ટકા પાક ડેમેજ થવાની શંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર ભારતમાં હળદરનો સ્ટોક ખાલી હોવાનાં અને વેપારીઓ નવા માલની આવકોની રાહમાં હોવાનું સ્ટોકિસ્ટો જણાવે છે. નિઝામાબાદમાં જાન્યુઆરીનાં અંતિમ સપ્તાહમાં નવી હળદરની આવકો શરૂ થશે ત્યારે જોરદાર લેવાલી નીકળશે એવુ દલાલોનું અનુમાન છે. હાલમાં નિઝામાબાદ, ઇરોડ તથા સાંગલી મંડીઓમાં મળીને કુલ સરેરાશ દૈનિક ૨૦૦૦ થી ૨૨૦૦ ટન હળદરની આવકો નોંધાઇ હતી.૨૭ મી ડિસેમ્બરે ક્વિન્ટલ દિઠ હળદરનાં ભાવ ૫૫૧૬ રૂપિયા હતા જે ત્રીજી જાન્યુઆરીએ ૫૭૯૫ રૂપિયા બંધ રહ્યા હતા. ધાણામાં રોકાણકારોને રાજસ્થાન તથા મધ્યપ્રદેશનાં મથકોએ બદલાયેલા હવામાને તેજી કરવાનું કારણ પુરૂ પાડ્યુ છે.
ગત સપ્તાહે રાજસ્થાનનાં હડોતી વિસ્તારનાં કોટા, રામગંજ, બારાનમાં માવઠું થયુ હતુ. જ્યારે મધ્યપ્રદેશનાં નિમચ, ગુના તથા છબડા પંથકમાં ભારે ઠંડીનાં કારણે હિમ પડવાની દહેશત વચ્ચે ભાવ ઉંચકાયા હતા. હડૌતીની ત્રણેય મંડીઓમાં મળીને વિતેલા સપ્તાહમાં સરેરાશ દૈનક ૧૦,૦૦૦ થી ૧૧,૦૦૦ બોરી ધાણાની આવકો નોંધાઇ હતી. હોલસેલરો જણાવે છે કે પાછલી સિઝનનો માલ હવે પુરો થવામાં છે. જેથી ક્વોલીટી માલની અછત છે. જે કાંઇ આવકો થાય છે તેમાંથી માંડ ૫૦ ટકા આવકો સારી ગુણવત્તાવાળી હોય છે તેથી ભાવ ઉંચકાયા છે. ૨૭ મી ડિસેમ્બરે ક્વિન્ટલ દિઠ ધાણાનાં ભાવ ૭૨૪૬ રૂપિયા હતા, જે ત્રીજી જાન્યુઆરીએ ૭૭૦૫ રૂપિયા બોલાતા હતા.
ગુવાર સીડ તથા ગમમાં વિતેલા સપ્તાહમાં પાછી તેજીની ચિનગારી જોવા મળી હતી. રોકાણકારોને એક અઠવાડિયામાં ગુવાર સીડ તથા ગમ બન્નેમાં સરેરાશ છ થી આઠ ટકા જેટલુ વળતર મળ્યુ હતુ. મુળ હવે ગુવારમાં નીચા ભાવે ખેડૂતો મંડીમાંદેખાતા જ નથી, જે લોકો ખુબ જરૂરવાળા હતા તેઓ માલ વેચીને ચાલ્યા ગયા છે, હવે સૌ ભાવ સારા મળેતો જ વેચવાનાં મુડમાં છે. વિતેલા સપ્તાહમાં દેશાવરની મંડીઓમાં હાલમાં પીક સિઝન હોવા છતા ૧૫,૦૦૦ ટન ગુવારની આવકો હતી. જે ભાવ ૫૦૦૦ રૂપિયાની સપાટીએ હતા ત્યારે ૩૦,૦૦૦ ટન સુધી પહોંચતી હતી. નિપજ વધારે છે. આશરે ૨૫ લાખ ટનથી વધારે ગુવાર સીડનો આ વખતનો પાક ગણીએ તો હજુ ગોદામોમાં માલ ઘણો પડ્યો છે, પણ ખેડૂતો વેચતા નથી. હાજરમાં માલની ખેંચનાં કારણે ભાવ ઉંચકાયા હોવાનું સ્થાનિક સ્ટોકિસ્ટો જણાવે છે. નીચા ભાવ રહે અને વિદેશી આયાતકારોને અન્ય વિકલ્પો કરતા ગુવાર ગમ સસ્તો પડે ત્યારે જ ગુવાર ગમની નિકાસલક્ષી ખરીદી નીકળે છે. નવા વર્ષનાં પ્રારંભે ગુજરાતનાં અમુક મિલરોએ નિકાસનાં સોદા કર્યા હોવાની વાતો આવતા ફરી બજાર ઉંચકાયુ હતુ. ૨૭ મી ડિસેમ્બરે ક્વિન્ટલ દિઠ ગુવાર સીડનાં ભાવ ૪૩૧૯ રૂપિયા હતા, જે ત્રીજી જાન્યુઆરીએ વધીને ૪૬૫૦ રૂપિયા બંધ રહ્યા હતા.
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: