ચાર રાજ્યોની ચૂંટણીઓ હાર્યા બાદ કોંગ્રેસની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ ગઇ છે. પહેલા રાહુલ ગાંધીને વડાપ્રધાન પદનાં ઉમેદવાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી પણ સર્વેનાં અહેવાલો આવ્યાં કે શાહજાદા સલીમનો પોપ્યુલારીટી ગ્રાફ હજુ વડાપ્રધાન પદના‘ બીજા ઉમેદવાર નરેન્દ્ર મોદી કરતા નીચો છે. હવે રાહુલને મેદાન માંથી પાછા બોલાવાય તો કોંગ્રેસની શાન જાય અને જો મેદાનમં લડવા છોડી દેવાય તો સાખ તથા રાહુલની કારકીર્દી બન્ને જાય..! હવે સોનિયાજીની ટીમે રાહુલની હાલત સુધારવા ૫૦૦ કરોડ રૂપિયાનું આંધણ કરીને પબ્લીક રીલેશન એજન્સી રોકી હોવાનાં અહેવાલો આવ્યા છે. આમાં સાચુ કેટલું ખબર નથી. પણ પાસા ઉંધા પડતા હોય ત્યારે પૈસા ના જોરે પાસા સીધા પાડવાનાં પ્રયાસ કરવા એ ગેમ ચેન્જીંગનો સિઘ્ધાંત છે. શતરંજ હોય કે શેર બજાર, આ સિઘ્ધાંત કોમન રહે છે. છેલ્લા થોડા સમયથી કોમોડિટીનાં વેપારમાં પણ આવા પ્રયાસ થયા હોવાનું ચર્ચાય છે. ગુવાર, એરંડા, સોના-ચાંદી, જેવી ઘણી કોમોડિટીમાં મોટા માથાએ બજારને પોતાની ફેવરમાં કરવાનાં પ્રયાસ કર્યા હશે .. તેમાં કોણ કેટલું ફાવ્યું તે જાણવું મુશ્કેલ છે. પણ ગુવાર અને એરંડા આજે સ્થિતપ્રજ્ઞ થઇ ગયેલા દિવ્યાત્માની જેમ શાંત પડ્યા છે. વિતેલા સપ્તાહમાં જીરૂ, કપાસ, સરસવ,સોયાતેલ, ખાંડ, બુલીયન અને ચણા જેવી કોમોડિટીમાં રોકાણકારોને લેણનાં વેપારમાં એક થી માંડીને છ ટકા સુધીનું નુકસાન સહન કરવું પડ્યું છે. જ્યારે હળદર તથા મરીમાં લોકોને પાંચેક ટકા જેટલા વળતર નસીબ થયા હતા.
ઓઇલ સીડમાં મંદીની આગેવાની સોયાબીન તથા સરસવે લીધી હતી. અગાઉ જણાવ્યુ હતું તે પ્રમાણે જ બ્રાઝિલ તથા આર્જેન્ટિનાનાં નવા પાકની આવકો શરૂ થતાં સોયાબીનનાં ભાવ તુટ્યા હતા. બ્રાઝિલે હાલમાં જ સોયાબીનનું પ્રથમ શીપ ચીન માટે રવાના કર્યુ હોવાના અહેવાલ છે. નિષ્ણાંતો જણાવે છે કે હવે આ બન્ને દેશોની આવકો વધતા ભારત પાસેથી સોયા ખોળ લેતા દેશો એ તરફ વળશે, આપણા મિલરોની પડતર નેગેટિવ થશે પણિામે અંહીં વધુ ભાવ દબાઇ શકે છે. આમતો સ્થાનિક સ્તરે ઓક્ટોબરમાં નવો માલ આવવો શરૂ થાય અને આ દિવસોમાં ઘટી પણ જાય પણ મઘ્યપ્રદેશની મંડીઓમાં હજુ પણ મહારાષ્ટ્રમાં ચાર લાખ બોરી અને મઘ્યપ્રદેશમાં દોઢ લાખ બોરી સોયાબીનની આવકો નોંધાઇ હતી. ૨૪ મી જાન્યુઆરીએ સોયાબીનનાં તેલનાં ભાવ ૭૦૧ રૂપિયા હતા જે સપ્તાહનાં અંતે ૬૯૦ રૂપિયા બંધ રહ્યા હતા.
સરસવમાં પણ વિતેલા સપ્તાહમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ વખતે ૭૨ થી ૭૫ લાખ ટન સરસવ પાકવાનો અંદાજ મુકાયો છે. પરિણામે સૌ જુના સ્ટોકને ખાલી કરવામાં પડ્યા છે, રાજસ્થાનની ગંગાનગર, કોટા, જયપુર, અલ્વર અને ભરત પુર તથા ગુજરાતની પાટણ તથા ડીસા મંડીઓમાં વિતેલા સપ્તાહમાં ૨૩૦૦૦૦ બોરી સરસવની આવકો દેખાઇ હતી. નવા માલની આવકો માર્ચનાં અંત સુધીમાં ચાલુ થાય અને હવામાન સાનુકુળ રહે તો બહુ મોટી તેજી નિષ્ણાંતો જોતા નથી. ૨૪ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ સરસવનાં ભાવ ૩૬૦૦ રૂપિયા હતા જે સપ્તાહના અંતે ૩૪૬૦ રૂપિયા બંધ રહ્યા હતા.
બુલીયનમાં આ વખતનો લગન ગાળો પણ તેજી લાવી શક્યો નથી. વૈશ્વિક સ્તરે અમેરિકન ફેડરલે સ્ટીમ્યુલસ પ્રોગ્રામ અંગેની નીતિ યથાવત રાખી છે. બાકી હતું તો ડોલર પણ મજબુત થયો. લુનારનાં તેહવારોનાં કારણે ચીનની ખરીદી આગામી સપ્તાહે પણ લગભગ બંધ રહેશે. સ્થાનિક સ્તરે ઇમ્પોર્ટ ડયુટીનાં મામલે સોનિયા તાણે સીમ ભણી અને ચીદમ્બરમ તાણે ગામ ભણી જેવા ઘાટ છે. એમાં બુલીયનનાં વેપારીઓની હાલત સુધરવાનાં ચાન્સ નથી. હવે જ્યાં સુધી નવી સરકાર અને નવી નીતિ નહી આવે ત્યાં સુધી આમ જ ચાલશે એવું વિશ્લેષકો જણાવે છે. સપ્તાહનાં પ્રારંભે ૧૦ ગ્રામ શુઘ્ધ સોનનાં ભાવ ૨૯૭૦૦ રૂપિયા હતા જે સપ્તાહનાં અંતે ૨૯૫૨૦ રૂપિયા બંધ રહ્યા હતા. એક કિલો શુઘ્ધ ચાંદીનાં ભાવમાં પણ ૧૫૦૦ રૂપિયાનોં ઘટાડો જોવા મળ્યો હતો.
સ્પાઇસીસ સેક્ટરમાં વિતેલા સપ્તાહમાં ધાણા અને જીરામાં રોકાણકારોએ દોઢ થી છ ટકા સુધીનો માર સહન કરવો પડ્યો. જ્યારે હળદર તથા મરીમાં દોઢ થી છ ટકા જેટલું વળતર રળવાની તક મળી. ધાણામાં રાજસ્થાનનાં હડોતી પટ્ટામાં જુનો સ્ટોક ખાલી કરવા દોડેલા ખેડૂતોનો ઘસારો જોવા મળ્યો હતો. અગાઉનાં સપ્તાહમાં સરેરાશ દૈનિક ૬૦૦૦ બોરી ધાણાની આવકો હતી જે ગત સપ્તાહે વધીને ૧૫૦૦૦ બોરી થઇ ગઇ હતી. ગત અઠવાડિયે થયેલા માવઠાની અસર જોવા મળતી નથી. ઉલટાનું જ્યાં મોડા વાવેતર થયા છે ત્યાં હવે તડકો હોવાથી પાક વધી શકે છે. હોલસેલરોને નવા માલની રાહ છે. હવામાનની સાથે ભાવની દિશા પણ બદલાશે એવું મથકે બેઠેલા વેપારીઓ જણાવેછે. ૨૪ મી જાન્યુઆરીએ ક્વિન્ટલ દિઠ ધાણાનાં ભાવ ૮૧૧૭ રૂપિયા હતા જે ધટીને સપ્તાહનાં અતે ૭૮૯૨ રૂપિયા બંધ રહ્યા હતા.
જીરામાં ઉંઝા માર્કેટ યાર્ડમાં નવા માલનાં સેમ્પલ દેખાવા માંડ્યા છે. આ વખતે ૨૦ થી ૨૫ ટકા માલ વધારે આવવાની ધારણા મુકાઇ છે. સૌને વેચાણ ઉભા રાખવા છે તેથી આગળ મંદી દૈખાતી હોય એવું લાગે છે. ઉંઝા તથા જોધપુર મંડીમાં મળીને ૬૦૦૦ બોરી માલની આવકો જોવા મળી હતી. સપ્તાહનાં પ્રારંભે ક્વિન્ટલ દિઠ જીરાનાં ભાવ ૧૨૬૮૦ રૂપિયા હતા જે સપ્તાહનાં અંતે ૧૨૫૦૭ રૂપિયા બોલાતા હતા.
હળદરમાં શ્રીલંકા, મલેશિયા તથા આરબ અમિરાતની જોરદાર ખરીદી વચ્ચે વિતેલા અઠવાડિયામાં રોકાણકારોને પાંચ ટકા જેટલું ઉંચુ વળતર નસીબ થયું હતું . ઇરોડમાં સારી ગુણવાતા વાળા માલ આવવા શરૂ થયા હોવાથી ઉાર ભારતની પણ ડિમાન્ડ નીકળી છે. હાલમાં સ્પોટ તથા વાયદાનાં ભાવ પણ એક સાથે ચાલતા હોવાથી હજુ નવા વિદેશી ઓર્ડર મળવાની નિકાસકારોને આશા છે. જોકે સ્થાનિક લેવાલીનો ટેકો કેવો રહે છે તેના પર બજારનો મોટો મદાર રહેશે. ઇરોડમાં ક્વિન્ટલ દિઠ હળદરનાં ભાવ ૬૦૮૬ રૂપિયા હતા જે સપ્તાહનાં અં તે ૬૪૦૦ રૂપિયા મુકાતા હતા.
RP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: