
યુવા સમુદાયના પ્રેરક, વિચારક અને શબ્દસર્જક જય વસાવડાએ ભારતના ચૂંટણીપંચ પુરસ્કૃત મતદાર જાગૃતિ અને શિક્ષણ અભિયાનને પ્રોત્સાહિત કરતાં એક વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, નિરાશાવાદ સાથે મતદાનથી અળગા રહેવાની નકારાત્મકતાને બદલે આશાવાદ સાથે સકારાત્મક પરિણામો મેળવવા મતદાન કરવું જ જોઇએ.
મહાત્મા ગાંધીજીએ લોકશિક્ષણ પહેલાં અને લોકસ્વરાજ્ય પછી એવી હિમાયત કરી હતી તેની યાદ અપાવતાં જયભાઇએ જણાવ્યું હતું કે, મતદાનના અધિકારનું શું કરવું અને સચોટતાપૂર્વક તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું લોકશિક્ષણ આપવું જરૂરી છે.
મતદાન કરશો તો જ મેસેજ જશે તેવી લાગણી વ્યક્ત કરતાં જય વસાવડાએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ તો નાગરિક મંતવ્યની અભિવ્યક્તિ (ઓપિનિયન) છે, પ્રત્યેક મતદારની તે નૈતિક ફરજ છે. લોકશાહીમાં હક્કો- અધિકારો પ્રત્યે જેટલો ઉત્સાહ બતાવીએ છે ત્યારે મતદાન જેવી નાગરિક ફરજો અદા કરવામાં ઉદાસીનતા કેમ ચાલે ? જ્ઞાતિ કે ધર્મ, સંપ્રદાય કે સમુદાય જેવી બાબતોથી ઉત્પ્રેરિત થઇને મતદાનમથકે જવાની વૃત્તિ જોવા મળે છે તેના બદલે પોતાની જાતે, સ્વયંપ્રેરિત થઇને, નાગરિક તરીકેનું કર્તવ્ય અદા કરવા ખાસ ભલામણ કરી હતી.
મારા એક મતનું શું મૂલ્ય ? તેવી વિચારધારાને હતોત્સાહિત કરતાં જયભાઇએ કહ્યું હતું કે, કટોકટીની પરિસ્થિતિઓમાં એક મત નિર્ણાયક બને છે. દુર્યોધનની સભામાં વિકર્ણે પોતાનું મંતવ્ય નિષ્ઠાપૂર્વક વ્યક્ત કર્યું હતું, તેનો દાખલો આપતાં તેમણે પ્રત્યેક મતદારે અવશ્ય મતદાન કરવું જ જોઇએ તેવી હિમાયત કરી હતી.
PP/DP
Reader's Feedback: