(સૌજન્ય: ગૂગલ ઈમેજીસ)
અમદાવાદ : નવવધૂના ઘરેણાં સૌના મનને આકર્ષે છે, પછી તે ગુજરાતનાં હોય કે મહારાષ્ટ્રના. દરેક રાજ્યોમાં લગ્ન સમયે નવવધૂના ઘરેણાંમાં ભારતની વિવિધ સંસ્કૃતિ મુજબ વૈવિધ્ય જોવા મળે છે. પરંતુ ભારતીય સ્ત્રીના સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એવાં કેટલાંક ઘરેણાંની વિવિધતા અનોખી છે.દરેક રાજ્યને પોતાના પરંપરાગત રિતીરિવાજો હોય છે. આ વાત ઘરેણાંને પણ લાગુ પડે છે. દરેક રાજ્યને પોતાના ખાસ પાંરપરિક ઘરેણાં હોય છે. જેનાથી વિવાહિત સ્રીને ઓળખી શકાય છે. પંજાબ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, કશ્મીરમાં અને ઉત્તરખંડમાં કયા આભૂષણ સુહાગના પ્રતિક છે. તે જાણીએ...
શાખા -પોલા બંગાળી નવવધૂ માટે અનિવાર્ય
બંગાળી લગ્નમા એક અનિવાર્ય આભૂષણ છે શાખા-પોલા. લગ્નના દિવસે વહેલી સવારે આ રસમ કરવામાં આવે છે. શાખાચીડી તરીકે ઓળખાતી આ ચૂડી શંખની બનેલી હોય છે જેને હળદરવાળા પાણીમાં ડુબાડ્યા બાદ સાત સૌભાગ્યવતી સ્ત્રીઓ નવવધૂને શાખાચૂડી પહેરાવે છે. આ ચૂડીને ઇશ્વરનાં સાત સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રથા પહેલાનાં ગરીબો અને માછીમારો માટે હતી જે મોઘાં ઘરેણાઓ ખરીદી શકતાં ન હતા. શાખાચૂડીની વચ્ચે લોખંડની ચૂડી રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે લોખંડની ચૂડીથી સકારાત્મક શક્તિઓ અને નકારાત્મક શક્તિઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે.
મહારાષ્ટ્રીય નવવધૂનું મુખ્ય ઘરેણું મંગળસૂત્ર
મંગળસૂત્ર એ મરાઠી નવવધૂનું મુખ્ય ઘરેણુ છે. મહારાષ્ટ્રીય લગ્નમાં બધાથી વધારે મહત્વપૂર્ણ સંસ્કાર હોય છે, શુભ મંગળ સાવધાન, જેમાં લગભગ 43 રિવાજો છે. વર મંત્રોનાં ઉચ્ચારણ દરમ્યાન વધૂના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે. સાત ફેરા બાદ વર-વધુને સામસામે ઉભા રાખી એકબીજાના માથાથી માથાનો સ્પર્શ કરે છે જેનો મતલબ થાય છે બંને એકબીજા જેવું વિચારશે અને ગૃહસ્થજીવનના નિર્ણયો સાથે લેશે. મહારાષ્ટ્ર સિવાય દક્ષિણ ભારતમા પણ મંગળસૂત્રનુ મહત્વ વધારે જોવા મળે છે.
કાશ્મીરી વધુનુ સુહાગ અઠ્ઠ અને ડેજહોર
કાશ્મીરી સ્ત્રીનુ મુખ્ય સૌભાગ્ય આભૂષણોમાનુ મહત્વ આભૂષણ છે અઠ્ઠ અને ડેજહોર. તેને સામાન્ય ભાષામાં અઠેરું પણ કહેવામા આવે છે. અઠ્ઠએ સોનાની લાંબી ચેન અને ડેજહોર એટલે ચેનનાં છેડા તરફ સોનાનું પેન્ડન્ટ. આ ચેન કાનની પાછળના ભાગમાં પહેરવામા આવે છે. જેની નીચે તરફ પેંડલ લટકતું હોય છે. કાશ્મીરમાં આનું મહત્વ મંગળસૂત્ર સમકક્ષ માનવામાં આવે છે. સાત ફેરા પહેલાં દેવગુણ સંસ્કાર સમયે અઠેરું પહેરાવામા આવે છે. આ આભૂષણ સોનાનું હોવુ જરુરી છે. કારણ કે, સોનાને તમામ ધાતુમાં સૌથી શુદ્ધ માનવામાં આવે છે.
ઉત્તરાખંડમાં નથ મુખ્ય ઘરેણું
ઉત્તરાખંડના લગ્નમાં નથને એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ત્યાંના રિવાજ પ્રમાણે જેટલી મોટી નથ હોય સાસરાપક્ષને એટલો જ ઉચ્ચકક્ષાનો ગણવામાં આવે છે. સાહિત્યકાર સ્વ. વિદ્યાસાગરે નૈટિયાલની એક માર્મિક કહાની ‘મૂક બલિદાન’ ઉપરથી ‘નથ’ નામની એક હિંદી ટેલિફિલ્મ પણ બનાવી હતી. નથ પછી ગુલુબંદ અને ચરેઉ પણ સૌભાગ્યવતી સ્ત્રીનાં ઓળખચિન્હો છે. ચરેઉમાં કાળા મોતીમાં ગૂંથેલી માળા હોય છે. જેની વચ્ચે નાના-નાના સોનાનાં પેન્ડન્ટ રાખવામાં આવે છે. આ માળા અવિવાહિત સ્રીઓ નથી પહેરી શકતી. ઉત્તરાખંડમા દરેક પરણિત સ્રીના ગળામા આ પહેરવું ફરજીયાત છે.
યુપી-બિહારની પરિણીતાની ઓળખ બિછિયા
બિહાર અને યુપીની નવવધુનાં સૌભાગ્યનું પ્રતિક બિછિયા છે, જે તેના પિયરપક્ષેથી આપવામાં આવે છે. બિછિયા અવિવાહિત સ્રી પહેરી શકતી નથી. લગ્નના મંડપમાં સિંદુરદાન અને ફેરા પછી નવવધૂની ભાભી તેને બિછિયા એટલે કે પગની ચારે આંગળીઓ સહિત અંગુઠામાં ચાંદીની રિંગ્સ પહેરાવે છે. આ બધા ઘરેણાં નવવધૂનાં નાનાપક્ષથી આવે છે.
KG / KP
Reader's Feedback: