
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે નર્સરી વોર્ડમાં આઇ.સી.યુ.માં ગુરુવારની મોડી રાત્રે અચાનક લાઇનમાંથી ઓક્સીજનનું પ્રેશર ખુબ જ ઓછુ થઇ જતા ડોક્ટર સહિતના કર્મચારીઓના જીવ તાળવે ચોટયાં હતા. જોકે, ઓક્સીજન પ્રેશર ઘટવાના લીધે જોખમમાં મુકાયેલા ૭ માસુમ બાળકોની જીંદગી બચાવવામાં તબીબો તથા નર્સ સ્ટાફને દોઢ કલાકની ભારે જહેમત બાદ સફળતા મળી હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા બાળકો સહિતના વ્યક્તિને વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. જેમાં ગુરૃવારે ત્રીજા માળે એફ-૩ નર્સરી વોર્ડમાં ૨૦ જેટલા માસુમ બાળકોને સારવાર આપવામાં આવી રહે છે. તે પૈકી ત્યાં આઇ.સી.યુ.માં ૩ બાળકો વેન્ટીલેટર પર અને અન્ય ૪ બાળકો સહિત કુલ ૭ બાળકોને ઓક્સીજન આપવામાં આવી રહ્યુ હતું. દરમિયાન ગત મોડી રાતે નર્સરી વોર્ડમાં આઇ.સી.યુ.માં અચાનક લાઇનમાંથી ઓક્સીજન પ્રેશર ધીરે ધીરે ખુબ જ ઓછુ થઇ રહ્યું હતું. તે સમયે ત્યાં ફરજ પર હાજર તબીબનું બાળકો પર ધ્યાન ગયુ હતું. બાળકોની હાલત વધુ બગડી રહી હતી. તેથી ત્યાં હાજર ડોક્ટરો, પરિચારીકા સહિતના કર્મચારીના જીવન તાળવે ચોંટી ગયા હતા અને ભાગદોડ થઇ જવા પામી હતી.
જોકે, નર્સરી વોર્ડમાંથી કર્મચારીએ તરત આ અંગે તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કેમ્યુલીટી મેડિકલ ઓફિસરને જાણ કરી હતી. અને મેડિકલ ઓફિસર તરત જ જ્યાંથી ઓક્સીજન સપ્લાઇની લાઇન સ્ટોરરૂમમાંથી વોર્ડમાં જાય છે, ત્યાં દોડી ગયા હતા. દરમિયાન સ્ટોરરૃમમાં કર્મચારી ન હતો અને રૂમમાં તાળુ મારેલુએ જોઇને તે ગભરાઇ ગયા હતા અને તરત તાળુ તોડવાની તૈયારી કરતા હતા. ત્યારે અન્ય કર્મચારી તે સ્ટોરરૂમના તાળાની ચાવી લઇને આવ્યા હતા અને તાળુ ખોલીને ઓક્સીજનો બાટલો બદલીને સપ્લાઇ શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન વોર્ડમાં તબીબો તથા પરિચારીકાઓ બાળકોને એમ્બ્યુલ્સ બેગ એટલે કે હાથ વડે પંપ કરીને ઓક્સીજન આપતા હતા. જોકે, દોઢ કલાક સુધી ડોક્ટર સહિતના કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીની બે જવાબદારી કામગીરીના લીધે સાત સાત માસુમ બાળકોની જીંદગી જોખમમાં મુકાઇ હતી. જોકે, સદનસીબે મોટી આફત મળી હતી. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.મહેશકુમાર વાડેલે જણાવ્યું કે આ ઘટના ખુબ જ ગંભીર હતી. ઓક્સીજન સ્ટોરરૂમમાં ફરજ બજાવતો કોન્ટ્રાક્ટનો કર્મચારી નજીકમાં સુઇ ગયો હતો. ઓક્સીજન પ્રેશર ઓછુ થઇ જતા પરિસ્થિતી સર્જાઇ હતી. ડોક્ટર સહિતના કર્મચારીને ધ્યાને જતા પરિસ્થિતી સંભાળી લીધી હતી.
DP
Reader's Feedback: