જામનગર સહિત જીલ્લાભરમાં સોમવારે હવામાનમાં એકાએક પલટો આવતા કાલાવડ અને લાલપુરના ગ્રામ્ય પંથકમાં અડધાથી દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કાલાવડ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં અમુક સ્થળોએ પાકને આંશિક નુકશાનીની ભિતી ખેડુતો દ્રારા દર્શાવાઇ રહી છે. ઓણ સાલ દ્વારકા જિલ્લામાં ઉનાળુ પાકનું ધીંગુ વાવેતર થયાનું બહાર આવ્યુ છે.
જામનગર સહિત કાલાવડ-લાલપુર પંથકમાં સોમવારે બપોર બાદ ચૈત્ર માસમાં અષાઢી માહોલ સાથે હળવો ભારે વરસાદ વરસ્યો હતો.ખાસ કરીને લાલપુર તાલુકાના નાંદુરી, મોટા ખડબા,નાના ખડબા સહિત ગ્રામ્ય પંથકમાં તો કરા સાથે લગભગ એકથી દોઢ ઇંચ જેટલા વરસાદના પગલે અમુક સ્થળોએ લસણ, ડુંગળી જેવા પાકને આંશિક નુકશાનીનો સુર ખેડુતગણમાંથી ઉઠવા પામ્યો છે.
લાલપુરના ગ્રામ્ય પંથકમાં કરા સાથે ભારે વરસાદના પગલે નાંદુરી સહિતના અમુક સીમ વિસ્તારોમાં ખેતરોમાં પાણી વહી નિકળ્યા હોવાનું બહાર આવ્યુ હતુ.કાલાવડ પંથકના પણ નાની ભગેડી, મોટી ભગેડી, હરીપર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના પગલે કેટલાક પાકને આંશિક નુકશાન થયાનું ખેડુતસુત્રોમાંથી જાણવા મળ્યુ છે.જોકે,જિલ્લા ખેતીવાડી શાખાના સુત્રોએ હાલના કમોસમી વરસાદના પગલે પાકને કોઇ વિશેષ નોંધપાત્ર નુકશાની થવા પામી ન હોવાનું જણાવ્યુ હતુ.અમુક ઉનાળુ પાક માટે વરસાદ આર્શીવાદરૂપ પણ બની શકે એમ પણ સુત્રોએ ઉર્મેયુ હતુ.
બન્ને જિલ્લામાં મળીને ૩૨૭પ૩ હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયુ હતુ.જેમાં ખાસ કરી ઓણ સાલ દ્રારકા જિલ્લામાં ઉનાળુ પાકનું ધીંગુ વાવેતર કરવામાં આવ્યુ છે.ખંભાળિયા તાલુકા ઉનાળુ વાવેતરમાં અગ્રેસર રહયો છે.ગત વર્ષની સરખામણીએ હાલારમાં ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર ચારથી પાંચ ગણુ હોવાનું પણ ખેતીવાડી શાખાના સુત્રોએ ઉર્મેયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે, સોમવારે કાલાવડ અને લાલપુર પંથકમાં જ નોંધપાત્ર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં નાંદુરી અને નાની ભગેડી ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદના વાવડ મળ્યા હતા. જોકે,બે તાલુકાને બાદ કરતા બન્ને જિલ્લાના મોટા ભાગના સ્થળોએ માત્ર ધાબડીયુ વાતાવરણ રહયુ હતુ અને કયાંય નોંધપાત્ર વરસાદ પડયો નથી.
ગત માર્ચ માસમાં કમોસમી વરસાદ વરસ્યો
હાલારના કલ્યાણપુર સહિત પાંચ તાલુકાના અમુક ગ્રામ્ય પંથકમાં ગત માર્ચ માસના બીજા સપ્તાહમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો.જેમાં ખાસ કરીને કલ્યાણપુર પંથકના પોણો ડઝનથી વધુ ગામડાઓમાં અડધાથી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો.જેના પગલે પણ રવિપાકને પણ નુકશાનની ભિતી સેવાઇ હતી.
AI/DP
Reader's Feedback: