ફાઇલ
જામનગર :કચ્છના મુંદ્રા અને તૃણાબંદર પર ઉતારવામાં આવેલ સોનાનો જથ્થો અધિકારીઓએ ઝડપી લીધા બાદ અમદાવાદથી ચીફ કમિશનર ઓફ કસ્ટમ મિશ્રા સહિતનો સ્ટાફ જામનગર દોડી આવ્યો હતો અને અતિ સંવેદનશીલ મનાતા સલાયાની ખાસ મુલાકાત લીધી હતી. એકાએક ચીફ કમિશનર ઓફ કસ્ટમનો સ્ટાફ તથા જામનગર કસ્ટમનો સ્ટાફ આવી ચડતા નાના એવા સલાયા ગામમાં સનસનાટી મચી જવા પામી હતી.
થોડાસમય પહેલા કચ્છના તૃણાબંદર પર દુબઈથી બકરા ભરવા આવેલા જામસલાયાના હબીબી વહાણમાંથી ઉતારવામાં આવેલ રૂ.૧૪.૧૪ કરોડનો ૪૭ કીલો સોનાનો જથ્થો ડી.આર.આઈ.ના અધિકારીઓએ ઝડપી લીધા બાદ કસ્ટમ્સની આંખ ઉઘડી હોય તેમ રાજયના ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ મિશ્રા એકાએક સલાયા દોડી આવતા અનેક તર્ક - વિર્તક થયા હતા.
નોંધનીય છે કે કસ્ટમ્સ કરતા એક ટકો પણ સ્ટાફ નહીં ધરાવતા ડી.આર.આઈ. દ્વારા કચ્છમાં જે બે કન્સાઈમેન્ટ સોનાના ઝડપી પડયા છે તો પ્રશ્ન એ થાય છે કે કસ્ટમ્સ સ્ટાફ માત્ર એસેસમેન્ટ માટે જ છે કે કોઈ પ્રિવેન્ટીવ કામગીરી પણ તેઓને કરવાની હોય છે, કસ્ટમ્સ સ્ટાફને કોઈ ગતાગમ જ નથી અતિ સંવેદનશીલ મથકો પર શું ગતિવિધી ચાલી રહી છે, બસ એજીટી કયારે થાય છે અને કયારે કસ્ટમ હાઉસમાં ટર્ન આવે છે. તેની જ ફિરાક કરવામાં આવતી હોય ત્યાં આગળ સ્ટાફ પાસેથી શું પ્રિવેન્ટીવ કામગીરીની આશા રાખી શકાય તેવો પ્રશ્ન જાણકાર વર્તુળો ઉઠાવી રહ્યા છે.
ચીફ કમિશનર આવી ચડતા કસ્ટમ્સ સ્ટાફમાં દોડાદોડ થઈ પડી હતી અને સલાયા વિષે જે જાણકારી અત્યાર સુધી લેવામાં આવી ન હતી. તેના વિષે કેટલીક માહિતી એકઠી કરવામાં આવી હતી. કેમકે અચાનક ચીફ કમિશનર સલાયા વિષે કાંઈ પુછે તો ગંગે..ફેફે ના થઈ જવાય, દાણચોરીના કિસ્સા વધવા માંડયા છે અને અત્યાર સુધી એરપોર્ટ પરથી લાવવામાં આવતા સોનાના જથ્થા બાદ હવે દરિયાઈ રૂટ પણ ચાલુ થઈ જતા કસ્ટમ સામે જવાબદારી વધી જવા પામી છે, પણ ઈન્ટેલીજન્સ નેટવર્કના નામે મીંડુ ધરાવતા કસ્ટમ્સ સ્ટાફમાં કોઈ એલર્ટનેસનો સંચાર થતો જ નથી. આ તકે અનુભવી સ્ટાફની મદદ લેવામાં આવે તો કાઈંક પરિણામ મળી શકે તેમ છે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
AI/DP
Reader's Feedback: