સુરેન્દ્રનગર-ચોટીલા પંથકમાંથી રૂ.. ૪૭ કરોડનું દાણચોરીનું સોનુ પકડાયાની તપાસ દરમ્યાન ડીઆરઆઇ અને કસ્ટમ્સની ટીમે ખંભાળિયામાંથી અઢી કરોડના સોના સાથે એક શખ્સને ઝડપી લીધો છે. સલાયા પંથકમાં પણ જુદા જુદા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ દાણચોરીના સોનાની વધુ તપાસ અર્થે રાજકોટની સોની બજારમાં પણ ડીઆરઆઇની ટીમ ત્રાટકી હતી. એક વેપારીનું નિવેદન લઇ અન્ય કેટલાક વેપારીઓની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ડીઆરઆઇ અને કસ્ટમ્સ વિભાગના તપાસનીશ અધિકારીઓનો કાફલો શનિવારે સવારથી જ ખંભાળિયામાં ત્રાટકયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીઓને સાથે રાખી કેજીએમ સોસાયટી, સલાયા ગેઇટ વિસ્તાર, ભઠ્ઠી ચોક, ગરીબે નવાજ સોસાયટીમાં તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમ્યાન ગરીબે નવાજ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવતા હાસમ મામદ રૃંઝા નામના આશરે ૫૦ વર્ષની વયના શખ્સના કબ્જામાંથી અઢી કરોડનું ૮ કિલો ૪૦૦ ગ્રામ સોનુ મળી આવ્યુ હતું. આ સોના અંગે કોઇ આધાર પુરાવા ન મળતાં સોનુ કબ્જે લઇ હાસમ રૃંઝાની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અન્ય કેટલાક શખ્સોની પણ પૂછપરછ તથા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
તપાસનીશ એજન્સીઓ દ્વારા સલાયામાં પણ ત્રણ-ચાર સ્થળોએ તપાસ કરવામાં આવી હતી તેમજ કેટલાક શખ્સોની પૂછતાછ કરવામાં આવી હતી. નોંધનીય છે કે રૂ.. ૪૭ કરોડનું દાણચોરીનું સોનુ પકડાયુ તે સલાયાના વહાણ મારફત તુણા બંદરે લાવવામાં આવ્યુ હતું.
આ વહાણ પણ તપાસનીશ એજન્સીઓ દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવ્યુ હતું. આ પ્રકરણમાં રાજકોટના એક સહિત પાંચ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સીલસીલામાં હવે તપાસ આગળ ધપી રહી છે.
દરમ્યાન, ડીઆરઆઇની ટીમે રાજકોટની વિશ્વ વિખ્યાત સોની બજારમાં પણ તપાસ હાથ ધરી હતી. દેરાશેરી ખાતે દુકાન ધરાવતા એક વેપારીનું નિવેદન પણ લેવામાં આવ્યુ હતું. તેમજ અન્ય કેટલાક વેપારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે મુંદ્રામાંથી અગાઉ ૧૨ કિલો દાણચોરીનું સોનુ પકડાયુ હતું. તેમાં રાજકોટના ત્રણ સોની વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમ, દાણચોરીના સોનાનો રેલો રાજકોટની સોની બજાર સુધી પહોંચતો હોઇ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ચર્ચાતી વિગતો મુજબ રાજકોટના એક ટોચના બુકીના કનેકશન મારફત દાણચોરીનું સોનુ દુબઇથી કચ્છ બંદરે ઘુસાડવામાં આવી રહ્યું છે. ત્યાંથી રાજકોટ, અમદાવાદ સુધી આ સોનુ પહોંચતુ હોવાની શકયતાના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.
AI/DP
Reader's Feedback: